News of Sunday, 9th June 2024
ટીઆરપી ગેમઝોન અગ્નિકાંડમાં રાજકોટ સિટની ટીમે વિગતો જાહેર કરી
વેલ્ડીંગ કામ વખતે તણખો પડતા લાગેલી આગ પુરતા ફાયર સેફ્ટીના સાધનો કે પાણીની વ્યવસ્થાના અભાવે કાબુમાં ન આવી: ભરપૂર બેદરકારીને લીધે ૨૭ લોકોના મોત થયા:ટીઆરપી ગેમ ઝોનનુ સ્ટ્રકચર ફેબ્રીકેશન તેમજ લોખંડના પતરાનુ બનાવેલ હતું અંદરના વિસ્તારમાં તાપમાન નિયંત્રીત રાખવા પતરાની દિવાલો સાથે ફોમ શીટનો વિપુલ માત્રામાં ઉપયોગ કરાયો હતો: બોલીંગ એરીયા તથા ટ્રેમ્પોલીન પાર્કના કન્ટ્રકશનમાં પ્લાસ્ટીક અને લાકડાનો ખૂબ ઉપયોગ થયેલ હતો: સાગઠીયા અને મકવાણા, જોષી અંદરોઅંદર મળેલા, તેથી ગેરકાયદે ગેમઝોનને દૂર કરવા કાર્યવાહી ન કરી

રાજકોટ: શહેરના નાના મવા રોડ મોકજી સર્કલ પાસે આવેલા ટીઆરપી ગેમઝોનમાં ૨૭ નિર્દોષ માનવ જીવને ખાખ કરી નાંખનાર ગોઝારી આગ વિસ્ફોટ સાથે લાગી હતી. અત્યાર સુધી આ વિસ્ફોટ અંદર સંગ્રહાયેલા પેટ્રોલ ડીઝલના ગેરકાયદે જથ્થાથી થયાનું મનાતું હતું પરંતું સાપરાધ મનુષ્ય વધના ગુનાની સિટ દ્વારા તપાસમાં અંદર ગેસના બાટલા હતા તે ફાટયા હોવાની પણ શકયતા છે. આગ અત્યંત ઝડપથી પ્રસરીને વિકરાળ રૂપ લેવા માટે ૩૦૦૦ ચો.મી.ના ગેમઝોનના ત્રણ માળના ડોમમાં ખૂબ વિપુલ માત્રામાં વપરાયેલ અત્યંત જ્વલનશીલ પદાર્થ ફોમ કારણભૂત જણાયેલ છે. આગ વખતે ધડાકા સંભળાયા અંગે સિટના સૂત્રોએ જણાવ્યું કે સીસીટીવી કેમેરાના વિડીયો ફૂટેજનો અભ્યાસ કરતા આગ લાગ્યા બાદ જે વાયરીંગ કરાયું હતું તે સળગતા નજરે પડે છે અને જે વિવિધ લાઈટો ફીટ કરેલી હતી તે ધડાકા સાથે ફૂટતી પણ દેખાય છે. સિટના સૂત્રોએ પખવાડિયાની તપાસ બાદ આજે આગ લાગવા માટે 3 કારણો જાહેર કર્યા છે જેમાં (1) આ ગેમઝોનમાં ફેબ્રીકેશનનું કામ ચાલુ હતું અને વેલ્ડીંગ કામ થતું હતું તેની નીચે સળગી ઉઠે તેવા ફોમનો જથ્થો પડેલો હતો. તેના પર તિખારા પડતા આગ લાગી હતી (2) આગ લાગ્યા પછી તેને બુઝાવવા માટે ફાયર સેફ્ટીના સાધનો કે પાણીની વ્યવસ્થાન ન્હોતી તેથી આગ આખા ડોમમાં ફેલાઈ (3) ટી.આર.પી.ઝોનનું બાંધકામ લોખંડના પતરાંથી બનાવેલું હતું જેમાં અંદરના ભાગે તાપમાન નિયંત્રીત રાખવા પતરાંની દિવાલો સાથે ફોમ શીટનો વિપુલ માત્રામાં ઉપયોગ કર્યો હતો જેથી આગ અત્યંત ઝડપથી પ્રસરી (૪) ગેમ ઝોનમાં બોલીંગ એરિયા તથા ટ્રેમ્પોલીન પાર્કમાં પ્લાસ્ટિક અને લાકડાનો ભરપૂર ઉપયોગ થયો જેથી આગ વધુ ભભુકી હતી.
