<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 13th June 2024

રાજકોટમાં વાલીઓ હેરાન-પરેશાનઃ પ૦ ટકાથી સ્‍કૂલ વાન-રીક્ષા ચાલકોએ બંધ રાખ્‍યું: રપ વર્ધી ચાલકો ઝપટે

વલસાડમાં તો ૮૦૦ સ્‍કૂલ વાન સંચાલકો બેમુદતી હડતાલ પર ઉતરી ગયા... જે રપ જેટલા રીક્ષા-વાન ચાલકો ઝપટે ચડયા તેમને ૧૦ થી રપ હજારનો આકરો દંડ ફટકારાયો...

રાજકોટ તા. ૧૩: આજથી સ્‍કૂલો ચાલુ થઇ પરંતુ તેમાં  RTO અને પોલીસે અનેક આકરા નિયમો રાજકોટ TRP ગેમ ઝોન દુર્ઘટના બાદ જાહેર કરતા સ્‍કૂલ વાન-રીક્ષા ચાલકોમાં ભય પેસી ગયો છે.

તેમાં પણ આજે સ્‍કૂલ શરૂ થવાના પ્રથમ દિવસે જ રાજકોટના પ૦ ટકાથી વધુ સ્‍કૂલ વાન-રીક્ષા ચાલકોએ બંધ રાખતા અને બાળકોને મૂકવાની વર્ધી ચાલુ નહિ કરતા પ્રથમ દિવસે જ બાળકોના વાલીઓ હેરાન-પરેશાન થઇ ગયા હતા, સ્‍કૂલો ઉપર સવારના પહોરમાં વાલીઓએ દોડવું પડયું હતું.

અધૂરામાં પુરૂં RTO પોલીસે પ્રથમ દિવસે જ આવા સ્‍કૂલ વર્ધી ચાલકો સામે ઝુંબેશ ચલાવતા રપ જેટલા વર્ધી ચાલકો અનેક નિયમોનો ભંગ કરતા ઝડપાયા હતા, પરિણામે આ તમામને રૂા. ૧૦ હજારથી માંડી રપ હજારનો દંડ ફટકારાતા ભારે દેકારો મચી ગયો છે, પરિણામે કાલથી વધુ સજજડ બંધની શકયતાઓ જોવાઇ રહી છે.

બીજી બાજુ વલસાડ જિલ્લાની ૮૦૦થી વધુ સ્‍કૂલ વાન સંચાલકોએ એક સાથે હડતાળ પાડવાનો નિર્ણય કર્યો છે. સ્‍કૂલ વાન સંચાલકો ઉપર લગાવવામાં આવેલા અંકુશને લઇને વાલીઓ ઉપર ભારણ પડે તેમ છે, જેને લઇને વલસાડ જિલ્લાની ૮૦૦ જેટલી સ્‍કૂલ વાન ચાલકોને પ્રશ્‍નો યોગ્‍ય નિરાકરણ ન આવે ત્‍યાં સુધી હડતાળ પાડવાનો નિર્ણય કર્યો છે. જેને લઇને વાલીઓએ પણ હેરાન થવાની નોબત આવી હતી.રાજય સરકારે વર્ષ ર૦૧૯માં સ્‍કૂલ વાન ખાનગી પાસિંગમાં નહીં ચાલી શકે, તમામ સ્‍કૂલ વાન ટેક્ષી પાસિંગમાં જ ચલાવી પડશે. સ્‍કૂલ વાનની RC બુકમાં પાસિંગ થયેલી સીટીંગ કેપિસીટી મુબજ ૧ર વર્ષોથી ઓછી ઉંમર હોય તો ડબલ વિદ્યાર્થીઓ વાનમાં લઇ જઇ શકાશે. સ્‍કૂલ વાનમાં CNG  ના સિલિન્‍ડર ઉપર પાટિયા લગાવી વિદ્યાર્થીઓને લઇ જવાશે નહીં. સહિતના અનેક નિયમો જાહેર કરવામાં આવ્‍યા છે.

સ્‍કૂલ વાન ચાલકની વલસાડમાં ગઇ સાંજે મળેલી એક બેઠકમાં નવા નિયમો વાન ચાલકોને પોસાય તેમ નથી. ટેક્ષી પાસિંગ, વિદ્યાર્થીઓની સીટીંગ રેંજમેન્‍ટ સહિતના નિયમો મુજબ સ્‍કૂલ વાન ચાલક વાન ચલાવવા જશે તો વાલીઓ ઉપર ભારણ વધશે. જેને લઇને વલસાડ જિલ્લાની ૮૦૦થી વધુ સ્‍કૂલ વાન ચાલકોએ હડતાળ પાડી શાળા શરૂ થવાના પ્રથમ દિવસે વિરોધ નોંધાવ્‍યો છે.

(3:52 PM IST)