તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 12th June 2024
બાર ગર્લની સખીએ બ્લેકમેઇલ કરી રૂપિયા પડાવ્યાઃ ભક્તિનગર પોલીસે બાર ગર્લ ખુશ્બુને દિલ્હીથી પકડી
રાજકોટના ઇમિટેશનના વેપારીને મુંબઇની બારગર્લ સાથેની દોસ્તી મોંઘી પડી આરોહી નામની બાર ગર્લ સાથે મિત્રતા થતાં ઇમરાન તેની સાથે ફરતો હતોઃ તે વખતે આરોહીની બાર ગર્લ સખી ખુશ્બુ પણ સાથે જતીઃ બંને રાજકોટ પણ આવી હતીઃ ખુશ્બુએ ઇમરાન-આરોહીના ફોટા-વિડીયો લઇ તેના આધારે રૂપિયા ખંખેર્યાઃ છેલ્લે પાંચ લાખ માંગ્યા હતાં પાંચ લાખ માંગી વેપારી ઇમરાનના સાળાને પણ ખુશ્બુએ ઇમરાન-આરોહીના ફોટા-વિડીયો મોકલી દીધા હતાં: અંતે ફરિયાદ ખુશ્બુ વ્હોટ્સએપ કોલ કરતી તેના નંબર ટ્રુ કોલરમાં ‘ક્રાઇમ બ્રાંચ'ના નામે બતાવતા હતાં: પોતાના માણસો મારી નાખશે તેવી ધમકી આપતી

રાજકોટ તા. ૧૨: રાજકોટથી ઇમિટેશનના ધંધાના કામે વારંવાર મુંબઇ જતાં ઇમિટેશનના ધંધાર્થી યુવાનને મુંબઇની બાર ગર્લ સાથે દોસ્તી થઇ જતાં ત્યાં તેની સાથે હરવા ફરવા જતાં તેમજ તેણીને રાજકોટ પણ લઇ આવતાં બાર ગર્લ સાથેની આ દોસ્તી તેને મોંઘી પડી ગઇ હતી. કારણ કે આ બાર ગર્લની સહેલી એવી અન્ય બાર ગર્લે યુવાન અને બાર ગર્લના ફોટા વિડીયો લઇ લીધા હોઇ તેના આધારે બ્લેકમેઇલ કરી રૂપિયા પડાવતાં અને છેલ્લે આ યુવાનના સાળાને પણ ફોટા વિડીયો મોકલી દઇ પાંચ લાખ પડાવવા ક્રાઇમ બ્રાંચ લખેલુ આવે તે રીતે સેવ કરેલા નંબરોમાંથી ફોન કરી ધમકીઓ આપતાં અંતે આ વેપારી યુવાને પોલીસની મદદ લેતાં દિલ્હીથી યુવતિને રાજકોટ લઇ આવી તપાસ હાથ ધરવામાં આવી છે.
આ બનાવમાં ભક્તિનગર પોલીસે કોઠારીયા રોડ ન્યુ સાગર સોસાયટી-૪માં રહેતાં અને ઇમિટેશનનો ધંધો કરતાં ઇમરાન યુનુસભાઇ ધાનાણી (ઉ.વ.૩૪)ની ફરિયાદ પરથી વેસ્ટ દિલ્હી તિલકનગરમાં રહેતી ખુશ્બુ સતિષકુમાર નામની યુવતિ વિરૂધ્ધ આઇપીસી ૩૮૬, ૩૨૩, ૫૦૬ મુજબ ગુનો નોંધી તેને સકંજામાં લીધી છે.
ઇમરાન ધાનાણીએ પોલીસને જણાવ્યું છે કે હું રાજકોટના અલગ અલગ વેપારીઓ પાસેથી ઇમિટેશનનો માલ હોલસેલમાં ખરીદુ છું અને મુંબઇ, કુર્લા, ભુવનેશ્વર, કલ્યાણ, મલાડ સહિતના વિસ્તારના વેપારીઓને આ માલ હોલસેલમાં વેંચુ છું. બાર વર્ષથી મુંબઇના અલગ અલગ વિસ્તારોમાં ઇમિટેશનને લગતો વેપાર કરતો હોઉ ત્યાં પનવેલમાં નાઇટ રાઇડરમાં આરોહી નામની છોકરી સાથે પરીચય થયો હતો. મારે ત્યાં અવાર-નવાર જવાનું થતું હોઇ અમારી વચ્ચે સારો પરિચય થઇ જતાં અમે ક્લોઝ ફ્રેન્ડ થઇ ગયા હતા.
આરોપી અને હું મુંબઇમાં અલગ અલગ જગ્યાએ ફરવા પણ જતાં હતાં. આરોહી સાથે તેની ફ્રેન્ડ ખુશ્બુ કે જે દિલ્હીની છે અને બેંગ્લોરમાં રહેતી હોઇ તેમજ મુંબઇમાં બિન્દાસ બારમાં બાર ગર્લ તરીકે કામ કરતી હોઇ તે પણ અમારી સાથે આવતી હતી. અમારા ફ્રેન્ડ ગ્રુપમાં તેણી અવાર-નવાર સાથે હોઇ અમે મુંબઇમાં અલગ અલગ જગ્યાએ જતાં હતાં. આરોહી રાજકોટ આવી ત્યારે તેની સાથે ખુશ્બુ પણ આવી હતી. ત્યારે જામનગર રોડની હેરીટેજ હોટલે અમે બધા ફરવા ગયા હતાં. આ પછી અમારી પાસે એકબીજાના મોબાઇલ નંબર આવી ગયા હતાં.
