News of Monday, 10th June 2024
હનુમાન મઢી રિક્ષાચાલકની હત્યાના પ્રયાસમાં ત્રણ કચરા ભાઇઓ ઝડપાયાઃ ભાવનગર ભાગી ગયા'તા
ઇમરાન ઉર્ફ પીન્ટુ કચરા, અખ્તર કચરા અને આફતાબ ઉર્ફ ચીકુને પીઆઇ બી. ટી. અકબરીની ટીમે પકડયાઃ એએસઆઇ ધર્મેન્દ્રસિંહ રાણા, કોન્સ. કુલદિપસિંહ રાણા અને પ્રદિપ ડાંગરની બાતમી એક આરોપી ઇમરાને સુભાષનગરમાં કેબીનમાં છુપાયેલો દારૂનો જથ્થો મળતાં અલગથી એલસીબી ઝોન-૨ના કોન્સ. અમીન ભલુરે ગુનો દાખલ કરાવ્યો

રાજકોટ તા. ૧૦: રૈયારોડ પર હનુમાન મઢી પાસેના શિવપરામાં રહેતાં રિક્ષાચાલક અલ્તાફ સલીમ કારીયાણીયા પર હનુમાન મઢી નજીક નવઘણ ચા નામની હોટલ પાસે નહેરૂનગરમાં રહેતા ઈમરાન રમઝાન કચરા, અખતર સૌકત કચરા અને સુભાષનગરના આફતાબ રફીક કચરાએ ઝઘડો કરી ધોકા- લોખંડના પાઈપથી હુમલો કરી ગંભીર ઇજા પહોંચાડતાં ગાંધીગ્રામ પોલીસે હત્યાની કોશિષનો ગુનો નોંધ્યો હતો. આ ગુનામાં ત્રણેય કચરા ભાઇઓને ઝડપી લેવાયા છે. જે પૈકી એક આરોપીએ કેબીનમાં વિદેશી દારૂનો જથ્થો છુપાવી રાખ્યો હોઇ તે મળતાં અલગથી ગુનો દાખલ કરાયો છે.
જેની હત્યાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો તે અલ્તાફ તેના દિકરાને જ્યુસ પીવડાવવા નવઘણ ચા પાસે લઇ ગયેલો ત્યારે હુમલાખોરો ધસી આવ્યા હતાં અને ઇમરાને તું મારા ભાઈની પત્નિ સામે ખરાબ નજરે કેમ જોવે છે? કહી ધોકા-પાઇપના ઘા ફટકાર્યા હતાં. જેનો વિડીયો પણ વાયરલ થયો હતો. આ ગુનામાં એએસઆઇ ધર્મેન્દ્રસિંહ રાણા, કોન્સ. કુલદિપસિંહ રાણા અને પ્રદિપસિંહ ડાંગરની બાતમી પરથી ઇમરાન ઉર્ફ પિન્ટુ રમઝાનભાઇ કચરા (ઉ.વ.૩૫), અખ્તર સોૈકતભાઇ કચરા (ઉ.વ.૨૩) અને આફતાબ ઉર્ફ ચીકુ રકિફભાઇ કચરા (ઉ.વ.૨૯) (રહે. ત્રણેય નહેરૂનગ)ને ઝડપી લીધા છે.
પીઆઇ બી. ટી. અકબરી, પીઆઇ બી. બી. જાડેજા, રાઇટર મહેશભાઇ રૂદાતલા સહિતની ટીમે ધરપકડની કાર્યવાહી કરી હતી. પ્રાથમિક પુછતાછમાં ત્રણેય ભાવનગર તરફ ભાગી ગયાનું રટણ કર્યુ હતું. રિમાન્ડ મેળવવા તજવીજ કરવામાં આવી હતી.
બીજી તરફ એક આરોપી ઇમરાન રમઝાનભાઇ કચરાની વિશેષ પુછતાછ થતાં તેણે સુભાષનગર ૮ એસકે ડાયમંડ એપાર્ટમેન્ટ પાસે આવેલી પોતાના હસ્તકની કેબીનમાં વોડકા ફલેવરની ૭૫૦ એમએલ અને ૧૮૦ એમએલની રૂા. ૬૯૦૦ની દારૂની બોટલો છુપાવી રાખી હોવાનું કબુલતાં એલસીબી ઝોન-૧ના એમ. જે. જાડેજા, અમીનભાઇ ભલુરે કબ્જે કરી અલગથી ગુનો દાખલ કરાવ્યો હતો.
(4:14 PM IST)










