News of Saturday, 15th June 2024
એસ.બી.આઇ.- આરસેટી દ્વારા મોરબી જિલ્લાના બહેનોને રોજગારલક્ષી તાલીમ
૧૨ જુલાઇએ સમાપન : આગામી દિવસોમાં ભાઇઓ માટે તાલીમ વર્ગ

રાજકોટ તા. ૧૫ : એસબીઆઇ આરસેટી દ્વારા બેરોજગાર યુવક યુવતીઓને રોજગારલક્ષી તાલીમ મળી રહે તે હેતુથી સમયાંતરે નિઃશુલ્ક તાલીમ વર્ગ યોજવામાં આવે છે. જેના ભાગરૂપે હાલ મોરબી જિલ્લાના ગામડાના બહેનો માટેનો તાલીમ વર્ગ રાજકોટ ખાતે ચાલી રહ્યો છે.
‘અકિલા' ખાતે વિગતો વર્ણવતા ટીમના આગેવાનોએ જણાવેલ કે હાલ તા. ૧૩ જુનથી ૧૨ જુલાઇ સુધી તાલીમ વર્ગ યોજાયો છે. જેમાં મોરબી જિલ્લાના ૧૮ થી ૪૫ વર્ષની વય જુથના બીપીએલ/અંત્યોદય કાર્ડ/ મનરેગા જોબકાર્ડ/ સખી મંડળના સભ્ય, એસઇસી/ પીએમવાય યાદીમાં સમાવીસ્ટ બેરોજગાર બહેનોને પ્રવેશ અપાયો છે.
જેમાં દરરોજ સવારે ૯.૩૦ થી સાંજના ૬ સુધીનું તાલીમ સેશન હોય છે. ચા-નાસ્તો-જમવાનું તેમજ રહેવા માટે હોસ્ટેલની સુવિધા પુરી પાડવામાં આવે છે. હાલ સિવણનું કામ શીખવવામાં આવી રહ્યુ છે.
મોરબી જિલ્લાના હળવદ, વાંકાનેર, ટંકારા, માળીયા-મિયાણા અને મોરબી તાલુકા ગ્રામ્ય વિસ્તારના બહેનો તાલીમ લઇ રહ્યા છે. તાલીમ બાદ સર્ટીફીકેટ આપવામાં આવશે. તેમજ સાથે રોજગારલક્ષી કીટ આપી નાણાકીય જરૂરીયાત હોય તો લોનવિષે માર્ગદર્શન પુરૂ પાડવામાં આવશે.
આ સંસ્થા દ્વારા હાલ રાજકોટ જિલ્લાના ગામોમાં અથાણા, પાપડ, અગરબતી જેવી વસ્તુઓ બનાવવાની તાલીમ પણ અપાઇ રહી છે. સમયાંતરે અન્ય તાલીમના વર્ગો યોજવામાં આવે છે. જેમાં આગામી જુલાઇ માસમાં ભાઇઓ માટે મોબાઇલ રીપેરીંગ, ફોટોગ્રાફી અને વીડિયોગ્રાફી એડીટીંગ, હેર સલુન, મેન ટેલરીંગની તાલીમ શરૂ કરાશે. જોડાવા ઇચ્છુકોએ વહેલી તકે સંસ્થાના હેડકવાર્ટર એસ.બી.આઇ. રીસેટી, ગાર્ડી ગેઇટ પાસે, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી કમ્પાઉન્ડ, રાજકોટ (મો.૭૬૦૦૦ ૩૫૨ર૩) ખાતે સંપર્ક કરવા જણાવાયુ છે.
તસ્વીરમાં ‘અકિલા' ખાતે વિગતો વર્ણવતા સ્ટેટ ડાયરેકટર હરેશ જોષી, રાજકોટ ડાયરેકટર વિજયસિ઼હ આર્ય, ફેકલ્ટી જીજ્ઞેશગીરી ગોસ્વામી, સંદીપ મઢવી અને તાલીમાર્થી બહેનો નજરે પડે છે. (તસ્વીર સંદીપ બગથરીયા)
(2:48 PM IST)










