તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 11th June 2024
ગુરૂવારે બે નાટકોઃ હા...હું પારમિતા સાન્યાલ અને જન્મદિવસની ભેટઃ ૧પ કલાકારોનો કાફલો
એક ટીકીટ અને બે એકાંકી નાટકો દર્શકો સમક્ષ થશે રજુઃ ગુજરાતી ફિલ્મ ‘કાઠીયાવાડી કોકટેલ'ના કલાકારોની ટીમ પણ હાજરી આપશે

રાજકોટઃ રંગમંચ એટલે પ્રયોગ અને નાટક એટલે સમાજનો અરીસો. આજના પ્રગતિશીલ સમયમાં જ્યારે બધું જ ઝડપથી બદલતું રહે છે ત્યારે કલા એક એવું માધ્યમ છે જે માણસને સ્થિરતાનો અનુભવ કરાવે છે. રાજકોટ પ્રયોગશીલ નાટકો ક્ષેત્રે તો વૈવિધ્ય સાથે ઓળખ મેળવી જ રહ્યું છે. છેલ્લા ૫ વર્ષમાં નવયુવાનો દ્વારા રજૂ કરવામાં આવતા નાટયપ્રયોગોમાં કોમર્શિયલ અને પ્રોફેશનલ ટચ પણ એટલો જ સુંદર રીતે જોઈ શકાય છે.
કલાના નવ રસમાંથી સૌથી વધુ લોકપ્રિય રસ હોય તો એ હાસ્ય રસ અને ભયાનક રસ. લગભગ દરેક માણસને સસ્પેન્સ અને કોમેડી નાટકો જોવા પસંદ હોય જ છે અને લોકોની એ જ અપેક્ષાને ધ્યાનમાં લઈને આગામી ૧૩ જૂનના રોજ હેમુ ગઢવી નાટયગળહ ખાતે રીસેટ એન્ટરટેઇનમેન્ટ દ્વારા નિર્માણ પામેલા બે એકાંકી નાટકો શિવમ ફાઉન્ડેશનના કલાકારો પ્રસ્તુત કરવા જઈ રહ્યા છે.
આકાશવાણી રાજકોટના સમર્થ ઉદદ્ધોષક એવા દેવેન શાહ લિખિત હા હું પારમીતા સાન્યાલ તથા વિરાણી હાઇસ્કૂલના ખૂબ જ જાણીતા શિક્ષક અમુલખ ભટ્ટ લિખિત જન્મદિવસની ભેટ આ બે એકાંકી નાટકોનું મંચન ગૌતમ દવેના દિગ્દર્શનમાં કરવામાં આવશે.
રીસેટ એન્ટરટેઇનમેન્ટ તથા ગુજરાતી ફિલ્મ કાઠિયાવાડી કોકટેલના દિગ્દર્શક એવા દિલીપભાઈ પાડલીયા આ કાર્યક્રમના પ્રમુખ આયોજક છે. મંચ પરથી લોકોને પોતાના અભિનયથી મંત્રમુગ્ધ કરવા ઉત્સુક કલાકારોમાં અલ્પેશ ટાંક, શ્રીનીલ જાની, ભાવિન મહેતા, ઉત્સવી રાણપરા, દિયા મહેતા, હર્ષ કુબાવત, જયેશ પડીયા, શમીક દવે, પ્રેરક મેર, દિવ્યેશ મહેતા, અમિત વાઘેલા, યતિન આશરા અને ભવ્ય નાગ્રેચાનો સમાવેશ થાય છે. આ બંને નાટકમાં સંગીત સંચાલન અને સંકલન ગુલામ હુસેન અગવાન સંભાળશે અને પ્રકાશ સંચાલન અમિત વાઘેલા દ્વારા કરવામાં આવશે. મંચ સજ્જા અશોક લુંગાતર - લલિતા આર્ટ્સ, રંગ ભૂષા હિમાંશુ પાડલીયા દ્વારા કરવામાં આવશે, તેમજ નેપથ્ય સહયોગ શુભમ ભટ્ટ આપશે. આ આયોજનના પ્રોડક્શન મેનેજર તરીકે ખુશી ગોસ્વામી કાર્યરત છે અને સંપૂર્ણ કાર્યક્રમની પબ્લિસિટી ડીઝાઈન ચેતન ઓઝા સંભાળે છે.
આ પ્રયોગ નિહાળવા ઈચ્છુક પ્રેક્ષકોને જણાવવાનું કે રૂા. ૧૫૦ ની સામાન્ય રકમથી શરૂ કરીને ૩૫૦ રૂા. સુધીની ટિકિટ હેમુ ગઢવી હોલ ખાતે બુકિંગ ઓફિસ પરથી મેળવી શકાશે. આ નાટયપ્રયોગમાં વિશેષ આકર્ષણની બાબત જણાવતા ટીમે કહ્યું હતું કે કાર્યક્રમમાં આગામી દિવસોમાં રિલીઝ થનારી ગુજરાતી ફિલ્મ કાઠિયાવાડી કોકટેલના કલાકારો પણ ઉપસ્થિત રહેશે.
રાજકોટના કલાપ્રેમીઓએ ટીકીટ બુકીંગ માટે +૯૧ ૯૬૬ર૯ ૯૩૦૯૩ સંપર્ક કરી શકાય છે. (તસ્વીરઃ સંદીપ બગથરીયા)
(3:37 PM IST)