ટીઆરપી ગેમઝોન નામથી એમ્યુઝમેન્ટ પાર્ક બનાવેલ જે ધવલ કોર્પોરેશન તેમજ રેસ-વે એન્ટરપ્રાઇઝ નામની બન્ને પેઢી સંયુકત રીતે ચલાવવામાં આવતી હતી જેમાં આરોપીઓ ભાગીદાર હોવાનું તેમજ મેનેજનેન્ટ તથા સંચાલન કરતા હોય, તેઓએ ગેર કાયદેસર બાંધકામ કરી તેમજ ફાયર એન.ઓ.સી. નહી મેળવી તેમજ ખર્ચો બચાવવા પુરતા પ્રમાણમાં અગ્નીસામક સાધનો નહી રાખી તેમજ ગ્રાહકોને આવવા-જવા માટે એક જ દરવાજાનો ઉપયોગ કરી તેમજ એકઝીટ અંગેના યોગ્ય બોર્ડ (સ્ટીકર તથા સાઇન) નહી લગાડી તેમજ લાઇટ જાય ત્યારે, ઓછુ અજવાળુ હોય ત્યારે, ધુમાડો હોય ત્યારે આસાનીથી દેખાય તેવા રેડીયમ કે નિયોન કલરથી રસ્તો બતાવતા કોઇ માર્ક નહી લગાડી તેમજ આ ગેમઝોનમાં ગ્રાહકોને પ્રવેશ આપેલ ત્યારે ફેબ્રીકેશનનું તેમજ અન્ય કામ ચાલુ રાખી તે માટે વેલ્ડીંગ કામ ચાલુ રખાવી તેમજ વેલ્ડીંગ કામ થતું હતું ત્યાં નીચે તુરત જ સળગી ઉઠે તેવી પફ પેનલ શીટો રખાવી બેજવાબદારી પુર્વકની પ્રવૃતિ કરી તેઓ જાણતા હોય કે આ ટીઆરપી ગેમઝોનમાં જો આગ લાગશે તો કસ્ટમર(ગ્રાહકો) ગેમઝોનથી સરળતાથી બધા માણસો બહાર નીકળી શકશે નહી જેથી મોટા પ્રમાણમાં જાનહાની થવાનો સંભવ છે તેમ છતા પુરતી તકેદારી વગર ગેમઝોન ચલાવી બેદરકારી દાખવેલ છે.
પોલીસે આરોપીઓની રિમાન્ડ માટે એક કારણ સાંઠગાંઠ તપાસવાનું પણ રજૂ કર્યું હતું. કોર્પોરેેશનના પૂર્વ અધિકારીઓ એવા આરોપીઓ સાગઠીયા, જોષી, મકવાણાની પુછપરછમાં આ ત્રણેય આરોપીઓ એક બીજા સાથે મળેલા છે અને તેથી ટીઆરપી ગેમઝોનનું ગેરકાયદે બાંધકામ દૂર કરવા નોટિસ અપાયા છતાં તે દૂર કરવા કાર્યવાહી કરી નથી અને તા.4-5-2024ના આ બાંધકામ રેગ્યુલરાઈઝ્ડ કરવા અરજી થઈ છતાં સુરક્ષાની દ્રષ્ટિએ બાંધકામની કોઈ ચકાસણી કરેલ નથી. જ્યારે તા.૩-૯-૨૦૨૩ના આ જ સ્થળે આગ લાગવા છતાં તત્કાલીન ફાયર ઓફિસર રોહિત આસમલભાઈ વિગોરાએ કોઈ કાર્યવાહી કરી નથી. આ કેસમાં (1) ગેમઝોનના પાર્ટનર યુવરાજસિંહ હરીસિંહ સોલંકી ગુર્જર ક્ષત્રિય રાજપૂત (ઉ. 30) (2) મેનેજર નિતીન મહાવીરપ્રસાદ લોઢા જૈન વણિક (ઉ. 41) (૩) રાહુલ લલિતભાઈ રાઠોડ લુહાર (ઉ. 28 પાર્ટનર) (4) ધવલ ભરતભાઈ ઠક્કર લોહાણા (ઉ. 36 પાર્ટનર) (5) કિરીટસિંહ જગદીશસિંહ જાડેજા (ઉ. 56, જમીન માલિક અને પાર્ટનર)ની ધરપકડ કરીને રિમાન્ડ પર લેવાયેલા છે. ત્યારબાદ મનપાના (1) તત્કાલીન ટાઉન પ્લાનીંગ ઓફિસર મનસુખ ધનજીભાઈ સાગઠીયા (ઉ. 55) (2) તત્કાલીન એ.ટી.પી. ગૌતમ દેવશંકર જોષી (ઉ. 46) અને (3) તત્કાલીન એ.ટી.પી.મુકેશ રામજીભાઈ મકવાણા (ઉ. 43) અને (4) રોહિત વિગોરા (ઉ. 29) એ 4 સહિત 9 આરોપીઓની ધરપકડ થઈ છે અને હાલ રિમાન્ડ પર છે. ગેમઝોનના અન્ય એક પાર્ટનર અને આરોપી પ્રકાશચંદ્ર કનૈયાલાલ હિરનનું ગેમઝોનમાં આગમાં મૃત્યુ નીપજ્યું છે. ગેમઝોનનો પાર્ટનર અને આરોપી અશોકસિંહ જગદીશસિંહ જાડેજા હજુ પણ આ બનાવમાં નાસતાા ફરતા હોય તેને પકડવા ત્રણ ટીમો જહેમત ઉઠાવી રહ્યાનું એસીપી બી.બી. બસિયાએ જણાવ્યું હતું.
(11:37 AM IST)










