<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 16th June 2024

ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડમાં મ્યુ.કોર્પોરેશનના વધુ બે અધિકારીની ધરપ્પકડ: એટીપી રાજેશ મકવાણા અને જયદીપ ચૌધરીને ક્રાઇમ બ્રાન્ચે પકડ્યા: કુલ ૧૨ આરોપી થયા

પુરાવાનો નાશ કરી ખોટું રજિસ્ટર બનાવવાનો આરોપ હતો: રિમાન્ડની તજવીજ

રાજકોટ: શહેરના ગેમ ઝોનના અગ્નિકાંડમાં પોલીસે મનપાના વધુ બે આરોપીની ધરપકડ કરી છે. રાજકોટ મનપાના આસિસ્ટન્ટ ટાઉન પ્લાનિંગ ઓફિસર રાજેશ મકવાણા અને જયદિપ ચૌધરીની ધરપકડ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા  કરવામાં આવી છે. પોલીસ તપાસ દરમિયાન આરોપીઓએ અગ્નિકાંડના બીજા દિવસે પુરાવાનો નાશ કરી ખોટું રજિસ્ટર બનાવ્યું હોવાંનું સામે આવતા આ બંને આરોપીઓની ધરપકડ કરી છે અને હવે અગ્નિકાંડ મામલે આરોપીઓનો આંક ૧૨ સુધી પહોંચ્યો છે, જે પૈકી ૯ આરોપીઓને જેલ હવાલે કરવામાં આવ્યા છે અને આરોપીઓનો આંક હજુ વધે તેવી શક્યતા સેવાઈ રહી છે.

રાજકોટ શહેર ક્રાઇમ બ્રાન્ચ દ્વારા અગ્નિકાંડ મામલે તપાસ ચલાવવામાં આવી રહી છે દરમિયાન રાજકોટ પોલીસ દ્વારા ગુરુવારે જમીન માલિક અશોકસિંહ જાડેજાની ધરપકડ કરી કોર્ટમાં રિમાન્ડ અર્થે રજૂ કરવામાં આવ્યા હતા.દરમિયાન આરોપીઓએ અગ્નિકાંડના બીજા દિવસે પુરાવાનો નાશ કરી ખોટું રજિસ્ટ્રાર તૈયાર કરવામાં આવ્યું હોવાનું સામે આવ્યું હતું જેમાં રાજકોટ મનપાના ટાઉન પ્લાનિંગ વિભાગના વધુ બે આરોપીઓની સંડોવણી ખુલવા પામતા આજ રોજ રાજકોટ કરાઈ બ્રાન્ચ દ્વારા એટીપી રાજેશ મકવાણા અને જયદિપ ચૌધરીની અટકાયત કરી ધરપકડ માટે તજવીજ હાથ ધરી છે. ગત રવિવારના રોજ રાજકોટ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા તત્કાલીન ટીપીઓ મનસુખ સાગઠીયા સામે વધુ એક પોલીસ ફરિયાદ કરવામાં આવી હતી. અગ્નિકાંડ ત્રીજા દિવસે એટલે કે ૨૭/૫/૨૪ના રોજ સાગઠીયાએ ગર્ભીત ધમકી સાથેની કડક સુચના આપી પોલીસ તપાસને ગેરમાર્ગે દોરવા મિનિટ્સ બુકની ખોટી માહિતી દર્શાવી હોવાનું સામે આવ્યું હતું. જે મામલે રાજકોટ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા આઇપીસી કલમ 465, 466, 471, 474 મુજબ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. હાલ રાજકોટ મનપાના ચાર અધિકારીઓ સહીત કુલ ૯ આરોપીઓ રાજકોટ મધ્યસ્થ જેલમાં બંધ છે જયારે જમીન માલિક આરોપી અશોકસિંહ જાડેજા રિમાન્ડ પર છે. દરમિયાન વધુ બે અધિકારીઓની ધરપકડ કરી પોલીસે તપાસ યથાવત રાખી છે. હવે પછી કોનો વારો? તે તરફ સૌની નજર છે.

સિટની તપાસમાં ચોંકાવનારી વાત એ બહાર આવી છે કે ટીઆરપી ગેમઝોનનું આખુ બાંધકામ ગેરકાયદેસર હતું તેને ખુદ ટી.પી.વિભાગે તે રેગ્યુલરાઈઝડ થવાને પાત્ર નહીં હોવાથી ક. ૨૬૦(૨) હેઠળ તેને ડિમોલીશન કરવાનો નિર્ણય લઈને હૂકમ કરાયો હતો.. આમ છતાં આ જ અધિકારીઓએ તા.૨૬ના આર્કિટેક્ટ પાસેથી કાગળો મેળવીને ઈમ્પેક્ટ ફી હેઠળ આ બાંધકામને નિયમબધ્ધ કરવાની અરજી

ઈન્વર્ડ કરી હતી અને તેમાં રેકોર્ડ સાથે ચેડાં કરીને ઈન્વર્ડ તારીખ ૪ મે નાંખવામાં આવી હતી તથા તા.૯મેના ક્વેરી પણ કાઢી છે તેવું રેકોર્ડ ઉભુ કરાયું હતું. વાસ્તવમાં આખુ બાંધકામ કદિ ઇમ્પેક્ટ ફી હેઠળ રેગ્યુલરાઈઝડ ન થાય, બલ્કે પહેલા જીડીસીઆર મૂજબ મળવાપાત્ર બાંધકામનો પ્લાન  મંજુર કરવો પડે અને ત્યારબાદ વધારાનું બાંધકામ હોય તો તે માટે ઈમ્પેક્ટની અરજી કરવી પડે. તપાસમાં ટાઉન પ્લાનિંગ અધિકારી અને તેની ટોળકીએ અપણાવેલા ખોટા રસ્તાનો પર્દાફાશ થતા બધાની ધરપ્કડ થઈ છે.

(9:53 AM IST)