News of Friday, 14th June 2024
કોંગ્રેસ દ્વારા કાલે પોલીસ કમિશ્નરને આવેદન : ૨૫ મીએ બંધનું એલાન
અગ્નિકાંડમાં નકકર પગલાનો અભાવ : પુરાવા કલેકટ થાય તે પહેલા ક્રાઇમસીન ડીસ્મેન્ટલ શા માટે કરાયા? પત્રકાર પરિષદમાં જીજ્ઞેશ મેવાણી અને લાલજીભાઇ દેસાઇએ ઠાલવ્યો આક્રોશ : પીડીત પરિવારોને ન્યાય અપાવવા સુપ્રિમ કોર્ટ સુધી જવા તૈયારી

રાજકોટ તા. ૧૪ : રાજકોટના ગેમઝોન અગ્નિકાંડ મામલે હજુ સુધી કોઇ નકકર પગલા ન ભરાયા હોવાના અસંતોષ સાથે કોંગ્રેસ દ્વારા કાલે પોલીસ કમિશ્નરને આવેદનપત્ર પાઠવવા અને ૨૫ મીએ શાંતિપૂર્ણ બંધના એલાનનો કાર્યક્રમ જાહેર કરાયો છે.
આજે યોજાયેલ પત્રકાર પરિષદમાં આક્રોશ ઠાલવતા કોંગ્રેસના ધારાસભ્ય અને કાર્યકારી પ્રદેશ પ્રમુખ જીજ્ઞેશ મેવાણી તથા લાલજીભાઇ દેસાઇએ જણાવ્યુ હતુ કે રાજકોટ અગ્નિકાંડને ૧૪ દિવસ કરતા વધુ સમય થયો છતા કોઇ નકકર પગલા લેવાયા હોય તેવુ જણાતુ નથી.
જીજ્ઞેશ મેવાણીએ જણાવેલ કે હું ૧૪ દિવસ રાજકોટ જ હતો ત્યાં પીડીતોના પરિવારની વેદના સાંભળી, પ્રાર્થના સભામાં ભાગ લીધો, શ્રધ્ધાંજલીના કાર્યક્રમો આપ્યાં, પીડીતો માટે મૌન પાળ્યું, પત્રિકા વિતરણ કરી, લોકસંપર્ક કર્યો, અનેક મીડીયા મિત્રો - પત્રકાર મિત્રો સાથે અગ્નિકાંડ વિશે વાત કરી, અગ્રણી નાગરિકો અને બુધ્ધિજીવીઓને મળ્યા, સમગ્ર રાજકોટનું એકસુરે આજની તારીખે એવુ માનવું છે કે, અગ્નિકાંડમાં પણ તક્ષશીલાકાંડ અને મોરબી કાંડની માફક ન્યાય મળવાનો નથી.
આખુ રાજકોટ એકસુરે આ વાત કહી રહ્યું છે. રાજકોટના રહેવાસીઓ અને પીડીત પરિવારજનો એવુ એટલા માટે માની રહ્યાં છે કે અગાઉ તક્ષશીલા કાંડ, શ્રેય હોસ્પિટલ કાંડ, રાજકોટમાં કોરોના દરમ્યાન સ્વર્ણ હોસ્પિટલમાં લાગેલ આગમાં આઠ લોકોના મૃત્યુ પામ્યાની ઘટના અને વડોદરાની અગ્નિકાંડની ઘટના આવી એકપણ ઘટનામાં રાજયની સરકારે અને પોલીસે કસુરવાર મોટા અધિકારીઓ અને ભારતીય જનતા પાર્ટીના ભ્રષ્ટ નેતાઓની કયારેય ધરપકડ કરી નથી. ત્યારે રાજકોટના પીડીતો પણ શું અપેક્ષા રાખી શકે? તેવો સવાલ ઉઠયો છે.
ગઈકાલે સરકારના એક મંત્રીએ અને એસ.આઈ.ટી.ના વડા સુભાષ ત્રિવેદીએ પણ કહ્યું કે, આ અંગે તપાસ ચાલી રહી છે. ઘટના બન્યાને થોડાક દિવસોમાં એક મહિનો થવા આવશે એમ છતાં આ તપાસમાં એવુ તો શું કરી રહી છે એનાથી સમગ્ર ગુજરાતની જનતા એકપ્રકારે અજાણ છે. અમે ઘટના સ્થળની મુલાકાત લીધી. ત્યારે તમામ લોકોનું એકસુરે કહેવુ કે હજુ એસ.આઈ.ટી.નું ઘટન થયું નહી અને ઈન્વેસ્ટીગેશનની નિમણુંક થઈ નહી અને એફ.એસ.એલ.ના મિત્રોએ એકપણ પુરાવો કલેકટ કર્યો નહી ત્યાંતો એની પહેલા આખો ક્રાઈમસીન ટોટલ ડીસ્મેન્ટલ કરી નાખ્યો, ડિસ્ટર્બ કરી નાખ્યો.
