<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 9th June 2024

ગેમઝોન આગકાંડમાં ટીપીઓ મનસુખ સાગઠિયાનું વધુ એક ભોપાળુ છતુ થયું: બોગસ મિનિટ બુક પોલીસ સમક્ષ રજુ કરી: ક્રાઇમ બ્રાન્ચમાં અલગથી ગુનો દાખલ

તત્કાળ મિટિંગ યોજી કહેલુ ગેમ ઝોન આગકાંડમાં પોલીસ મારી ગમે ત્યારે પૂછતાછ કરશે, કર્મચારીઓને ઉગ્ર થઈ ધમકાવી મિનિટ્સ બુકમાં સહીઓ લીધી હતી!

રાજકોટ: શહેરના ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડમાં સંડોવાયેલા રાજકોટ મહાનગર પાલિકાના ટીપીઓ મનસુખ ધનજીભાઈ સાગઠીયા (ઉ.વ. ૫૫, રહે. અલખધણી એપાર્ટમેન્ટ, ફલેટ નં. ૫૦૧, શિવશકિત કોલોની, શેરી નં.૪, યુનિ. રોડ)એ પોલીસમાં રજુ કરેલી મીનીટ્સ નોટ બોગસ હોવાનું ખુલતા પોલીસે તેની સામે વધુ એક ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી છે.

જાણવા મળ્યા મુજબ ક્રાઈમ બ્રાંચના પીએસઆઈ ડી.સી. સાકરીયાએ આ મામલે એમ.ડી. સાગઠીયા વિરૂધ્ધ આઈપીસી કલમ ૪૬૫, ૪૬૬, ૪૭૧,૪૭૪ મુજબ ગુનો દાખલ કરાવ્યો છે. આરોપીએ રાજકોટ મહાનગર પાલીકા ટાઉન પ્લાનીંગ શાખાના, ટાઉન પ્લાનીંગ ઓફીસરના અધ્યક્ષ સ્થાને શાખાની કામગીરી અંતર્ગત તેને લેવાની સમયાંતરની મીટીંગો યોજેલ હોય કે ન યોજેલ હોય પરંતુ રાજકોટ શહેર તાલુકા પો.સ્ટેના ગુ.ર.ન ૪ ૯૬/૨૦૨૪ આઇ.પી.સી કલમ ૩૦૪, ૩૦૮, ૩૩૭, ૩૩૮, ૩૬, ૧૧૪ મુજબના ગુન્હાની તપાસના કામે માંગ્યે રજુ કરવા અર્થેની અલગ અલગ તારીખોની બનાવટી મિનીટસ નોટ બનાવી તે ખરી ન હોવાનુ જાણવા છતા ટીઆરપી ગેમઝોનમાં બનેલ આગના બનાવના ગુન્હાની જવાબદારીમાંથી બચવા અને રજુ કરવા પોતાના કબ્જામાં રાખી હતી.

પોલીસ સુત્રોના જણાવ્યા મુજબ, ટીઆરપી અગ્નિકાંડના ગુનાની તપાસ રાજકોટ પોલીસની સીટ દ્વારા ચાલુ છે ત્યારે રાજકોટ મહાનગર પાલિકાના ટાઉન પ્લાનીંગ ઓફિસર મનસુખભાઈ ધનજીભાઈ સાગઠીયા (ઉ.વ.૫૫)ની આ પ્રકરણમાં ધરપકડ કરાઈ હતી. પૂછપરછ દરમ્યાન તેણે પોતાના અધ્યક્ષ સ્થાને યોજાયેલી વિવિધ મીટીંગોની મીનીટ્સ નોંધ પુરાવા તરીકે પોતાના બચાવ માટે રજુ કરેલ હતી. આ ફાઇલમાં ટાઉન પ્લાનીંગ શાખાના લેટરહેડ હેઠળ ટીપીઓના અધ્યક્ષ સ્થાને શાખાની કામગીરી અંતર્ગત અલગ-અલગ તારીખે યોજાયેલી મીટીંગની નોંધ હતી. જેમાં એટીપી ઉપરાંત સર્વેયર અને અન્ય કર્મચારીઓની સહીઓ હતી.

તેમજ આ મીનીટ્સ નોટ પરની સહીઓની પેટર્ન ઉપરથી આ તમામ કાર્યવાહી નોંધ તેમાં જણાવેલી તારીખના દિવસે નહીં પરંતુ તે સિવાયના અન્ય કોઇ દિવસે અને એક જ સાથે સહી કરી પોલીસને ગેરમાર્ગે દોરવા ઉભી કરાઈ હોવાનું પ્રાથમિક દ્રષ્ટિએ પોલીસને જણાવ્યું હતું. આથી આ અંગે ટાઉન પ્લાનીંગ શાખાના એટીપી, સર્વેયર અને અન્ય કર્મચારીઓના પોલીસે નિવેદન લેતા ગઇ તા. ૨૭-૫ના સાંજે વેસ્ટ ઝોનને એટીપી રાજેશ મકવાણાએ ટીપી ટેકનીકલ નામના વોટ્સએપ ગ્રુપમાં 'ટીપીઓ સાહેબની સૂચના અન્વયે આજે સાંજે ૬-૩૦ કલાકે તમામ ટેકનીકલ સ્ટાફે સેન્ટ્રલ ઝોન ખાતે મીટીંગ માટે હાજર રહે' તેવો મેસેજ કર્યો હતો.

આ મેસેજને લઈ સ્ટાફના સંબંધીત કર્મચારીઓ સેન્ટ્રલ ઝોન પીટી શાખાની ઓફિસે હાજર રહ્યા હતા એ સમયે આરોપીએ તેઓને ‘ટીઆરપી ગેમઝોનમાં આગનો બનાવ બનેલ છે, તે બાબતે પોલીસ કોઈપણ સમયે મારી પૂછપરછ કરી શકે તેમ છે તેથી મારા બચાવ અર્થે મારે લેવાની થતી સમયાંતરેની મીટીંગ લીધેલી હોય ન લીધેલી હોય પરંતુ સમયાંતરેની તમામ મીનીટ્સ નોટ બનાવેલ છે તેમાં તમારે બધાએ લાગુ પડે ત્યાં સહીઓ કરવાની જ' તેમ કહ્યું હતું. તેમજ ઉગ્ર થઈ ‘તમારે આમા સહી કરવાની જ' તેમ ધમકી ભર્યા શબ્દ કહેતા કર્મચારીઓએ લાગુ પડતી મીનીટ્સ નોટમાં એક સાથે બધી જ સહીઓ કરી દીધી હતી. હાલ આ અંગે પોલીસે વધુ તપાસ હાથ યથાવત રાખી છે. 

 

(11:37 AM IST)