<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 10th June 2024

દુધસાગર રોડ પરના કવાર્ટરોને સીલ કરવા મનપા મક્કમ

હાઉસિંગ બોર્ડે રીનોવેશન ન કરતા ૬૯૬ પરિવારોની કફોડી હાલત : હજારો પરિવારોની દોડા દોડી છતા હાઉસીંગ બોર્ડના અધિકારીઓ, મનપાના પદાધિકારીઓ તથા કોર્પોરેટરો તથા કોંગી નેતા ડોકાયા જ નહિઃ લોકોમાં રોષ : વૈકલ્‍પીક વ્‍યવસ્‍થા અથવા ભાડુ આપોઃ અસરગ્રસ્‍તોઓની સંવેદનશીલ માંગણીઃ આંદોલનની ચીમકી

ગરીબનું કોઇ નહિ ? : શહેરના સામાકાંઠે વોર્ડ નં. ૬ માં ડેરી વિસ્‍તારમાં આવેલા હાઉસીંગ બોર્ડના કવાટર્સ જર્જરિત થઇ જતા કોર્પોરેશને આપેલ નોટીસ પછી કોર્પોરેશન કે સરકારે કોઇ વૈકલ્‍પિક વ્‍યવસ્‍થા ન કરતા ગરીબ રહેવાસીઓએ આજે ભારે હૈયે પોતાના આવાસ ખાલી કરવાની શરૂઆત કરી છે. ભીની આંખે ગરીબો પોતાની ઘરવખરી ફેરવી રહેલ ત્‍યારે હૃદયદ્રાવક દ્રશ્‍યો સર્જાયા હતાં. ચૂંટણી વખતે મત માટે બે હાથ જોડીને કરગરતા કહેવા જનસેવકો અસરગ્રસ્‍તોના આંસુ લુછવા ડોકાયા નથી.(તસ્‍વીરઃ અશોક બગથરીયા) (પ-ર૭)

રાજકોટ,તા.૧૦: શહેરના દૂધસાગર રોડ ઉપર આવેલ આકાશદીપ સોસાયટીના હાઉસીંગ બોર્ડના ૭૦૦ જેટલા કવાર્ટરધારકો મુશ્‍કેલીમાં મુકાયા છે. કેમ કે, હાઉસીંગ બોર્ડ તંત્ર ધારકોએ રિનોવેશન ન કરતા હજારો લોકોની કફોડી હાલત જોવા મળી રહી છે. આ કવાર્ટરો સીલ કરવા મનપા તંત્ર વાહકો મક્કમ છે. અસરગ્રસ્‍તો દ્વારા તંત્રો વાહકો અને શાસકો પાસે માત્ર વૈકલ્‍પિક વ્‍યવસ્‍થા કરવામાં આવે અથવા ભાડુ આપવા સહિતની વિવિધ મુદ્દાની માંગણી કરવામાં આવી રહી છે.

છેલ્લા ત્રણ - ચાર દિવસથી હઠાગ્રહ બનેલુ મનપા તંત્ર દ્વારા જર્જરીત મકાનોના નામે કાર્યવાહી કરવામાં આવી રહી છે ત્‍યારે આજ દિન સુધીમાં  હાઉસિંગ બોર્ડના અધિકારીઓ, મનપાના પદાધિકારીઓ, કોર્પોરેટરો તથા કોંગ્રેસ નેતાઓ ન આવતા  આ બાબતે લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે.

આ તમામને કવાર્ટર ખાલી કરી દેવા તંત્ર દ્વારા નોટીસ ફટકારવામાં આવી છે. અહિં લાઇટ અને નળ કનેકશન પણ બંધ કરી દેવામાં આવ્‍યા છે. આ રહેવાસીઓ જાય તો કહા જાયે તેવી સ્‍થિતિ બની છે આ બાબતે માનવતાના ધોરણે વૈકલ્‍પીક વ્‍યવસ્‍યા કરવા અને જ્‍યારે નવા કવાર્ટર બની જાય ત્‍યારે તે જ જગ્‍યાએ કવાર્ટર ફાળવવા બાંહેધરી આપવા તંત્ર સમક્ષ અપીલ કરી છે.

દૂધસાગર રોડ આવેલ ગુ.હાઉસીંગ બોર્ડની શહેરી ગરીબ આવાસ યોજનામાં દારૂણ ગરીબીમાં જીવતા લોકો વસે છે. હાઉસીંગ બોર્ડના આ કવાર્ટર જર્જરીત થઇ ગયેલ છે. હાઉસીંગ બોર્ડ દ્વારા ૨૦૧૬માં રિનોવેશન કરાવવા માટે નોટીસ પાઠવતા ૬૦ થી ૭૦ ટકા જેટલા કવાર્ટર ધારકોને રિનોવેશન કરાવેલ છે. આમ છતાં રાજકોટ મહાનગર પાલિકાના અધિકારીઓ દ્વારા તે માન્‍ય રાખેલ નથી.

કવાર્ટરના લાઇટ, નળ કનેકશન તેમજ ગેસ કનેકશન તા. ૬ જુન૨૦૨૪ના રોજ કાપી નાખેલ છે. જેથી આ વિસ્‍તારના લોકો હેરાન-પરેશાન થઇ ગયેલ છે.

ડીમોલેશન સામે આ વિસ્‍તારના લોકોનો વિરોધ નથી પરંતુ વિસ્‍તારના લોકોની વિવિધ માંગણીઓ છે જેવી કે, (૧) લાઇટ અને પાણી પુરવઠો તરત ચાલુ કરવામાં આવે. (૨) ડીમોલેશન માટે એક મહિનાનો સમય આપવામાં આવે. (૩) રહેવા માટે વૈકલ્‍પિક વ્‍યવસ્‍થા કરવામાં આવે અથવા ભાડુ આપવામાં આવે. (૪) ડીમોલેશનનો ભોગ બનેલા કવાર્ટર ધારકોને રાજય સરકાર, ગુ.હાઉસીંગ બોર્ડ કે રાજકોટ મહાનગર પાલિકા કોણ નવું કવાર્ટર આપશે. તેની જવાબદારી નક્કી કરવામાં આવે.(૫) વહીવટી તંત્રના જવાબદાર અધિકારી દ્વારા નવું કવાર્ટર આપવાની લેખિત બાહેંધરી-આપવામાં આવે. (૬) જેનો દસ્‍તાવેજ થયેલ છે. તેમજ જેનો દસ્‍તાવેજ થયેલ નથી .અને હપ્‍તા ચડત છે તેવા તમામ કવાર્ટર ધારકોને નવું કવાર્ટર આપવામાં આવે.

કવાર્ટરધારકોની ન્‍યાયિક અને વ્‍યાજબી માંગણીઓ નહીં સ્‍વીકારાય તો કવાર્ટર ધારકો દ્વારા ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્‍ચારવામાં આવી

(3:07 PM IST)