એલ.એલ.બી.ના પહેલા વર્ષમાં ભણનારા વિદ્યાર્થી અને લોકરક્ષક દળને પણ ખબર પડે છે કે આવી ગંભીર ઘટનામાં કે કોઈપણ ગુનાહિત કૃત્યમાં પુરાવાઓ એકત્રીત કર્યા ના હોય ત્યાં સુધી આવા ક્રાઈમસીનને ડિસ્ટર્બ કરી શકાતો નથી.
તો આ બાબતે પ્રશ્નો ઉપસ્થિત થાય છે કે, કોની સુચનાથી અને કયા આશયથી રાજકોટ મ્યુનિ. કમિશ્નર અને પોલીસ કમિશ્નરશ્રી દ્વારા આ ક્રાઈમસીનને ડિસ્ટર્બ કરવામાં આવ્યો?
પેટ્રોલીયમ એકટ હેઠળ ત્રીસ લીટરથી વધારે પેટ્રોલ રાખી શકાતો નથી ત્યાં ભયંકર મોટી સંખ્યામાં પેટ્રોલનો જથ્થો બરામદ થયો એ બાબતમાં હજી સુધી એફ.આઈ.આર.માં કલમ વધારાનો રીપોર્ટ કરીને પેટ્રોલીયમની કોઈ જ કલમનો ઉમેરો કેમ કરાયો નથી?
એસ.આઈ.ટી. ના વડા સુભાષ ત્રિવેદી છે. અગાઉ સુરતની એક મોકડ્રીલના પ્રકરણમાં પોલીસ ઈન્સ્પેકટરના પેટમાં એક મોકડ્રિલ દરમ્યાન જેમાં જીવતુ કારતુસ હતુ એવી રીવોલ્વરથી ફાયર કરીને એમના પેટમાં ગોળી ઠલવી દીધી હતી અને એમનું આઈ.પી.એસ.નું પદ અને નોકરી બન્ને જોખમમાં હતા એવી તેમની સામે તપાસ ચાલતી હતી પરંતુ ભારતીય જનતા પાર્ટીની સરકારે એમની નોકરી બચાવી લીધી અને એટલે બાકીની નોકરી ભારતીય જનતા પાર્ટીના આર્શિવાદ અને અહેસાન તળે કરેલી છે અને જે અધિકારી ભારતીય જનતા પાર્ટીના અહેસાન તળે નોકરી કરી હોય એ અધિકારી ભારતીય જનતા પાર્ટીના ચહિતા અધિકારીઓ અને નેતાઓની સામે કોઈ સજડ તપાસ કરે તેવુ માનવાને કોઈ કારણ નથી.
લોકમુખે ચર્ચાઈ રહ્યું છે કે, રાજકોટની દ્યટના સમયે ગેમ ઝોનમાં ૧૫૦ જેટલા લોકો હાજર હતા અને તેમાં ૧૫ થી ૨૦ નેપાળી લોકો પણ હાજર હતા સરકાર દ્વારા જે મૃત્યુ આંક બતાવવામાં આવેલ છે તે પણ શંકાસ્પદ હોઈ શકે છે. રાજકોટ અગ્નિકાંડ મુદ્દે કોંગ્રેસ પિડીત પરિવારો સાથે છે અને ન્યાય અપાવવા સુપ્રિમકોર્ટ સુધી લડવા મક્કકમ અને કટિબદ્ઘ છે. તેમ જીગ્નેશભાઈ મેવાણી અને લાલજીભાઈ દેસાઈ પ્રેસ વાર્તાને સંબોધતા જણાવ્યુ હતુ.
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ વતી સરકારને માંગણી કરી હતી કે, રાજકોટ મુદ્દે ફાસ્ટ ટ્રેક કોર્ટની રચના કરવામાં આવે, મૃતકોના પરિવારને એક કરોડ રૂપિયા માનવીય આધારે સહાય ચુકવવામાં આવે.
આ મામલે કાલે તા. ૧૫ ના રોજ પોલીસ કમિશનર કચેરીએ મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકર્તાઓ અને મૃતકના પરિવારો જનો આવેદનપત્ર આપશે.
સાથે જ રાજકોટની ટીઆરપી ગેમ ઝોન ઘટનામાં મૃત્યુ પામેલ મૃતકોની પ્રથમ માસિક પુણ્યતિથી તા.૨૫ જુનના તેમને શ્રદ્ઘાંજલિ પાઠવવા અને પીડિત પરિવારજનોને ન્યાય અપાવવા શાંતિપ્રિય રીતે રાજકોટ બંધનું એલાન આપવામાં આવેલ છે.
