<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 12th June 2024

પાન-મસાલાના વેપારી સાથે મિત્રતા કેળવી મકાનમાં ફર્નિચર બનાવવાના નામે રૂા. ર૦ લાખની ઠગાઇ

વેપારી ધર્મેશભાઇ સોજીત્રાની ભકિતનગર પોલીસમાં રામનગરના દિપ ભુત અને તેનો ભાઇ પ્રણવ ભુત સામે ફરિયાદ

રાજકોટ તા. ૧રઃ હરિઘવા મેઇન રોડ પર ભવનાથ પાર્કમાં રહેતા અને સહકાર મેઇન રોડ પર ન્‍યુ મેઘાણી સોસાયટીની સામે પાર્થ સેલ્‍સ એજન્‍સી નામે પાન-મસાલાનો હોલસેલના વેપારી સાથે મિત્રતા કેળવી નવા મકાનમાં ફર્નિચર બનાવવાના નામે રૂા. ર૦ લાખની છેતરપીંડી આચરનારા બે ભાઇઓ સામે ફરિયાદ થઇ છે.

મળતી વિગત મુજબ હરિ ધવા મેઇન રોડ પર ભવનાથ પાર્ક-ર શેરી નં. ૯ માં રહેતા ધર્મેશભાઇ કરશનભાઇ સોજીત્રા (ઉ.વ.૪૦) એ ભકિતનગર પોલીસ મથકમાં રામનગર શેરી નં. ર માં રહેતા દિપ ધીરૂભાઇ ભુત અને પ્રણવ ધીરૂભાઇ ભુત સામે ફરિયાદ નોંધાવી છે.

ધર્મેશભાઇએ ફરિયાદમાં જણાવ્‍યું છે કે પોતે સહકાર મેઇન રોડ પર ન્‍યુ મેઘાણી સોસાયટી શેરી નં. ૬ ની સામે પાર્થ સેલ્‍સ એજન્‍સી નામે પાન-મસાલાનો હોલસેલમાં વેપાર કરે છે. પોતે છેલ્લા ૧પ વર્ષથી પાન-મસાલાનો વેપાર કરતા હોઇ ઘણા લોકો પોતાની દુકાને આવતા હોઇ, તેથી પરીચય થતો હોય છે એકાદ વર્ષ પહેલા પોતાની દુકાને દીપ ધીરૂભાઇ ભુત નામનો વ્‍યકિત પાન-મસાલાનો પોતાના ઘરે ખાવા માટે સામાન લેવા માટે આવ્‍યો હતો બાદ તે અવાર-નવાર આવતો હોઇ તેથી તેની સાથે સારો એવો પરીચય થયો હતો અને તેણે પોતાને તેનો મોબાઇલ નંબર પણ આપ્‍યો હતો.

આ દીપ અવારનવાર આવતો હોઇ તેથી તેની સાથે મિત્રતા થઇ હતી. તેનો મોટો ભાઇ પ્રણવ ભુત પણ તેની સાથે આવતો હોઇ તેથી તેની સાથે પણ પરીચય થયો હતો. દીપ પોતાની દુકાને આવતો ત્‍યારે તે કહેતો કે ‘પોતે જમીન મકાનનો મોટા પાયે ધંધો કરે છે અને પોતાને બેંકમાં મોટા પાયે સેટલમેન્‍ટ છે મકાનમાં શીલ થઇ ગયેલ હોઇ તો તે સેટલમેન્‍ટ કરીને છોડાવી દઉં છું' તેવી વાતો કરતો હતો. બે મહિના પહેલા પોતે તથા મિત્ર યોગેશભાઇ મોહનભાઇ વાડોદરીયા બંને પોતાની દુકાન ઉપર બંનેએ અગાઉ મકાન ભાગમાં લીધું હતું. તે મકાન વેચ્‍યુ હોઇ અને તેના પોતાની પાસે રૂા. ર૦ લાખ મળ્‍યા હોવાની વાતચીત થઇ હતી. તે વખતે આ દીપ દુકાને હાજર હોઇ તેથી તેને આ વાત સાંભળી હતી. થોડા દિવસ બાદ આ દીપ ભુત પોતાની દુકાને આવ્‍યો હતો અને પોતાને કહેલ કે ‘મેં મવડીમાં બાલાજી હોલ પાસે ગાંધી સોસાયટીમાં મકાન લીધું છે. અને મારે ફર્નિચર કરાવવા રૂા. ર૦ લાખની જરૂરીયાત છે. અને હું તમને થોડા દિવસમાં પરત આપી દઇશ અને તેનું હું તમને લખાણ કરી આપીશ અને ચેક પણ આપીશ તેમ વાત કરતા આ દિપ ભુત પર વિશ્‍વાસ આવી ગયેલ બાદ દીપ ભુતે કોરો ચેક અને પ્રોમીસરી નોટ સહી સાથે આપી રૂા. ૧૦-૧૦ લાખ મળી કુલ રૂા. ર૦ લાખ મેળવી લીધા હતા. બીજી તરફ આ દીપે કોરા ચેકમાં રૂા. રપ લાખની રકમ ભરી તેમાંથી રૂા. પ લાખ પોતાને પરત આપી દેવાનું દીપે જણાવ્‍યું હતું. આથી પોતે ચેક લઇને બેંકે જતા ચેકવાળુ એકાઉન્‍ટ પ્રણવનું હોવાનું અને તે એકાઉન્‍ટ સીઝ હોવાનું જાણવા મળ્‍યું હતું. આથી બંને ભાઇઓએ પોતાની પાસેથી રૂા. ર૦ લાખ મેળવી લઇ દીપ અને તેના ભાઇ પ્રણવના એકાઉન્‍ટનો ચેક આપી તે ચેકમાં પોતાની સહી કરી હોવાનું અને તેનો ઉપયોગ કરવાનો પ્રયાસ કરી રૂા. ર૦ લાખ ઓળવી જઇ છેતરપીંડી કરી હતી. આ અંગે ધર્મેશભાઇએ ભકિતનગર પોલીસ મથકમાં આ બંને ભાઇ દીપ અને પ્રણવ ભુત વિરૂધ્‍ધ ફરિયાદ નોંધાવતા પી.એસ.આઇ. એમ. એન. વસાવા સહિતે તપાસ હાથ ધરી હતી.

(3:22 PM IST)