હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
રાજકોટમાં હૈયા હચમચાવતી ઘટનાઃ બે નેપાળી વોચમેનની ૩-૩ વર્ષની દિકરીઓના સ્વીમીંગ પૂલમાં ડૂબી જતાં મોત
રૈયા ગામ ગંગોત્રી પાર્ક મેઇન રોડ પરના શિલ્પન ઓનેક્સમાં બનાવઃ લાડકવાયી દિકરીઓના મોતથી નેપાળી પરિવારોમાં કાળો કલ્પાંત : રાતે નવ વાગ્યા સુધી બંને રૂમમાં રમતી હતીઃ બાદમાં સાઇકલ ફેરવવા ગયા પછી કલાક બાદ માતા-પિતા શોધવા નીકળતાં બંને રેસિડેન્સીના સ્વીમિંગ પૂલમાંથી મૃત મળતાં અરેરાટીઃ ૩ વર્ષ ૨ મહિનાની મેનુકાના પિતા પ્રકાશ સિંઘ આઠ માસથી ચોકીદારી કરે છેઃ ૩ વર્ષ ૯ માસની પ્રકૃતિના પિતા ગોકુલ ચંદ ૧૭ દિવસથી જ અહિ નોકરીએ જોડાયા છે

જ્યાં ઘટના બની તે શિલ્પન ઓનેક્સ રેસિડેન્સી અને જે સ્વીમિંગ પૂલમાં બંને ફૂલડા જેવી બાળા ડૂબી જતાં મોતને ભેટી તે પૂલ જોઇ શકાય છે (ફોટોઃ અશોક બગથરીયા) (૧૪.૬)
માસુમ ફૂલડાઓ કાયમને માટે ‘પોઢી' ગયાઃ શિલ્પન ઓનેક્સ રેસિડેન્સીના બે નેપાળી વોચમેનની ત્રણ-ત્રણ વર્ષની દિકરીઓ મેનુકા અને પ્રકૃતિ રાત્રે સાઇકલ ફેરવતી ફેરવતી રેસિડેન્સીના સ્વીમિંગ પૂલ પાસે ગયા બાદ બંને અંદર પડી જતાં ડૂબી જતાં મોત નિપજતાં અરેરાટી વ્યાપી ગઇ હતી. તસ્વીરમાં બંને ફૂલડા જેવી બાળાઓના નિષ્પ્રાણ દેહ, તેમના ફાઇલ ફોટો અને બંને બાળકીના શોકગ્રસ્ત પિતા જોઇ શકાય છે (૧૪.૬)
રાજકોટ તા. ૧૭: શહેરના રૈયા ગામ નજીક ગંગોત્રી પાર્ક મેઇન રોડ પર આવેલી શિલ્પન ઓનેક્સ નામની રેસિડેન્સીમાં ચોકીદારી કરતાં બે નેપાળી પરિવારની ૩ વર્ષ ૨ માસ અને ૩ વર્ષ ૯ માસની દિકરીઓ રાતે રેસિડેન્સીના એરિયામાં સાઇકલ ફેરવતી ફેરવતી સ્વીમિંગ પૂલ પાસે પહોંચ્યા બાદ કોઇપણ રીતે અંદર પડી જતાં ડૂબી જતાં બંનેના કમકમાટીભર્યા મોત નિપજ્યા છે. આ બંને લાડકવાયી દિકરીઓના મોતથી નેપાળી પરિવારજનોમાં કલ્પાંત સર્જાયો છે.
