<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 14th June 2024

‘તુ મારી ગર્લફ્રેન્‍ડ સાથે કેમ વાત કરે છે' કહી અજય ઉર્ફે ગજનીને મોન્‍ટુએ કડુ ફટકાર્યું

રાજનગર ચોક પાસે બનાવઃ યુવાનની માલવીયાનગર પોલીસમાં મોન્‍ટુ રાઠોડ સામે ફરિયાદ

રાજકોટ તા. ૧૪: શહેરના રાજનગર ચોક પાસે ‘તું મારી ગર્લફ્રેન્‍ડ સાથે કેમ વાત કરે છે' કહી યુવાન સાથે ઝઘડો કરી યુવતીના પ્રેમીએ કડા વડે માર મારતા ફરિયાદ થઇ છે.

મળતી વિગત મુજબ મવડી મેઇન રોડ પર શ્રીનાથજી સોસાયટી શેરી નં. પ/૬ માં રહેતા અજય ઉર્ફે ગજની રાજુભાઇ ડોડીયા (ઉ.વ. ૩ર) એ માલવીયાનગર પોલીસ મથકમાં મોન્‍ટુ ચંદુભાઇ રાઠોડ સામે ફરિયાદ નોંધાવી છે. અન્‍ય ઉર્ફે ગજનીએ ફરિયાદમાં જણાવ્‍યું છે કે, પોતે રીક્ષા ચલાવે છે. રાત્રે પોતે રાજનગર ચોક પાસે આવેલ પેટ્રોલ પંપની બાજુમાં ઉભો હતો. ત્‍યારે મોન્‍ટુ ચંદુભાઇ રાઠોડ પોતાની પાસે આવીને કહેલ કે ‘તું મારી ગર્લ ફ્રેન્‍ડ સાથે કેમ વાત કરે છે' કહી ઝઘડો કરી ઢીકા પાટુનો માર મારવા લાગ્‍યો હતો. અને ઉશ્‍કેરાઇ જઇ તેણે હાથમાં પહેરેલા સ્‍ટીલના કડુ માથાના ભાગે ફટકારી દેતા ઇજા કરી હતી. પોતે દેકારો બોલાવતા આસપાસના લોકો એકઠા થઇ જતા મોન્‍ટુએ કહેલ કે ‘તું હવે પછી મારી ગર્લફ્રેન્‍ડ સાથે વાત કરીશ તો જાનથી મારી નાખીશ' તેમ ધમકી આપી ભાગી ગયો હતો. બાદ પોતાને ૧૦૮ મારફતે સારવાર માટે સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયો હતો. આ બનાવ અંગે પોતે માલવિયાનગર પોલીસ મથકમાં મોટુ રાઠોડ વિરૂધ્‍ધ ફરિયાદ નોંધાવતા પી.એસ.આઇ. સી. એસ. વાછાણી સહિતે તપાસ હાથ ધરી છે.

(1:29 PM IST)