<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 13th June 2024

જમીનના દલાલો-સ્‍ટાફ શાનમાં સમજી જાવઃ કલેકટરની ચેતવણી

કલેકટરના કે તંત્રના નામે ફાઇલોમાં અમૂકે ભ્રષ્‍ટાચાર આદરી લીધાની ફરીયાદો પ્રભવ જોષીને મળતા ચોંકી ઉઠયા... : આવુ બધુ અહિં નહિં ચાલેઃ નાણા લીધા હોય તો પાછા આપી દેવાની ચીમકીઃ હું કોઇને નહીં છોડું નો ગર્ભિત ઇશારો...

રાજકોટ તા. ૧૩: રાજકોટ કલેકટર કચેરીના એક હાઇલેવલ-ટોચના અધીકારીએ અનૌપચારિક વાતચીતમાં જણાવ્‍યું હતું કે, બીનખેતી તથા અમુક કેસોની ફાઇલોમાં જમીનના દલાલો તથા અમુક બ્રાંચના સ્‍ટાફને ર થી ૩ ફરીયાદો બાદ કલેકટરે શાનમાં સમજી જવા અને આવું બધું કરતા હોય તો બંધ કરી દેવા ચેતવણી આપી દેતા ખળભળાટ મચી ગયો છે.

તાજેતરમાં કલેકટરની કે તંત્રના નામે ફાઇલો કલીયર કરાવવા બાબતે અમુકે ભ્રષ્‍ટાચાર આદરી લીધાની કલેકટરને ર થી ૩ ફરીયાદો મળતા શ્રી પ્રભવ જોષી ચોંકી ઉઠયા હતા અને તપાસ પણ કરાવી હતી.

કલેકટરે એવી પણ ચેતવણી આપી છે કે આવું બધું અહિં નહિં ચાલે, નાણા લીધા હોય તો પાછા આપી દેજો, પકડાયેલ હું કોઇને નહિં છોડૂં નો ગર્ભિત ઇશારો પણ તેમણે આપી દેતા સ્‍ટાફમાં સોંપો પડી ગયો છે.

અત્રે એ નોંધનીય છે કે અમુક ૩ થી ૪ દલાલો તો કલેકટર કચેરીમાં પડાય પાથર્યા કે અઠવાડિયામાં ૪ થી પ દિવસ આંટા ફેરા કરતા હોવાની અને અમૂક સ્‍ટાફ પાસે બેઠક હોવાની વિગતો ઉજાગર થઇ છે, કલેકટરના ધ્‍યાને આ બધી બાબત આવી છે, પરીણામે તેમણે કડક ચેતવણી આપી છે.દરમિયાન આ બાબતે કલેકટરને પૂછતા તેમણે ‘‘અકિલા'' ને જણાવેલ કે હા, એવી ચેતવણી આપી છે, તેમણે અન્‍ય કોઇ વિગતો કહેવાનો ઇન્‍કાર કરી દીધો હતો.

(3:21 PM IST)