ખુશ્બુનો નંબર પણ મારી પાસે હતો. તેણીએ ૨૭/૧૦/૨૩ના રોજ મને ફોન કરી કહેલું કે તારા અને આરોહીના તમે સાથે હો તેવા ફોટા અને વિડીયો મારા મોબાઇલમાં લઇ લીધા છે. મેં તેને આ વિડીયો ફોટો તારી પાસે ક્યાંથી આવ્યા? તેમ પુછતાં તેણે કહેલું કે આપણે ફરવા ગયા ત્યારે તારા ફોનમાંથી મેં ફોટા પાડી લીધા હતાં. આથી મેં તેને ફોટા વિડીયો ડિલીટ કરી દેવાનું કહેતાં તેણે કહેલું કે ડિલીટ કરવા હોય તો રૂા. ૪૫૦૦ ટ્રાન્સફર કરજે. જેથી મેં તેને રૂપિયા મોકલી દીધા હતાં. આથી તેણે પોતે વિડીયો, ફોટા ડિલીટ કરી નાંખશે. એ પછી તા. ૧/૧૧ના રોજ ફરીથી ખુશ્બુએ મને ફોન કરી તારા ફોટા-વિડીયો હજુ મારી પાસે છે, તારે મને ૪૦ હજાર ટ્રાન્સફર કરવા પડશે તેમ કહેતાં મેં હવે રૂપિયા નથી તેમ જણાવતાં તેણે હું ફોટા-વિડીયો તારા ફેમિલીને મોકલી દઇશ.
આ પછી મેં ફઇના દિકરાના ખાતામાંથી ખુશ્બુના ખાતામાં ૪૦ હજાર ટ્રાન્સફર કરાવ્યા હતાં. એ પછી ૪/૨/૨૪ના રોજ ફરીથી ખુશ્બુએ ફોન કરી રૂપિયા માંગતા હું ડરી ગયો હોઇ પરિવારને ખબર પડી જશે તેવી બીકને કારણે રૂપિયા છ હજાર ટ્રાન્સફર કરી દીધા હતાં. ત્યારબાદ ૧૯/૪ના રોજ ફરી તેણે ફોન કરી હવે ૫ લાખ આપ નહિતર મારી પાસે એવા માણસો છે જે તને પતાવી દેશે. આ ધમકીથી ડરી જતાં અને આબરૂ જવાની બીક હોઇ કોઇને વાત ન કરી પંદર હજાર જેવી સગવડ કરી ગૂગલ પેથી ટ્રાન્સફર કર્યા હતાં.
એ પછી માર્ચ મહિનામાં વ્હોટસએપ કોલ કરી ફરી પાંચ લાખ માંગી જો નહિ આપે તો ફોટા-વિડીયો તારા પરિવારને મોકલી દઇશ તેમ કહી અત્યારે જ પંદર હજાર મોકલ તેમ કહેતાં મેં ખુશ્બુને પંદર હજાર મોકલી દીધા હતાં. ત્યારબાદ ૧૮/૪ના રોજ ખુશ્બુએ મારા સાળા સલમાન ખેરાણીના ઇન્સ્ટાગ્રામ આઇડીમાં તેની સાથે મેસેજથી વાત કરી કહેલું કે-મુજે ઇમરાન કે બારે મેં આપ સે કુછ બાત કરની હૈ, ફોન ઉઠાઓ...તેમ કહેતાં મારા સાળાએ ઇન્સ્ટાગ્રામમાં ફોન ઉપાડતાં ખુશ્બુએ વ્હોટ્સએપ નંબર માંગતા મારા સાળાએ આપતાં તેના વ્હોટ્સએપ કોલ થોડીવાર બાદ આવ્યો હતો. ટ્રુ કોલર હોઇ તેમાં ક્રાઇમ બ્રાંચ લખેલુ દેખાયું હતું. જેમાંથી મારા અને આરોહીના સાથે ફરવા ગયેલા હોય તેવા ફોટા-વિડીયો મોકલાયા હતાં. તેમજ મારા સાળા સલમાને મને આ વાતની જાણ કરી હતી. મારી પત્નિને પણ આ ફોટો-વિડીયો મોકલવા ખુશ્બુએ મારા સાળાને કહ્યું હતું.
આ પછી ખુશ્બુ વ્હોટ્સએપમાં મને અને મારા પત્નિને મેસેજ કરી ફોન કરી ધમકીઓ આપતી હતી. તેમાં ક્રાઇમ બ્રાંચ લખેલુ આવતું હોઇ હું ડરી ગયો હતો. આ રીતે ખુશ્બુ બ્લેકમેઇલ કરી મારી પાસેથી ૯૫૫૦૦ પડાવી વધુ પાંચ લાખ માંગી સતત ધમકીઓ આપતી હોઇ અંતે મેં સાયબર ક્રાઇમ હેલ્પ લાઇન ૧૯૩૦માં જાણ કરી હતી અને ભક્તિનગર પોલીસમાં ફરિયાદ નોંધાવી હતીે.
પીઆઇ મયુરધ્વજસિંહ એમ. સરવૈયાની રાહબરીમાં પીએસઆઇ એમ. એન. વસાવા, નિલેષભાઇ મકવાણા, સંજયભાઇ ચાવડાએ ગુનો નોંધ્યો હતો. દિલ્હીની બારગર્લને પોલીસે સકંજામાં લઇ વિશેષ તપાસ હાથ ધરી છે.
(2:12 PM IST)










