<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 13th June 2024

રૂખડીયાપરામાં પૈસાની લેતી-દેતીના મામલે અયુબ કુરેશીને આપઘાતની ફરજ પાડવા અંગે મુખ્‍ય આરોપીના જામીન મંજુર

પ્ર.નગર પોલીસે આરોપીની ધરપકડ કરતા ઇમરાન બેલીમે હાઇકોર્ટમાં જામીન અરજી કરી હતી

રાજકોટ તા. ૧૩ : રાજકોટના રૂખડિયા પરામાં પૈસાની લેતી-દેતી બાબતે અયુબ કુરેશીના આપઘાતના ચકચારી કેસમાં મુખ્‍ય આરોપી તરીકે દર્શાવેલ ઈમરાનભાઈ ગુલાબભાઈ બેલીમને ગુજરાત હાઇકોર્ટે જામીન પર મુકત કરવાનો હુકમ કર્યો હતો.

અત્રે રૂખડીયાપરામાં રહેતા અયુબભાઈ યુસુફભાઈ કુરેશીએ દવા પી અને આપઘાત કરી લેતા તેઓના સગાભાઈ ઈમ્‍તીયાઝભાઈ યુસુફભાઈ કુરેશીએ તા.૧૫/૦૭/૨૦૨૩ ના રોજ આઈ.પી.સી. કલમ ૩૦૬, ૧૧૪ મુજબની ફરીયાદ રાજકોટ પ્રદ્યુમનનગર પોલીસ સ્‍ટેશનમાં આરોપીઓ ઈમરાનભાઈ ગુલાબભાઈ બેલીમ, આમદભાઈ હુસેનભાઈ બેલીમ, હનીફભાઈ ઉર્ફે મોહમદભાઈ બેલીમ, રૂકશાના અબ્‍દુલભાઈ બેલીમ વિરૂધ્‍ધ ફરીયાદ નોંધાવેલ હતી.

ફરીયાદી ઈમ્‍તીયાઝભાઈએ કરેલ ફરીયાદ મુજબ તેઓના ભાઈ મરણજનાર અયુબભાઈએ જુન ૨૦૧૬ થી જુન ૨૦૧૯ સુધી તેના સગા સાળા આરોપી નં.૧ ઈમરાનભાઈ ગુલાબભાઈ બેલીમ, આરોપી નં.૨ આમદભાઈ હુસેનભાઈ બેલીમનાઓને કટકે કટકે ૩ વર્ષમાં મરણજનારની પહેલી પત્‍ની મરીયમબેનના કહેવાથી રૂા.૯,૦૦,૦૦૦ આપેલ. જે રૂપીયા મરણજનાર પાછા માંગતા આરોપીઓ રૂપીયા પરત ન આપતા હતા. મરણજનાર દ્વારા અવાર નવાર રૂબરૂ તેમજ ફોન ઉપર રૂપીયા પરત માંગવા છતા પાછા આપવા નથી તેવુ આરોપીઓએ મરણજનારને કહયુ હતુ. તેમજ આરોપી નં.૩ મોહમદ અબ્‍દુલભાઈ બેલીમ તેમજ આરોપી નં.૪ રૂકશાનાબેન અબ્‍દુલભાઈ બેલીમ મરણજનારના મામા મામી થતા હોય, તેઓએ પણ આરોપી નં.૧ તથા ૨ નાઓનો સાથ આપી મરણજનારને કહેતા હતા કે રૂપીયા નથી. આપવા. તમામ આરોપીઓ મરણજનારને કહેતા હતા કે તુ તારી બીજી પત્‍ની સાથે છૂટુ કરી દે પછી જ સમાધાન કરીશુ અને પૈસા પરત આપીશુ તેમ કહી ફોન પર તેમજ રૂબરૂ ઘમકી આપી માનસીક ત્રાસ આપતા હતા. વધુમાં ફરીયાદી ઈમ્‍તીયાઝભાઈએ કરેલ ફરીયાદમાં જણાવેલ હતુ કે ઉપરોકત ચારેય આરોપીઓએ ફરીયાદીના ભાઈ મરણજનાર અયુબભાઈને મરી જવુ પડે તેવા સંજોગો ઉભા કરી મરવા મજબુર કરતા મરણજનારે તા.૦૭/૦૭/૨૦૨૩ ના રોજ રાત્રીના ૯ વાગ્‍યેની આસપાસ પોતાના ઘરે હતા ત્‍યારે કોઈને કહ્યા વીના ઝેરી દવા પી લીધી હતી. જે બાદ મરણજનારને સરકારી હોસ્‍પીટલમાં બેભાન હાલતમાં સારવાર માટે લાવવામાં આવેલ હતા. જયાં તા. ૧૫/૦૭/૨૦૨૩ ના રોજ ચાલુ સારવાર દરમ્‍યાન મરણજનાર મૃત્‍યુ પામેલ હતા. બાદ આપઘાતની ફરીયાદ તાઃ૧૫/૦૭/૨૦૨૩નાં રોજ રાજકોટ પ્રધુમનનગર પોલીસ સ્‍ટેશનમાં આરોપીઓ ઈમરાનભાઈ ગુલાબભાઈ બેલીમ, આમદભાઈ હુસેનભાઈ બેલીમ, હનીફભાઈ ઉર્ફે મોહમદભાઈ બેલીમ, રૂકશાના અબ્‍દુલભાઈ બેલીમ વિરૂધ્‍ધ મરણજનારના ભાઈ ઈમ્‍તીયાઝભાઈએ ફરીયાદ નોંધાવેલ હતી.

