<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 14th June 2024

બે ડઝન ગુનાઓમાં સામેલ વિપુલ બગથરીયા દેશી તમંચા સાથે પકડાયો

હત્યાની કોશિષ, રાયોટીંગ, એટ્રોસીટી, દારૂ, જૂગાર, મારામારી, ધાકધમકી સહિતના ગુનાઓમાં સંડોવણી માલવીયાનગર પીઆઇ જે. આર. દેસાઇ, એમ. ડી. ગઢવી, પીએસઆઇ ડી. એસ. ગજેરા અને ટીમની કામગીરી હેડકોન્સ. અજયભાઇ વિકમા, જયદિપસિંહ ભટ્ટી અને મયુરદાન બાટીની બાતમી

રાજકોટ તા. ૧૪: શહેરમાં ગેરકાયદેસર હથીયાર ધરાવતાં શખ્સોને શોધી કાઢવા સુચના મળી હોઇ તે અંતર્ગત માલવીયાનગર પોલીસની ટીમે નાના મવા ખીજડાવાળા રોડ પર વિશ્વનગર આવાસ યોજના કવાર્ટર બ્લોક નં. ૨૧માં ત્રીજા માળે રહેતાં વિપુલ પ્રવિણભાઇ બગથરીયા (ઉ.વ.૨૮) નામના રીઢા ગુનેગારની છાપ ધરાવતાં શખ્સને તેના કવાર્ટરના ખુણા પાસેથી રૂ. ૧૦ હજારની કિંમતના દેશી બનાવટના તમંચા સાથે પકડી લીધો છે.

માલવીયાનગર પોલીસની ટીમ પેટ્રોલીંગમાં હતી ત્યારે હેડકોન્સ. અજયભાઇ વિકમા, કોન્સ. જયદિપસિંહ ભટ્ટી અને મયુરદાન બાટીને બાતમી મળતાં વિશ્વનગર આવાસ કવાર્ટરના ખુણેથી વિપુલને પકડી લીધો હતો. તેની તલાસી લેતાં દેશી તમંચો મળી આવ્યો હતો. આર્મ્સ એકટ હેઠળ ગુનો નોંધી તેની ધરપકડ કરી વિશેષ પુછતાછ કરવામાં આવી હતી. પ્રાથમિક તપાસમાં તેણે એવું રટણ કર્યુ હતું કે માથાકુટ ચાલતી હોઇ એક ઓળખીતા પાસેથી લીધુ હતું. હથીયાર આપનાર કોણ? તેની તપાસ કરવા રિમાન્ડની તજવીજ થઇ રહી છે.

પોલીસ સુત્રોના જણાવ્યા મુજબ વિપુલ બગથરીયા અગાઉ રાજકોટના માલવીયાનગર, આજીડેમ, તાલુકા, ભકિતનગર, બી-ડિવીઝન, યુનિવર્સિટી, ડીસીબી પોલીસ સ્ટેશન, ધોરાજી, શાપરમાં મારામારી, હત્યાની કોશિષ, એટ્રોસીટી, ધાકધમકી, રાયોટીંગ, દારૂ-જૂગાર સહિતના ૨૪ ગુનાઓમાં પોલીસ ચોપડે ચડી ચુકયો છે. પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા, જેસીપી મહેન્દ્ર બગડીયા, ડીસીપી જગદીશ બાંગરવા, એસીપી વી. જી. પટેલની સુચના અંતર્ગત પીઆઇ જે. આર. દેસાઇ, પીઆઇ એમ. ડી. ગઢવી, પીએસઆઇ ડી. એસ. ગજેરા, હેડકોન્સ. અજયભાઇ વિકમા, દિનેશભાઇ બગડા, જયદેવસિંહ પરમાર, કોન્સ. મયુરદાન બાટી, જયદિપસિંહ ભાટી, હરસુખભાઇ સબાડ, હિતેષભાઇ અગ્રાવત સહિતે આ કામગીરી કરી હતી.

(4:03 PM IST)