News of Friday, 14th June 2024
બીએપીએસ મંદિરે પૂ. મહંત સ્વામીનું ભવ્ય સ્વાગત : ર૬ દિવસ રાજકોટમાં રોકાશે
નિજમંદિરને રંગોળી, રંગબેરંગી ફૂલોથી સજાવટ : બાળકો દ્વારા નૃત્ય અને યુવાનો દ્વારા ઢોલ નગારાથી ગુરૂહરિને વધાવ્યા દરરોજ સવારે ૬ થી ૮ પ્રાતઃ પૂજા દર્શન, સાંજે પઃ૩૦ થી ૮ સંધ્યાસભા, અનેકવિધ સાંસ્કૃતિક કાર્યક્રમોની સરવાણી

રાજકોટ : બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થાના ગુરુદેવ પરમ પૂજ્ય મહંતસ્વામી મહારાજનું આજે રાજકોટ ખાતે આગમન નિમિત્તે બીએપીએસ સ્વામિનારાયણ મંદિર રાજકોટ ખાતે તેઓનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. અમેરિકાના ન્યુજર્સી, રોબિનસવિલ અક્ષરધામ મહામંદિર અને અબુધાબીના બીએપીએસ હિન્દુ મંદિરના નિર્માતા પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ રાજકોટને આંગણે પધારતા રાજકોટની ધર્મ પ્રેમી જનતામાં હર્ષનો માહોલ છવાયો હતો. તેઓના આગમન નિમિત્તે સમગ્ર સ્વામિનારાયણ મંદિરને રંગબેરંગી સુશોભનથી શણગારાયું હતું. બાળકોએ નૃત્ય દ્વારા તેમજ યુવાનોએ ઢોલ નગારા સાથે પરમ પૂજ્ય સ્વામીશ્રીને વધાવ્યા હતા. મહિલા ભકતોએ મંદિરને રંગોળીઓ દ્વારા સુશોભિત કરી ગુરુહરિને વધાવ્યા હતા. પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજના આગમનને વિશેષ ભકિતથી વધાવવા રાજકોટના હજારો પુરુષ - મહિલા હરીભકતો છેલ્લા ૧૦૮ દિવસથી ભજન, વાંચન, મુખપાઠ, ઉપવાસ, ઘરસભા, સેવા વગેરે વિવિધ ભકિતયજ્ઞોમાં જોડાયા હતાં. આ અવસરે ૧૫૭૨ મહિલાઓએ સાંકળ સર્જાળા ઉપવાસ, ૪૭૮ મહિલાઓએ સાંકળ નિર્જળા ઉપવાસ કર્યા હતા. ૩૪ હરિભકતોએ મહંતસ્વામી મહારાજના આગમન નિમિત્તે આગમન પહેલાના ૯૦ કલાક થી ૧૨૦ કલાકના સળંગ નિર્જળા, સજલ તેમજ પ્રવાહી ઉપવાસ કરી ગુરુભકિત અદા કરી હતી. તદુપરાંત અનેક પુરુષ તેમજ મહિલા હરિભકતોએ વ્રત, તપ, ઉપવાસ કરીને ગુરુભકિત અદા કરી હતી. ઉલ્લેખનીય છે કે પરમ પૂજ્ય મહંતસ્વામી મહારાજના રાજકોટમાં ૨૬ દિવસના ધર્મ પ્રવાસ દરમિયાન નિયત દિવસોમાં સવારે ૬ થી ૮ કલાક દરમિયાન તેઓની પ્રાતઃપૂજા દર્શન તેમજ સાંજે ૫ૅં૩૦ થી ૮ દરમિયાન સંધ્યાસભામાં અનેકવિધ સાંસ્કૃતિક કાર્યક્રમની સાથે સાથે તેઓના આશીર્વાદનો પણ લાભ પ્રાપ્ત થશે. (તસ્વીર : સંદિપ બગથરીયા)
(4:11 PM IST)