બામણબોર GIDCની ગ્રીન પ્લાય ફેકટરીમાં કેમિકલ લીકેજ થતા ભયાનક આગ ભભૂકી
ફેકટરીની અંદર સંખ્યાબંધ કામદારો હોય અફરાતફડી સર્જાઇ : વેલ્ડીંગના કારણે પ્લાયના જથ્થામાં વિકરાળ આગ લાગી
ડીઝાસ્ટર - પ્રદૂષણ બોર્ડ - પોલીસ - સીટી પ્રાંત ૨ - તાલુકા મામલતદાર - ફાયરબ્રિગેડ - ૧૦૮ સેવા - ડોકટરોની ટીમો તાબડતોબ દોડી ગઇ
આખરે કવાયત કલેકટરની મોકડ્રીલ હોવાનું ખુલતા તમામે રાહતનો શ્વાસ લીધો : બે કામદારોને ગુંગળામણ થતા સારવારમાં ખસેડાયા
રાજકોટ તા. ૧૪ : રાજકોટ જિલ્લામાં હીરાસર પાસે આવેલી બામણબોર જી.આઈ.ડી.સી.માં ગ્રીનપ્લાય ફેકટરીમાં આજે સવારે ટેન્કરમાંથી જોખમી કેમિકલ લિકેજ થતા અફરાતફરી મચી ગઈ હતી. દરમિયાન નજીકમાં વેલ્ડીંગના કારણે પ્લાયના જથ્થામાં વિકરાળ આગ ભભૂકી હતી. જેના કારણે ફાયરબ્રિગેડ, એમ્બ્યુલન્સ, પોલીસ, ગુજરાત પ્રદૂષણ કંટ્રોલ બોર્ડ, જિલ્લા વહીવટીતંત્રના ડિઝાસ્ટર મેનેજમેન્ટ સેલ, તેમજ જિલ્લા ઉદ્યોગ સલામતી અને આરોગ્ય ખાતા સહિતની ટીમો દોડતી થઈ ગઈ હતી. દરમિયાન આગ કાબુમાં ના આવતા રાજકોટ ફાયર બ્રિગેડની ટીમને બામણબોર બોલાવાઈ હતી. આખરે સંયુકત કવાયત પછી આગને કાબુમાં લેવામાં આવી હતી. દરમિયાન ધુમાડાના કારણે બે વ્યકિતને ગુંગળામણ થતા એમ્બ્યુલન્સ મારફત સારવામાં ખસેડવામાં આવી હતી. આખરે આ કવાયત મોક ડ્રીલ હોવાનું ખુલતા સૌએ રાહતનો શ્વાસ લીધો હતો.
રાજકોટના બામણબોરમાં આજે સવારે ૧૧ વાગ્યાના સુમારે એક ટેન્કર આવ્યું ત્યારે તેમાંથી અચાનક જ જોખમી કેમિકલ લીક થવાનું શરૂ થયું હતું. કંપનીના કર્મચારીઓ આ કેમિકલને પાણીથી વોશઆઉટ કરે તે પહેલા જ નજીકમાં પડેલા લાકડાના જથ્થામાં આગ ભભૂકી ઊઠી હતી. જેના કારણે કંપનીના કર્મચારીઓ ફાયર એકિસ્ટંગ્વીશર સાથે દોડી આવ્યા હતા અને આગને કાબુમાં લેવાનો પ્રયાસ કર્યો હતો. દરમિયાન ઇમરજન્સી ૧૦૮ને જાણ કરવામાં આવતા એમ્બ્યુલન્સની બે ટીમ, પોલીસ, સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ, પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ તેમજ જિલ્લા ઉદ્યોગ સલામતી અને આરોગ્ય ખાતાની ટીમો તેમજ અન્ય વિભાગની ટીમો દોડતી આવી હતી.
એક તરફ આગને કાબુમાં લેવાની કવાયત ચાલુ હતી, તે દરમિયાન બે વ્યકિત ધુમાડાના કારણે ગુંગળાઈને ઢળી પડી હતી. આથી તેમને તાત્કાલિક એમ્બ્યુલન્સ મારફતે સારવારમાં ખસેડવામાં આવી હતી. દરમિયાન પોલીસે આવીને ભીડને નિયંત્રિત કરી હતી.કંપનીના કર્મચારીઓ દ્વારા અગ્નિ શમનના પ્રયાસો છતાં આગ કાબુમાં ન આવતાં આખરે રાજકોટ ફાયર બ્રિગેડને બોલાવવામાં આવી હતી. એ પછી રાજકોટની ફાયર બ્રિગેડની ટીમે આવીને આગને કાબુમાં લીધી હતી. આખરે મોક ડ્રીલ પૂર્ણ જાહેર કરવામાં આવી હતી.
આ તકે રાજકોટ પ્રાંત - ૨ અધિકારી આસિ. કલેકટર નિશા ચૌધરી, ડિઝાસ્ટર મેનેજમેન્ટ સેલના મામલતદાર એમ. ડી. દવે, રાજકોટ ગ્રામ્ય મામલતદાર કિર્તીકુમાર મકવાણા વગેરે ઉપસ્થિત રહ્યા હતા.
(3:47 PM IST)