 આરોપી ઈમરાનભાઈ ગુલાબભાઈ બેલીમ તરફે તેમના એડવોકેટ અમૃતા ભારદ્વાજ મારફત ગુજરાત હાઈકોર્ટમાં જામીન અરજી કરેલ હતી. જેમાં આરોપીના એડવોકેટ દ્વારા એવી રજુઆત કરવામાં આવેલ હતી કે આ કામે આઈ.પી.સી. કલમ-૩૦૬ મુજબ આરોપી વિરૂધ્‍ધ લેશમાત્ર તત્‍વો ફલીત થતા નથી. તેમજ સુસાઈડ નોટ હોવા છતા આરોપીનો મુખ્‍ય રોલ ફલીત થતો નથી. આરોપીને મરણજનાર સાથે કોઈ લેતી દેતી થયેલ નથી. આરોપી સામે માત્રને માત્ર મરણજનારને ધમકી આપી ત્રાસ આપેલાનો આક્ષેપ છે અને પરિવારમાં અન્‍ય સભ્‍ય સાથે મનદુઃખના બનાવના કારણે આ કામના આરોપી ઉપર સંપુર્ણ દોષ ઠાલવી દેવામાં આવેલ છે. અંતિમમાં તેવી દલીલ કરવામાં આવેલ હતી કે કેસ કાગળોથી ફલીત થતો બનાવનો કહેવાતો ઘટનાક્રમ ઘ્‍યાને લેવામાં આવે તો પણ અરજદારનું મરણજનાર પ્રત્‍યેનુ વર્તન આત્‍મહત્‍યા માટેનું દુષપ્રેરણા કહી શકાય નહી, જેથી આરોપીના જામીન મંજુર કરવા અરજદારના એડવોકેટ દ્વારા અરજ ગુજારવામાં આવેલ હતી.

ગુજરાત હાઈકોર્ટે એડવોકેટ અમૃતા ભારદ્વાજની તમામ દલીલો ગ્રાહય રાખી કેસ કાગળોની હકિકત ઘ્‍યાને લઈને આરોપી ઈમરાનભાઈ ગુલાબભાઈ બેલીમને અમુક શરતોને આધીન જામીન પર મુકત કરેલ છે.

આ કામના આરોપી ઈમરાનભાઈ ગુલાબભાઈ બેલીમ તરફે સેશન્‍સ કોર્ટમાં એડવોકેટ તરીકે અભય ભારદ્વાજ એન્‍ડ એસોસીએટ્‍સનાં અંશ ભારદ્વાજ, ધી૨જ પીપળીયા, ગૌતમ પરમાર, વિજય પટેલ, જીજ્ઞેશ વિરાણી, જીતેન્‍દ્ર કાનાબાર, કમલેશ ઉઘરેજા, તારક સાવંત, રાકેશ ભટ્ટુ, જીજ્ઞેશ લાખાણી, ચેતન પુરોહિત, ગૌરાંગ ગોકાણી રોકાયેલ હતા તેમજ ગુજરાત હાઈકોર્ટમાં એડવોકેટ તરીકે અમૃતા ભારદ્વાજ રોકાયેલ હતા

(2:22 PM IST)