<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 13th June 2024

રાજકોટમાં પ્રથમ વખત દેશના ચાર દિગ્‍ગજ ગઝલકારો રજૂ કરશે ‘ગઝલ બહાર' લાઇવ કોન્‍સર્ટ

ખયાલ આર્ટ દ્વારા ૨૨મીએ પ્રમુખસ્‍વામી ઓડિટોરીયમખાતે વૃધ્‍ધાશ્રમના લાભાર્થે કાર્યક્રમ: અશોક ખોસલા, ડો. રાધીકા ચોપરા, જાઝીમ શર્મા અને ઘનશ્‍યામ વાસવાણી ગઝલ, સુફી અને બોલીવુડ ગઝલ રજૂ કરશે : જેમાં શ્રેષ્‍ઠ વાદ્યકારો હાર્મોનિયમ - અખલાક હુસૈન વારસી, તબલા પર આશિષ જહા, સારંગી મુરાદ અલી ખાન, ગીટાર સુશાન્‍ત શર્મા, કીબોર્ડ પર અનિલ ધુમલ જોડાશે

રાજકોટ તા. ૧૩ : શહેરના પ્રમુખસ્‍વામી ઓડિટોરીયમ ખાતે તા. રર ના રોજ સાંજે ૮ કલાકે જયદીપ વસોયા પ્રેઝન્‍ટ ખયાલ આર્ટના ઉપક્રમે ગઝલ બહાર કાર્યક્રમ રજૂ થનાર છે. પુના ખાતેના એસબીએમએસ વૃધ્‍ધાશ્રમ માટે યોજાનાર આ ચેરિટી શોમાં ૧૦૦૦, ૭૦૦, ૫૦૦ અને ૩૦૦ની ડોનેશન ટિકીટ રાખવામાં આવી છે, જે આવક થશે તે આ વૃધ્‍ધાશ્રમને આપવામાં આવશે. તેમ આગેવાનોએ જણાવ્‍યું હતું.

રાજકોટની સંગીતપ્રેમી જનતાને ભારતીય સંગીત પ્રત્‍યે લગાવ વધુ પ્રબળ બને તે હેતુથી ખયાલ આર્ટસ અવનવા સંગીત અને કલાના કાર્યક્રમો યોજે છે. ગઝલ સમ્રાટ જગજીત સિંઘે જેમાં સૌથી વધુ યોગદાન આપ્‍યુ છે અને અશોક ખોસલાજી સંચાલન કરી રહ્યા છે તે વૃધ્‍ધાશ્રમના લાભાર્થે દેશ વિદેશમાં ખોસલાજી ગઝલ બહાર નામથી લાઇવ ગઝલ કોન્‍સર્ટ યોજે છે, જેની આવક આ વૃધ્‍ધાશ્રમ માટે વપરાય છે. આમ ગઝલ બહાર કોન્‍સર્ટ દેશ- વિદેશમાં ખુબ જ ખ્‍યાતિ પામેલ છે. રાજકોટમાં અશોક ખોસલા સાથે ડો. રાધીકા ચોપરા, ઘનશ્‍યામ વાસવાણી અને જાઝીમ શર્મા ગઝલ, સુફી અને બોલીવુડના ગીતો અને ગઝલો પ્રસ્‍તુત કરશે. આ દિગ્‍ગજ ગાયકોની સાથે જે સંગત કરવાના છે તે પણ દેશના ટોચના કલાકારો જોડાશે. જેમાં હાર્મેનિયમ ઉપર જેમણે વર્ષો સુધી જગજીતસિંઘ સાથે સંગત કરી છે તે અખલાક હુશૈન વારસી, તબલા ઉપર આશિષ જહા, સારંગી ઉપર મુરાદ અલી ખાન, ગીટાર ઉપર સુષાંત શર્મા અને કીબોર્ડ ઉપર અનિલ ઘુમલ સાથ આપશે.

