તા. ૧૭ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૮ મંગળવાર
News of Monday, 10th June 2024
પીડીયુ સિવિલ હોસ્પિટલમાં મહિલા તબિબને મારકુટને પગલે રોષઃ માંગણીઓ ન સંતોષાય તો નોન-ઇમર્જન્સી સેવાનો ત્યાગ
મહિલા સર્વન્ટના સગાને દાખલ કરાયા તેનો વિડીયો ઉતારવાની ના પાડતાં હુમલો થયો હતોઃ ‘ડોક્ટરો પર અત્યાચાર બંધ કરો'...ના સુત્રોચ્ચાર : બપોરે તબિબી અધિક્ષક ડો. આર. એસ. ત્રિવેદીએ તબિબો સાથે બેઠક યોજી તત્કાળ ન્યાયી કાર્યવાહીની ખાત્રી આપીઃ સાંજના ૪ સુધીમાં ચાર પૈકી ત્રણ માંગણીઓનો નિવડો ન આવે તો સાંજથી જ જુનિયર ડોક્ટર એસોસિએશન અને સિનીયર ડોક્ટર આકરો નિર્ણય લેશે

પીડીયુ મેડિકલ કોલેજ ખાતે તબિબોએ સુત્રોચ્ચાર કરી ન્યાય અપાવવા માંગણી કરી હતી. ઇન્સેટમાં ભોગ બનનાર ડો. મેરી અને વિગતો જણાવતાં ડો. ધીમંત મારવીયા જોઇ શકાય છે (ફોટોઃ સંદિપ બગથરીયા)
રાજકોટઃ શહેરની પીડીયુ સિવિલ હોસ્પિટલમાં શનિવારે ઓપીડી વિભાગના મહિલા સર્વન્ટ રૂક્સાનાબેને પોતાના સગા એવા પોપટપરાના જ્યોત્સનાબેનને ગભરામણ થતી હોવાની ફરિયાદ સાથે દાખલ કરાવતાં ફરજ પરના મહિલા તબિબે તથા બીજા સ્ટાફે જરૂરી તપાસ કરી હતી અને છાતીની પટ્ટી કઢાવી હતી. તેમજ સારવાર માટે વોર્ડ નં. ૭માં દાખલ કરાયા હતાં. આ વખતે મહિલા સર્વન્ટ સહિતે મોબાઇલ ફોનથી મહિલાઓના વોર્ડમાં શુટીંગ શરૂ કરતાં આ વોર્ડના સિનીયર મહિલા તબિબે તેને શુટીંગ કરતાં અટકાવતાં તેમના પર હુમલો કરાયો હતો અને લાફો મારી દેવાયો હતો. આ ઘટના બાદ મહિલા સર્વન્ટ પોતાના પર હુમલો થયાની વાતે સ્ટાફના બીજા કર્મચારીઓને એકઠા કરી સુત્રોચ્ચાર કરવા માંડયા હતાં. બીજી તરફ તબિબોએ સાચી વાત જાહેર કરી હતી અને મહિલા તબિબ ડો. મેરી પર હુમલો થયાનું જણાવી સર્વન્ટ દ્વારા ખોટી કહાની ઉભી કરવામાં આવ્યાની સ્પષ્ટતા કરી સુત્રોચ્ચાર કર્યા હતાં. આજે તબિબોએ પોતાની ૪ મુખ્ય માંગણી રજૂ કરી હતી.
