<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 14th June 2024

સિવિલ હોસ્‍પિટલની સિક્‍યુરીટી એટલી કડક થઇ ગઇ કે આઇ કાર્ડ વગર તબિબ, નર્સિંગ સ્‍ટાફને પણ નો-એન્‍ટ્રી!

મહિલા તબિબ સાથે માથાકુટ બાદ એક્‍સ આર્મીમેનને દરેક વોર્ડમાં તૈનાત કરી દેવામાં આવ્‍યા : સવારે ઇમર્જન્‍સી વોર્ડમાં ફરજ પર આવેલા સ્‍ટાફ પાસે નિયમોનું કડક પાલન કરાવાયું: દર્દીના સગાઓને પણ પાસ વગર વોર્ડમાં પ્રવેશવાની સખ્‍ત મનાઇઃ સવારે આઇ કાર્ડ વગરના અનેકને ઇમર્જન્‍સી વોર્ડ બહાર ઉભા રહેવું પડયું

રાજકોટઃ શહેરની પીડીયુ સિવિલ હોસ્‍પિટલમાં થોડા દિવસ પહેલા વોર્ડ નં. ૭ના મહિલા તબિબ સાથે દર્દીના સગા એવા હોસ્‍પિટલના જ સ્‍વીપર સહિતે માથાકુટ કરી હતી. મોબાઇલ ફોનથી વિડીયો ઉતારવા મામલે થયેલી માથાકુટમાં મહિલા તબિબ સાથે હાથાપાઇ કરી લેવામાં આવ્‍યાની અને સામે સ્‍વીપરને પણ મારકુટ થયાના આક્ષેપો થયા હતાં. તબિબોએ ચાર માંગણીઓ રાખી હડતાલની તૈયારી કરી લીધી હતી.  એ પછી સિવિલ હોસ્‍પિટલની સિક્‍યુરીટી ખુબ કડક બનાવી દેવામાં આવી છે. બે દિવસ બાઉન્‍સરની મદદ લેવામાં આવ્‍યા બાદ તબિબ અધિક્ષક ડો. આર. એસ. ત્રિવેદીએ તમામ વોર્ડમાં એક્‍સ આર્મીમેનને ફરજ પર ગોઠવ્‍યા છે. દર્દીઓના સગાને પાસ વગર એન્‍ટ્રી જ નહિ આપવાની એ નિયમનું સિક્‍યુરીટીની ટીમ અને એકસ આર્મીમેનની ટીમ કડક પાલન કરાવી રહી છે. અનઅધિકૃત રીતે કોઇપણ વ્‍યક્‍તિ આ કારણે હવે કોઇપણ વોર્ડમાં કે કોઇપણ વિભાગમાંએન્‍ટ્રી કરી શકતો નથી. જો કે આ કડક સિક્‍યુરીટીને કારણે આજે સવારે ઇમર્જન્‍સી વિભાગમાં જ ઉહાપોહ મચી ગયો હતો. ઘણા તબિબ અને નર્સિંગ સ્‍ટાફ પાસે આઇ કાર્ડ ન હોય તેને ઇમર્જન્‍સી વોર્ડમાં એન્‍ટ્રી ન અપાતાં લાંબો સમય સુધી ઇમર્જન્‍સી વિભાગના અને વોર્ડ નં. ૭માં ઉપરના માળે ફરજ પર જવા ઇચ્‍છતા તબિબ અને નર્સિંગ સ્‍ટાફને લાંબો સમય સુધી બહાર ઉભા રહેવું પડયું હતું. જે મહિલા તબિબ સાથે દર્દીના સ્‍વજનને માથાકુટ થઇ હતી એ મહિલા તબિબ પણ આઇકાર્ડના અભાવે અટવાયા હતાં. જો કે થોડીવાર બાદ તેમણે પોતાના મોબાઇલમાં આઇ કાર્ડ બતાવતાં તેમને એન્‍ટ્રી અપાઇ હતી. તબિબો અને નર્સિંગ સ્‍ટાફને દર્દીના સગા તરફથી કનડગત ન થાય એ માટે કડક સિક્‍યુરીટીની વ્‍યવસ્‍થા ઉભી કરાઇ છે. પરંતુ આજે સિક્‍યુરીટી એટલી બધી કડક થઇ ગઇ હતી કે ખુદ તબિબો અને નર્સિંગ સ્‍ટાફ પણ મુંજવણમાં મુકાઇ ગયા હતાં અને આઇ કાર્ડની પળોજણને કારણે હેરાન થવું પડયું હતું. (ફોટોઃ અશોક બગથરીયા)

(3:20 PM IST)