આ આખા આયોજનની વિગત જણાવતા ખયાલ આર્ટની ટીમ જયદીપ વસોયા, નિતુભાઇ ઝીબા, ધર્મેશ પરસાણા અને હર્ષદ ગોહેલે જણાવ્‍યું હતું કે, ખયાલ આર્ટના અગાઉના કાર્યક્રમમાં કલકત્તાનાં વાંસળીવાદક અનિર્બાન અને મૈત્રી રોયને શાષાીય ગાયન અને ગઝલના કાર્યક્રમમાં ખાસ મુખ્‍ય મહેમાન તરીકે આવેલા અશોક ખોસલાજીને તે સમયે જ જયદીપભાઇએ ગઝલબહાર કાર્યક્રમ હવે પછી રાજકોટમાં યોજવાની વિનંતી કરી હતી. યોગાનુ યોગ એક નહીં અન્‍ય ત્રણ પ્રખ્‍યાત ગઝલકારોને પણ આ ગઝલ બહારમાં જોડવામાં આવ્‍યા અને તે સાથે દેશનાં સુખ્‍યાત વાધકારોને પણ આમંત્રણ આપતા તેઓએ પણ આ તારીખે સંમતિ બતાવી અને આ પ્રકારનો ભારતનાં બધાજ દિગ્‍ગજ કલાકારોનો કાર્યક્રમ સૌપ્રથમ વખત રાજકોટમાં ખયાલ આર્ટ દ્વારા યોજાનાર છે. જેમાં ભારતના ચારેય ગઝલ સમ્રાટ ઉપરાંત હાર્મોનિયમ, તબલા, સારંગી, ગીટાર અને કીબોર્ડ ઉપર જેઓએ વિશ્વસમસ્‍તમાં નામના પ્રાપ્ત કરી છે તેવા કલાકારો રાજકોટનાં સંગીત પ્રેમીજનોને રસતરબોળ કરશે.

કલાકારો વિષે માહિતી આપતા તેઓએ જણાવ્‍યું હતું કે, પ્રખ્‍યાત ગઝલ ગાયક અશોક ખોસલાજીએ પોતાની કાકીદીની શરૂઆત તેમના પ્રથમ આલ્‍બમ ૮૦ના દાયકાની તેજસ્‍વી પ્રતિભા આલ્‍બમથી કરી હતી, જેનું સંકલન અને કમ્‍પોઝીશન ગઝલસમ્રાટ જગજીતસિંઘ દ્વારા કરવામાં આવ્‍યું હતું ત્‍યાર બાદ તો લાઇવ કોન્‍સર્ટ અને દેશ-વિદેશમાં ગઝલ કોન્‍સર્ટ યોજી છે. તે સમય દરમિયાન ખોસલાજીનાં ૨૧ જેટલા ગઝલ આલ્‍બમ રજૂ કરાયા છે. જગજીતસિંઘ સાથે પણ તેમણે કાર્યક્રમો રજૂ કર્યા છે.  આલ્‍બમની સાથો સાથે બોલીવુડમાં પણ પોતાનો કંઠ આપ્‍યો છે. નાના પાટેકરની હીટ ફીલ્‍મ અંકુશમાં ઇતની શકિત હમે દેના દાતા, મનકા વિશ્વાસ કમજોર હો ના... ગીત તો પ્રાર્થનાનું સૌથી વધુ પ્રિય ગીત બની ગયુ છે. હાલમાં ખોસલાજી ગઝલ બહાર કાર્યક્રમ અંતર્ગત જૂના અને નવોદીત કલાકારોને પ્‍લેટફોમ પુરુ પાડી રહ્યા છે.

ભારતીય શાસ્ત્રીય સંગીતમાં પીએચડીની પદવી મેળવનાર જમ્‍મુ કાશ્‍મીરનાં ડો, રાધીકા ચોપરા દિલ્‍હી સ્‍થિત ગઝલ ગાયીકા છે. તેમણે બેગમ અખ્‍તરનાં જાણીતા શિષ્‍યા પદ્મશ્રી શાંતિ હિરાનંદ પાસેથી દાદરા, ઠુમરી અને ગઝલની તાલીમ મેળવી પીએચડીની પદવી હાંસલ કરી છે. રાધીકાજીની બહુમુખી પ્રતિભા તેમના ગાયનમાં ભજનો, ફિલ્‍મી અને પંજાબી લોકગીતો તેમજ સુફીયાના કલામની રજૂઆતમાં જોવા મળે છે. તેમણે ૨૦૦૯ અને ૨૦૧૫માં સંસદમાં કાર્યક્રમ આપેલ છે. ૨૦૧૦માં કોમનવેલ્‍થ ગેઇમમાં તેમનો કાર્યક્રમ રજૂ કરાયો છે. રાધીકાજીએ ઓલ ઇન્‍ડિયા રેડિયો પર રજૂ કરેલ સ્‍કંદમાતા સ્‍તુતિને નવરાત્રિના પાંચમા દિવસે નરેન્‍દ્ર મોદી ટવીટર પર નિયમિત શેર કરે છે.