શનિવારે મહિલા દર્દી પરંતુ આ વખતે સર્વન્ટ રૂક્સાનાબેને દર્દીની હાલત ખરાબ છે મોઢામાંથી ફીણ નીકળતાં હોવાનું અને દર્દીને દાખલ કરવાનું કહી મોબાઇલથી વિડીયો ઉતારવાનું ચાલુ કરતાં ડો. મેરીએ તેને વિડીયો ઉતારવાની ના પાડતાં તેણીએ ઝપાઝપી કરી લીધી હતી. એ પછી પણ દર્દીને વ રોજ ના સવારે ૮.૪૫ વાગે ઈમરજન્સી વિભાગમાં બીજા માળે મેડિકલ વોર્ડ નં ૭ માં જ્યોત્સનાબેન પ્રવીણભાઈ ઉં. વ. ૪૨, ગભરામણ, તથા નબળાઈ સાથે આવેલ હતા અને તેને તાત્કાલિક ધોરણે દાખલ કરીને, તપાસ કરીને છાતી ની પટ્ટી કાઢેલ તથા યોગ્ય સારવાર ચાલુ કરવામાં આવેલ અને દર્દી સભાન તથા સ્ટેબલ અવસ્થા માં હતા. આ પ્રકારની સારવાર મળવા છતાં પણ તેમની જોડે આવેલ રુક્સાનાબેન (ઓપીડી વિભાગ ના સર્વેન્ટ) અને તેમના ૨ સગા દ્વારા વોર્ડ માં કામ કરી રહેલા ડો. મેરી એલ અને ડો. અજય રાઠોડ જે દર્દી ની તપાસ કરી રહ્યા હતા, તેમના પર ગેરવ્યવહર કરીને, ગાળો આપીને હાથાપાઈ પર ઉતરી આવેલ હતા. તેઓ દ્વારા આ બંને ડોક્ટર ને લાફો મારવામાં આવેલ છે, તેમજ મારા મારી પણ કરવામાં આવેલ છે, જેનાથી આ ડોક્ટરો ને ઇજા થયેલ છે. અને દર્દી હોસ્પિટલ માંથી દાખલ ફાઈલ લઈને કોઈને જાણ કર્યા વગર ફરાર થઈ ગયેલ છે.
ડો. અજયકુમાર રાઠોડે સમગ્ર ઘટના અંગે જણાવ્યું હતું કે શનિવારે ઇમર્જન્સી વિભાગમાં મહિલા દર્દીને લાવવામાં આવ્યું ત્યારે તેને છાતીમાં ગભરામણની ફરિયાદ હતી. તુરત જ દર્દીને તપાસી જરૂરી તપાસ કરી સિંગલ વોર્ડમાં લઇ પેશન્ટના ઇસીજી, પલ્સ રેટ સહિત તપાસતાં દર્દી સ્ટેબલ હતું. આ દરમિયાન દર્દીના સગા અને મહિલા સર્વન્ટ દર્દીનો અને વોર્ડનો વિડીયો ઉતારવા માંડયા હતાં. આ વખતે મારી સાથેના સિનીયર ડો. મેરી લલરેમૃઆતી બીજા દર્દીને તપાસ રહ્યા હતાં. આથી તેમણે મહિલા દર્દીઓની પ્રાઇવસી જોખમાય તે માટે વિડીયો નહિ ઉતારવાની મહિલા સર્વન્ટ અને તેના સગાને ના પાડી સમજાવતાં દર્દીના સગા માન્યા નહોતાં. એ વખતે ડો. મેરીએ મોબાઇલ નીચે કરવાનો પ્રયાસ કરતાં દર્દીના સગા તથા મહિલા સર્વન્ટ સહિતે ડો. મેરી સાથે ગાળાગાળી કરી હતી અને તેમની કુરતી ખેંચી ઝાપટ મારી દીધી હતી. અમારી માંગણી છે કે આવુ વારંવાર સિવિલ હોસ્પિટલમાં ડોક્ટર સાથે થાય છે, આવુ હવે પછી ન બને તે માટે સિક્યુરીટી કડક બનાવવી જરૂરી છે. જેથી ડોક્ટર સલામત રહી ફરજ બજાવી શકે.
ડો. મેરીએ જણાવ્યું હતું કે શનિવારે સવારે સાડા આઠેક વાગ્યે અમારી ઇમર્જન્સી ચાલુ થઇ હતી. એ વખતે મહિલા દર્દી આવતાં વાઇટલ ઇસીજી બધુ મારા જુનિયરે ચેક કરી લીધુ હતું. આ વખતે દર્દીના સગા અને સિવિલના મહિલા સર્વન્ટે વિડીયો ઉતારવાનું ચાલુ કરતાં મેં તેને અટકાવતાં મારી સાથે ગાળાગાળી કરી મને મારકુટ કરી લીધી હતી.