હૈયા મચાવી નાખતી આ ઘટનાની માહિતી મુજબ રૈયા ગામના ગંગોત્રી પાર્ક મેઇન રોડ પર કિડની હોસ્પિટલની સામેના ભાગના રોડ પર આવેલી શિલ્પન ઓનેક્સ રેસિડેન્સીમાં રાત્રીના બે નેપાળી વોચમેનની દિકરીઓ રેસિડેન્સીમાં જ આવેલા સ્વીમિંગ પૂલમાં ડૂબી જતાં બંનેના મૃત્યુ થયા હતાં. મુળ નેપાળનો પ્રકાશ તેજબહાદુર સિંગ અને તેના પત્નિ મનિષા સિંઘ તેની એકની એક પુત્રી મેનુકા (ઉ. ૩ વર્ષ ૨ માસ) સાથે વોચમેનના રૂમમાં રહી રેસિડેન્સીની ચોકીદારી કરે છે. તેને સંતાનમાં એક જ દિકરી મેનુકા છે. જ્યારે અન્ય વોચમેન ગોકુલ રંગબહાદુર ચંદ તેના પત્નિ સિતા તથા એક પુત્રી પ્રકૃતિ (ઉ. ૩ વર્ષ ૯ માસ) તથા એક ૧૧ માસના પુત્ર સાથે શિલ્પન ઓનેક્સમાં વોચમેનના રૂમમાં રહી નોકરી કરે છે. ગોકુલ અને તેનો પરિવાર હજુ ૧૭ દિવસ પહેલા જ અહિ નોકરીએ જોડાયો છે. અગાઉ ગોકુલ કટારીયા ચોકડી પાસે નોકરી કરતો હતો અને રહેતો હતો.
પ્રકાશ અને ગોકુલ એમ બંને વોચમેનની દિકરીઓ મેનુકા અને પ્રકૃતિ દરરોજ સાથે જ રમતી હતી. ગત રાતે બંને સાઇકલ ફેરવવા માટે રાતે નવેક વાગ્યે રૂમ પાસેથી નીકળી હતી. દરરોજ બંને આ રીતે સાઇકલ ફેરવવા જતી હતી અને થોડી વાર પછી પરત રૂમ ખાતે આવી જતી હતી. ગત રાતે એકાદ કલાક સુધી આ બંને બાળા રૂમ પર ન આવતાં બંનેના માતા-પિતાએ શોધખોળ શરૂ કરી હતી. એ દરમિયાન રેસિડેન્સીના સ્વીમિંગ પૂલ પાસે બંનેની સાઇકલ જોવા મળી હતી. ત્યાં એક રહેવાસીએ સ્વીમિંગ પૂલમાં જોતાં બંને ફૂલડા જેવી બાળા પાણીમાં દેખાતાં દેકારો મચી ગયો હતો. તુરત જ બંનેને બહાર કાઢવાની તજવીજ થઇ હતી અને ૧૦૮ બોલાવાઇ હતી. જો કે બંને બાળાને ૧૦૮ના તબિબે નિષ્પ્રાણ જાહેર કરતાં નેપાળી દંપતિઓમાં કલ્પાંત સર્જાયો હતો.યુનિવર્સિટી પોલીસને જાણ થતાં પીએસઆઇ ડી. આર. રત્નુ સહિતના સ્ટાફે ઘટના સ્થળે પહોંચી પંચનામુ કરી બંને બાળાના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડયા હતાં. લાડકવાયી દિકરીઓના મૃત્યુથી બંને બાળાના પરિવારજનોમાં ગમગીની વ્યાપી ગઇ હતી. પરિવારજનોએ કહ્યું હતું કે આમ તો દરરોજ સ્વીમિંગ પૂલ બંધ જ હોય છે અને પાણીમાં ઉતરવા તથા બહાર નીકળવા માટેની ઝાપલી પણ બંધ હોય છે. શનિ-રવી હોઇ રેસિડેન્સીના રહેવાસીઓ પૂલમાં ન્હાવા જતાં હોઇ કદાચ ઝાપલી ભુલથી ખુલી રહી જતાં બંને દિકરીઓ રમતી રમતી ત્યાં પહોંચી ગયા બાદ પૂલમાં પડી ગઇ હોઇ શકે. અથવા તો પાઇપ પર બંને દિકરીઓ ચડી હોઇ અને બેલેન્સ ગુમાવતાં પડી ગઇ હોઇ શકે. જાણવા મળ્યા મુજબ સીસીટીવી કેમેરા બંધ હોઇ ઘટના ખરેખર કેવી રીતે બની? તે જાણી શકાયું નથી. પોલીસે વિશેષ તપાસ યથાવત રાખી છે.










