તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Thursday, 13th June 2024
પોલીસ વિભાગના કેટલાક અધિકારીઓ-કર્મચારીઓ સામે બેદરકારી સબબ બદલી, સસ્પેન્શનના પગલા આવી શકે
ગેમ ઝોન દૂર્ઘટનાના જવાબદાર સંચાલકો અને અધિકારીઓ જેલહવાલે થયા બાદ હવે કોનો વારો?

રાજકોટ તા. ૧૩: ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડની તપાસમાં ગેમ ઝોનના સંચાલકો, ભાગીદારો અને મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓ મળી ૯ આરોપીઓના રિમાન્ડ મળ્યા બાદ પુછપરછ કરવામાં આવી હતી. આ કાર્યવાહી પુરી થયા બાદ અને રિમાન્ડ પુરા થતાં તમામને જેલહવાલે કરવામાં આવ્યા છે ત્યારે હવે ૨૭ વ્યક્તિઓનો ભોગ લઇ જનારી આ ઘટનામાં કોનો વારો આવે છે? તે પ્રશ્ન મહત્વનો બની ગયો છે. રાજ્ય સરકાર દ્વારા સુભાષ ત્રિવેદીના વડપણ હેઠળ મ્યુ. કોર્પોરેશન, આર એન્ડ બી અને પીજીવીસીએલના અધિકારીઓના સિટની રચના કરવામાં આવી છે. જ્યારે ઘટનાની મુખ્ય તપાસ રાજકોટ એડીશનલ પોલીસ કમિશનરના માર્ગદશેન હેઠળની સિટ દ્વારા કરવામાં આવી રહી છે. ચર્ચાતી વિગત મુજબ આવતા દિવસોમાં પોલીસ વિભાગના કેટલાક અધિકારી, કર્મચારીઓ સામે પગલા લેવાઇ શકે તેવી શક્યતા દર્શાવાઇ રહી છે.
ઉલ્લેખનિય છે કે મ્યુનિસિપલ કોર્પોરેશન અને ફાયર બ્રિગેડના અધિકારીઓની ધરપકડ અને સસ્પેન્શનના પગલા પછી ગેમ ઝોન જે પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલો હતો તે વિસ્તારના પોલીસ મથકના પુર્વ અધિકારીઓ અને વર્તમાન અધિકારીઓની પુછપરછ પણ કરવામાં આવી હતી. આ ઉપરાંત પોલીસ કમિશનર કચેરીની લાયસન્સ બ્રાંચના કર્મચારીઓની પણ પુછપરછ કરવામાં આવી હતી. મળી રહેલા નિર્દેશો મુજબ હવે તપાસનીશોએ એ તરફ તપાસનું નાળચુ તાકવાની તૈયારી કરી હોવાનું કહેવાય છે. જાણકાર સુત્રોના જણાવ્યા મુજબ બદલી, ખાતાકીય તપાસ કે સસ્પેન્શન જેવા પગલાઓ આવી શકે છે.
ગાંધીનગર સ્થિત સિટની ટુકડી બે દિવસ રાજકોટ મુકામ કરી ગઇકાલે પરત ગાંધીનગર પહોંચી ગઇ છે. આ દરમિયાન તેમણે કેટલાક મહત્વના મુદ્દાઓનું વિશ્લેષણ કર્યાનું કહેવાય છે.
(4:28 PM IST)