દરમિયાન ડો. ધીમંત મારવીયાએ જણાવ્યું હતું કે અમારી ચાર મુખ્ય માંગણી છે. મહિલા તબિબ સાથે ધમાલમાં સામેલ કર્મચારી રૂક્સાનાબેનને કાયમી ધોરણે ફરજમાંથી છુટા કરવામાં આવે, તાત્કાલીક ધોરણે દરેક માળ પર એક અને બિલ્ડીંગની નીચે દ્વારા પર બે બાઉન્સર ૨૪ કલાક ફાળવવામાં આવે, દાખલ દર્દીની સાથે ૨૪ કલાક રહેવા માટે તથા દર્દીને મુલાકાત માટે આવતા સગા માટે ફાળવવામાં આવતી પાસની પ્રક્રિયાનું ચુસ્ત પાલન કરવામાં આવે, દરેક ઓપીડી અને વોર્ડમાં સીસીટીવી કેમેરાની સંખ્યા વધારવામાં આવે. આ ચાર પૈકીની પહેલી ત્રણ માંગણી તાત્કાલીક આજ સાજ ૪ વાગ્યા સુધીમાં સંતોષવામાં નહિ આવે તો જુનિયર તથા સિનીયર રેસિડેન્ટ ડોક્ટર દ્વારા આજથી જ નોન-ઇમર્જન્સી સેવાઓનો ત્યાગ કરવામાં આવશે.
તબિબી અધિક્ષક ડો. આર. એસ. ત્રિવેદીએ જણાવ્યું હતું કે બેઠક યોજીને પ્રશ્નોનો નિવેડો લાવવાની કાર્યવાહી થઇ છે અને જવાબદાર સામે ચોક્કસપણે પગલા લેવામાં આવશે. ડો. ધીમંત મારવીયાએ જણાવ્યું હતું કે અમને તત્કાળ ન્યાયી કાર્યવાહીની ખાત્રી આપવામાં આવી છે. સાંજ સુધીમાં પગલા લેવાઇ જશે. જો અમારી માંગણીઓનો ઉકેલ નહિ આવે તો અમે આગળ પગલા લઇશું.
પોલીસને લેખિત ફરિયાદ
ઉલ્લેખનિય છે કે આ બનાવમાં ભોગ બનેલા ડો. મેરી લલ રેમૃઆતી દ્વારા પ્ર.નગર પોલીસમાં લેખિત ફરિયાદ પણ કરવામાં આવી છે. જેમાં જણાવાયું છે કે હું તા. ૮ના સવારે નવેક વાગ્યે મેડિકલ વોર્ડ-૭માં ફરજ પર હતી ત્યારે દર્દી જ્યોત્સનાબેન પ્રવિણભાઇને છ-સાત સગા સાથે વોર્ડમાં લાવવામાં આવ્યા હતાં. આ વખતે તેના સગા વિડીયો ઉતારતાં હોઇ દર્દીની પ્રાથમિક તપાસ ડો. અજય દ્વારા કરવામાં આવી હતી. મેં દર્દીના સગાને વિડીયો ઉતારવાની ના પાડતાં અને રોકવાનો પ્રયાસ કરતાં દર્દીના સગા અને સર્વન્ટ જે હાલ સિવિલમાં ફરજ બજાવે છે તેનું નામ રૂક્સાનાબેન છે તેણે મારી સાથે ઝપાઝપી કરી હતી અને ઇજા પહોંચાડવા પ્રયાસ કર્યો હતો. આ બનાવ અંગે યોગ્ય કાર્યવાહી કરવા મારી માંગણી છે.
ડોક્ટરોની આ છે ૪ માંગણી
હુમલામાં જવાબદારોને નોકરીમાંથી કાઢો, પાસ સિસ્ટમ કડક બનાવો, મજબૂત સિક્યુરીટી-બાઉન્સર રાખો, સીસીટીવી કેમેરાની સંખ્યા વધારો
(4:33 PM IST)