ભારતની સાહિત્‍ય અને સંસ્‍કૃતિ સંસ્‍થા રાધીકાને ભારતીય ગઝલ ગાયકીમાં બેગમ અખ્‍તર બાદ ઉર્દુ અને હિન્‍દી ભાષામાં રજૂઆતની શૈલીમાં અવ્‍વલ ગણાવે છે. તેમણે ૧૨ જેટલા દેશોમાં ભારતની ગઝલ ગાયકીનું પ્રતિનિધિત્‍વ કરી પોતાની આગવી શૈલીમાં કલા રજૂ કરી છે. રાધીકાજીએ સ્‍વરચિત ૧૫ જેટલા આલ્‍બમ પ્રસિધ્‍ધ કર્યા છે. ૨૫ થી વધુ સમકાલીન કવિઓની કૃતિને કંપોઝીશન સાથે પ્રસ્‍તુત કરે છે. રાધીકાને મલ્લીકા એ ગઝલ તરીકે ઓળખવામાં આવે છે.

સારેગામાપા માં જયારે શ્રેયા ઘોસાલે પાર્ટીસિપેન્‍ટ તરીકે ગાયુ હતું ત્‍યારે જજીસ પેનલમાં ઘનશ્‍યામ વાસવાણી સેવા આપી રહ્યા હતા. સુમધુર કંઠ ધરાવતા કલાકાર ઘનશ્‍યામ વાસવાણી એ જગજીતસિંઘ અને ચિત્રાસિંઘની શોધ છે. સિંધી સૂફી ગીતોનાં લોકપ્રિય ગાયક છે. ઉસ્‍તાદ આફતાબ અહેમદખાન પાસેથી તાલીમ મેળવી ડો. અજય પોહનકર, સુશીલા પોહનકર અને પંડિત રાજારામ શુકલા પાસેથી તાલીમ મેળવી છે. દૂરદર્શન અને આકાશવાણીનાં ટોચના કલાકાર ઘનશ્‍યામભાઇએ પણ અનેક વિદેશોમાં પોતાની ગઝલ ગાયકી અને સૂફી ગાયકીથી લોકોને મંત્રમુગ્‍ધ કર્યા છે. હોંગકોંગ, તાઇવાન, સાઉથ આફ્રિકા, જાપાન, બેંગકોક, સિંગાપુર, દુબઇ, કેનેડા, યુએસએ વગેરે દેશોમાં તેમણે પોતાના કંઠમાધુર્યથી લોકોને રસતરબોળ કર્યા છે. તેમણે અંકુશ ફીલ્‍મમાં ઇતની શકિત હમે દેના દાતા.... ગીતમાં પણ પોતાનો કંઠ આપ્‍યો છે. કાલકા, સાતવા આસમાન જેવી ફિલ્‍મોમાં ઉપરાંત સિંધીમાં હાલ તા ભજી હલૂન... અમ્‍મી યા મમ્‍મી... કેર કહીજો... ઉપરાંત ટીવી સિરિયલ માટે પણ તેમણે રામાયણ, કહાં ગયે લોગ, ભારતકે શહીદ, સર્કસ, મનોરંજન, દિલ ચાહતા હૈ, ઉર્દુ બજાર જેવી અનેક ટીવી સિરિયલોમાં પણ ગાયુ છે. રાજશ્રી પ્રોડકશનમાં પણ ઘણા વર્ષો સુધી કામ કર્યુ છે. તેમણે ઘણી કોમર્શિયલ ઝીંગલ્‍સમાં પણ પોતાનો અવાજ આપ્‍યો છે જેમ કે, મેરા સપના મેરી મારુતિ, મિલે સુર મેરા તુમ્‍હારા... વગેરે બહુમુખી પ્રતિભા ધરાવતા ઘનશ્‍યામભાઇ વાસવાણીએ આશા ભોંસલે, જગજીતસિંઘ, સુરેશ વાડેકર, વિનોદ રાઠોડ, કવિતા ક્રિષ્‍નામૂર્તિ, મિનાક્ષી વાસવાણી વગેરે માટે સંગીત પણ આપ્‍યું છે.

 જગજીતસિંઘને ગુરૂ માનનાર ઘનશ્‍યામભાઈ એક જ એવા કલાકાર છે કે જેમણે જગજીતસિંઘ માટે આખો આલ્‍બમ ફર્ગેટ મી નોટ માટેની બધી ગઝલોનું કમ્‍પોઝીશન કર્યું છે. આ એકમાત્ર એવા કલાકાર છે કે જેમના માટે આખો આલ્‍બમ જગજીતસિંઘજીએ ગાયો છે. સાથે મોટી વાત એ છે કે, તેમનો આખો પરિવાર સંગીત સાથે જોડાયેલ છે. પત્‍ની મીનાક્ષી ટીવી પ્‍લેબેક સિંગરમાં સાથ આપે છે.

