News of Friday, 14th June 2024
માધાપરના મનહરપુર નજીક ટ્રકની ઠોકરે બાઇક ચડી જવાથી ધોરણ-૧૨ના વિદ્યાર્થી રાજનું મોત
વેકેશન પુરુ થતાં આજથી સ્કૂલની નવી ટર્મનો આરંભ કરે તેની આગલી સાંજે જિંદગીની સફરનો અંત : મિત્ર સાથે માતાજીના દર્શન કરી પરત આવતી વખતે બનાવઃ આજથી શાળાએ જવાનું હતું : મનહરપુરના સમેરવા પરિવારમાં શોકની કાલીમાઃ અકસ્માત સર્જી ટ્રક મુકી ચાલક ભાગી ગયોઃ મિત્ર સંજયનો નજીવી ઇજા સાથે બચાવઃ ગાંધીગ્રામ પોલીસે ગુનો દાખલ કર્યો

રાજકોટ તા. ૧૪: માધાપર ચોકડી નજીક દ્વારકાધીશ પેટ્રોલ પંપ પાસે સાંજે જીવલેણ અકસ્માત સર્જાયો હતો. જેમાં ટ્રકના ચાલકે બાઇકને ઉલાળી દેતાં બાઇકચાલક મનહરપુરમાં રહેતાં ધોરણ-૧૨માં ભણતા છાત્રનું ગંભીર ઇજા થતાં મોત થયું છે. આ છાત્રને આજથી જ શાળાએ જવાનું હતું. એ પહેલા ગત સાંજે તે મિત્ર સાથે મેલડી માતાના મંદિરે દર્શન કરવા ગયો હતો. ત્યાંથી પરત આવતી વખતે આ બનાવ બન્યો હતો.
જાણવા મળ્યા મુજબ મનહરપુર-૧માં દ્વારકાધીશ પેટ્રોલ પંપ સામે સરકારી આવાસ કવાર્ટરમાં રહેતો રાજ ચંદુભાઇ (ચંદુલાલ) સમેરવા (ઉ.વ.૧૭) સાંજે છએક વાગ્યે બાઇકમાં મિત્ર સંજય ભોજવીયાને બેસાડી માધાપરમાં મેલડી માતાજીના મંદિરે દર્શન કરવા ગયો હતો. ત્યાંથી બંને મિત્રો પરત આવી રહ્યા હતાં ત્યારે દ્વારકાધીશ પંપ પાસે પહોંચતા ટ્રક નં. જીજે૦૩યુ-૪૭૫૨ની ઠોકરે ચડી જતાં ગંભીર ઇજા થતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. પરંતુ અહિ દમ તોડી દીધો હતો. તેના મિત્ર સંજયનો નજીવી ઇજા સાથે બચાવ થયો હતો.
બનાવની જાણ હોસ્પિટલ ચોકીના રામશીભાઇ વરૂ, કેતનભાઇ નિકોલા, ભાવેશભાઇ મકવાણા સહિતે ગાંધીગ્રામ પોલીસને કરતાં પીએસઆઇ વી. એચ. પરમારે મૃતકના પિતા ચંદુભાઇ વેલજીભાઇ સમેરવાની ફરિયાદ પરથી ટ્રક મુકી ભાગી ગયેલા ચાલક વિરૂધ્ધ ગુનો નોંધ્યો હતો. મૃત્યુ પામનાર રાજ બે ભાઇમાં નાનો હતો અને જામનગર રોડ નવી કોર્ટ નજીક આવેલી ન્યુ શ્રેયશ સ્કૂલમાં ધોરણ-૧૨ કોમર્સમાં અભ્યાસ કરતો હતો. વેકેશન પુરુ થતાં આજ શુક્રવારથી જ તેને શાળામાં નવી ટર્મની શરૂઆત કરવાની હતી. પરંતુ તેના આગલા દિવસે ટ્રક તેના માટે જીવલેણ નીવડયો હતો. આશાસ્પદ દિકરાના મૃત્યુથી સમેરવા પરિવારમાં ગમગીની વ્યાપી ગઇ હતી.
(3:14 PM IST)










