તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Thursday, 13th June 2024
મનપાની ફાયર એનઓસી વિનાની ૬૦૦ મિલ્કતો સીલ કરોઃ કોંગ્રેસ
દિવા પાછળ જ અંધારૂ...! ફાયર સેફટી નહી હોવા બદલ જવાબદાર અધિકારીઓને નોટીસ ફટકારીઃ ફાયર સેફટીના સાધનોના ભાવમાં અંકુશ જરૂરીઃ અતુલ રાજાણી અને ગાયત્રીબા વાઘેલાની આગેવાનીમાં ડે. કમિશનરને રજૂઆત

રાજકોટ તા.૧૩: ટીઆરપી ગેમઝોનમાં સર્જાયેલા અગ્નિકાંડની ઘટના બાદ રાજકોટ મ્યુનિસીપલ કોર્પોરેશન દ્વારા શહેરમાં ફાયર સેફટીનું ચેકીંગ શરૂ કરીને હાલ સુધીમાં ૬૦૦ થી વધુ મિલ્કતોને ફાયર એનઓસી નહીં હોવા બદલ સીલ કરાયું છે. ત્યારે ફાયર સેફટીના સાધનો વગરના અને ફાયર એનઓસી વગરના રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનને સીલ કરવાની કાર્યવાહી કરવા કોંગ્રેસ દ્વારા માંગ કરવામાં આવે છે.
રાજકોટ ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશ્નરે રાજકોટ શહેર કોંગ્રેસ સમિતિના પ્રમખ અતુલ રાજાણી સહિતના હોદેદારોએ આજે લેખિત રજુઆતમાં જણાવ્યું હતું કે કોર્પોરેશનનો વોર્ડ ઓફીસો, ઝોનલ ઓફીસો, સિવિક સેન્ટરો, આરોગ્ય કેન્દ્રો, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ અને માધ્યમિક શિક્ષણ સીમતિની શાળાઓ સહિતની કોર્પોરેશનની ૬૦૦ થી વધુ મિલ્કતો સંકુલોમાં ફાયર સેફટીના સાધનો કે ફાયર એનઓસી નથી આ બદલ જવાબદાર અધિકારીઓ અને ઈજનેરોને નોટીસ આપી કચેરીઓ - શાળાઓ - આરોગ્ય કેન્દ્રો સીલ કરો.
આવેદનપત્ર પાઠવી કરેલી રજઆતમાં વધુમાં જણાવ્યું છે કે,ટી.આર.પી. ગેમઝોનના અગ્નિકાંડની તપાસમાં હાલ સુધીમાં અનેક અધિકારીઓ અને ઈજનેરોની બદલી થઈ છે તેમજ અમુકને સસ્પેન્ડ કરાયા છે. પરંતુ ફાયર એન્ડ ઈમરજન્સી સર્વિસીઝ બ્રાંચના વડા એવા ચીફ ફાયર ઓફીસર કેમ સસ્પેન્ડ કરાયા નથી ? શું બ્રાંચ હેડ તરીકે તેમની કોઈ જવાબદારી નથી ? આ મામલે જાહેર જનતા જોગ કમિશ્નર સ્પષ્ટતા કરે કે ચીફ ફાયર ઓફીસર સામે કોઈ શિક્ષાત્મક કાર્યવાહી કરાતી નથી.અંતમાં શહેર કોંગ્રેસે જણાવ્યુંછે કે, શહેરમાં અનેક મિલ્કતો અને સંકુલો ફાયર એનઓસી મામલે સીલ ક હવે ફાયર સેફટીના સાધનો ખરીદવા બ્હોળી સંખ્યામાં લોકો ઉમટયા છે અને શહેરમાં ફાયર સેફટીના સાધનો વેંચતા દુકાનદારો મોઢે માંગ્યા ભાવ પડાવી રહયા છે અને ફાયર સેફટીના સાધનોના કાળા બજાર થવા લાગ્યા છે, ફાયર સેફટીના સાધનોનું ફીટીંગ કરનાર સર્વિસ પ્રોવાઈડર્સની સંખ્યા પણ મર્યાદિત છે અને તેઓ પણ લોકોને લુટી રહયાં છે આથી કોર્પોરેશન તેમના ઉપર દરોડા કાર્યવાહી કરે તેવી માંગ છે. આ રજુઆતમાં ડો.હેમાંગ વસાવડા, મેઘજીભાઇ રાઠોડ, ગાયત્રીબા અશોકસિંહ વાઘેલા, નાગજીભાઇ વિરાણી, ગોપાલભાઇ મોરવાડીયા, સંજય લાખાણી, ગજેન્દ્રસિંહ ઝાલા સહિતના આગેવાનો કાર્યકરો જોડાયા હતા.
(3:44 PM IST)