ગઝલ ગાયકીની વિરાસત માટે એક આશાનું કિરણ માનવામાં આવે છે તે જાઝીમ શર્મા પણ પોતાની કલા રજૂ કરશે. જશપ્રીત ને લોકો જૈજીમ નામથી ઓળખે છે. જે પંજાબનાં એક સુપ્રસિધ્‍ધ ગઝલ ગાયક છે. તે ભારતીય સંગીતની પરંપરાને જાળવીને ગઝલને અનોખી રીતે રજૂ કરવાના માહિર છે. યુવા ગઝલકાર તરીકે ઉભરતા સિતારા છે. કયા હોગા... થી શરૂ કરીને બોલીવુડમાં છવાઇ ગયા છે. ગુલામઅલીએ જાઝીમને પોતાના દીકરા જેવા માન્‍યા છે. ગુલજાર દ્વારા લખેલ ગીતોને કંઠ આપ્‍યો અને બોલીવુડમાં એન્‍ટ્રી મેળવી. ફિલ્‍મ મનમર્જીયાંમાં વિકી કૌશલ અને તાપશી પન્નુ માટે ગીત ગાયુ છે. બિસ્‍મિલાહ-ર ના ગીત માટે પણ તેમની ઘણી પ્રશંસા થઇ છે. તે એકમાત્ર યુવા ગઝલ ગાયક છે કે જેણે નિદા ફાજલીની વિદાય ઉપર આલ્‍બમ બનાવી પોતાનો કંઠ આપ્‍યો છે.

સુશાંત શર્મા કે જેમણે ગીટારીસ્‍ટ તરીકે અનેક દિગ્‍ગજો સાથે સંગત આપે છે, જગજીતસિંઘજી સાથે વર્ષો સુધીગીટાર સંગત આપી હતી. જગજીતસિંઘના અવસાન પહેલાના છેલ્લા શોમાં પણ તેઓ ગીટારીસ્‍ટ તરીકે સેવા આપી રહ્યા હતા. તેઓ હરિહરન, અનુપ જલોટા, તલત અઝિઝ, અશોક ખોસલા જેવા અનેક કલાકારો સાથે સંગત આપી રહ્યા છે.

તબલા પ્‍લેયર આશીષ જહા ઇન્‍ડિયન આઇડોલનાં કાયમી પ્‍લેયર છે. તબલા પ્‍લેયર તરીકે ઘણા વર્ષોથી સંગત આપે છે. તેમણે અનેક ગઝલ ગાયકો જેમ કે, જગજીતસિંઘ, અશોક ખોસલા, રશીદખાં, પંકજ ઉધાસ, તલત અઝિઝ, પ્રતિભાજી, જાજીમ શર્મા વગેરે કલાકારો સાથે તબલા પ્‍લેયર તરીકે સંગત આપી છે.

અનિલ ઘુમલ કે જેઓએ કીબોર્ડ પ્‍લેયર તરીકે અનેક કલાકારો સાથે વગાડેલ છે. ઇન્‍ડિયલ આઇડોલના કલાકારોની ટીમમાં પણ તેમણે સેવા આપી છે. તેઓ પીયાનો પ્‍લેયર તરીકે પણ જાણીતા છે. પતિયાલા અને કિરાતા ઘરાનાં કલાકાર છે.

આ કાર્યક્રમને સફળ બનાવવા  ખયાલ આર્ટ ટીમનાં રાહુલ જાદવ, હાર્દિક શિયાણી, સોહીલ લીંબાસીયા, મિતેષ સોલંકી, હિતેન ભાલારા, ધર્મેશ મોલીયા, અમીત પોપટ, નિમિષ પરીખ અને વિજય રાણીંગા વગેરે જહેમત ઉઠાવી રહ્યા છે. કાર્યક્રમ દરમિયાન પંકજ ઉધાસને તેમની સુપ્રસિઘ્‍ધ ગઝલો રજૂ કરી શ્રધ્‍ધાંજલિ પણ અર્પવામાં આવશે.

કાર્યક્રમનો લાભ લેવા ડોનેશન ટીકીટ બુકીંગ માટે ‘આઇકોનિક', સૂર્યમુખી હનુમાન મંદિરની પાસે, નવુ કન્‍સ્‍ટ્રકશન ચણાય છે ત્‍યાં, નાના મવા રોડ રાજકોટ ખાતે ૮૫૬૫૦ ૪૧૧૧૧નો સંપર્ક સાધવા યાદીમાં જણાવાયું છે. તસ્‍વીરમાં સર્વશ્રી નિતુભાઇ ઝીબા, ધર્મેશભાઇ પરસાણા, જયદીપભાઇ વસોયા અને હર્ષદભાઇ ગોહેલ નજરે પડે છે. (તસ્‍વીર : સંદીપ બગથરિયા)

(3:40 PM IST)