News of Friday, 14th June 2024
આનંદનગરના ૧૦૦ કવાટરોમાં નળ-લાઇટ જોડાણ કટઃ સ્થાનીકો મનપાએ ઉમટી પડ્યા
મહાનગરપાલિકા દ્વારા તા. ૧૦ના રોજ ભયગ્રસ્ત હોવાથી નોટીસ અપાયેલ અમારા કવાટર ભયગ્રસ્ત નથી, નોટીસનો બીજા જ દિવસે જવાબ આપેલઃ રહેવાસીઓનો રોષ

મનપા ખાતે સ્થાનીકો ઉમટ્યાઃ આનંદનગરના રહેવાસીઓ દ્વારા કાર્યવાહી વિરૂધ્ધમનપા ખાતે રજુઆત કરવા ઉમટી પડેલા ત્યારની તસ્વીર (તસ્વીરઃ અશોક બગથરીયા)
રાજકોટ,તા. ૧૪: શહેરના દુધસાગર રોડ પરના હાઉસીંગ બોર્ડના લાઇટ-પાણીના કનેકશન કાપ્યા બાદ સોરઠીયાવાડી સર્કલ પાસેના આનંદનગરના ૧૦૦ કવાટરોમાં પણ પાણી લાઇટની લાઇનો કાપી નાખવામાં આવતા રહેવાસીઓમાં ભારે દેકારો બોલી ગયો હતો. કવાર્ટર ધારકો દ્વારા વોર્ડના કોર્પોરેટરો વિનુભાઇ ઘવા, કિર્તિબા રાણા તથા કોંગ્રેસના પૂર્વ કોર્પોરેટર ઘનશ્યામસિંહ જાડેજાને સાથ રાખી મનપામાં રજુઆત કરવામાં આવી હતી.
મનપા દ્વારા આનંદનગર કોલોનીના ૧૦૦ જેટલા અતિ જર્જરીત કવાર્ટરોમાં નળ-લાઇટ જોડાણની કાર્યવાહી કરવામાં આવી હતી. રહેવાસીઓ દ્વારા રજુઆતમાં જણાવ્યા મુજબ મનપા દ્વારા જે કવાર્ટરોને ભયગ્રસ્ત ગણાવાયા છે તે ભયગ્રસ્ત બાંધકામ નથી. તેમ છતાં એસોસીએશન દ્વારા સમૂહમાં તેનું અમારા દ્વારા રિપેરીંગ કરાવી લેવામાં આવશે.
રહેવાસીઓએ વધુમાં રોષ પૂર્ણ રીતે જણાવેલ કે, અમને તા. ૧૦ના રોજ કેટલાક કવાર્ટરો ભયગ્રસ્ત હોવા અંગે નોટીસ મળી હતી. જેને બીજા જ દિવસ તા. ૧૧ના રોજ જવાબ પણ આપી દેવામાં આવ્યો હોવા છતાં આજે નળ-લાઇટ જોડાણ કાપી નાખવાની કાર્યવાહી કરવામાં આવી છે.
આનંદનગરમાં કુલ ૨૨૭ જેટલા કવાર્ટરો આવેલા છે. જેમાં બગીચા પાસેના પારડી રોડ પરના અજંતા પાર્ક સ્થિત બીલ્ડીંગોના બ્લોકમાંના કવાર્ટરોને નોટીસ આપવામાં આવી હતી.
(4:18 PM IST)










