તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 11th June 2024
મોલ-શાળા-કલાસીસમાં આડેધડ સીલ ન મારોઃ કોંગ્રેસ
મ્યુનિ. કોર્પોરેશન માર્ગદશીકા ઘડી વેપારીઓને પુરતો સમય આપી કડક કાર્યવાહી કરવા અતુલ રાજાણી, ગાયત્રીબા વાઘેલાની આગેવાની મ્યુનિ. કમિશનરને રજૂઆતઃ આંદોલનની ચીમકી

રાજકોટ તા. ૧૧ :.. રાજકોટમાં ગેમઝોનની ઘટના બાદ કુંભકર્ણની નિંદ્રામાંથી જાગેલી મહાનગરપાલિકા દ્વારા હાલમાં આગ લાગે ત્યારે કુવો ખોદવાની મનફાવે ત્યારે મન પડે ત્યારે સત્તાના જોરે પોલીસ અને વિજીલન્સના બંદોબસ્ત વચ્ચે શોપીંગ મોલ, કોમર્શીયલ સંકુલો, સ્કુલો, દુકાનો જેવા અન્ય સ્થળોએ ધડાધડ સીલ મારી દેવામાં આવે છે. જે પગલે મિલ્કતધારકોને કોઇ પણ જાતનો સમય આપવામાં આવતો નથી. કયારેક તો સીલ મારી દે પરંતુ ડોકયુમેન્ટ અંદર રહી જાય છે. એવું પણ બનવા પામે છે. ત્યારે આ બાદ જ કડક કાર્યવાહી કરવા શહેર કોંગ્રેસ પ્રમુખ અતુલ રાજાણી, પ્રદેશ આગેવાન ગાયત્રીબા વાઘેલાની આગેવાનીમાં મ્યુનિ. કમી. ને ફરીયાદ કરી છે.
આ અંગે કોંગ્રેસે પાઠવેલ પત્રમાં જણાવ્યું હતું કે જો કે સલામતીના મુદે કોઇ બાંધછોડ ન કરાય તે બાબત વ્યાજબી અને ઉચીત જ છે. એવું એમ પણ માનીએ છીએ. પરંતુ ફાયર એનઓસી અને બીયુ પરમીશનની ચેકીંગ ડ્રાઇવમાં આડેધડ મન ફાવે તે પ્રકારે સીલો મારી વેપારીઓને અને મીલ્કત ધારકોને પરેશાન કરવામાં આવે છે. સીલ લગાવેલા તેમાંના કેટલાક ઇમ્પેકટ ફી અંતર્ગત સ્કીમ હેઠળ અરજીઓ કરી છે જે અરજીઓ અંગે લાંબા સમયથી નિકાલ કર્યા વગર સીલ લગાવી દેવામાં આવે છે. દાદાગીરીથી સીલ લગાવી ધાક-ધમકી આપતા હોવાની વ્યાપક ફરીયાદો ઉઠવા પામી છે. ફાયર સલામતીના કાયદાના ઓઠા તળે અવ્યવહારૂ અને જડતાપૂર્વકનું વલણ અપનાવવામાં આવે છે જે ગેરવ્યાજબી અને એક તરફી છે. સીલ મારતા પહેલા જે તે સ્કુલ સંચાલકો કે બિલ્ડીંગના માલીકોને વેપાર ઉદ્યોગકારોને થતી હેરાનગતિ નિવારવા માટે રાજકોટ મહાનગરપાલિકા માર્ગદર્શીકા આપે અને નોટીસ આપી ૩૦ દિવસમાં તમામ ફાયર એનઓસી અને બીયુ સર્ટીફીકેટ સહિતના સલામતીના સાધનોની પૂર્તતા માટેનો સમય આપવો જોઇએ અને ત્યારબાદ પણ જો સલામતીના સાધનો ન વસાવે તો સીલ લગાવવું જોઇએ.
ઉપરોકત રજૂઆતને યોગ્ય જવાબ નહિ મળે તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવા ચીમકી ઉચ્ચારવામાં આવી છે.
(4:53 PM IST)










