હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
પૂરવઠાના સર્વરના તા..તા..થૈયા : સવારથી બંધ : ભારે દેકારો
રાજકોટ સહિત રાજ્યભરમાં ઠપ્પ : છેલ્લા ૪ દિવસથી ધાંધીયા : લાખો ગરીબ કાર્ડ હોલ્ડરો અનાજ વિહોણા : દુકાનો ઉપર લાંબી લાઇનો : DSO - કલેકટરને વિસ્તૃત રજૂઆતો

રાજકોટ તા. ૧૭ : રાજકોટ સહિત રાજ્યભરમાં પુરવઠાનું સર્વર આજે સવારથી ડાઉન થતા સસ્તા અનાજના દુકાનદારો તથા લાખો ગરીબ કાર્ડ હોલ્ડરોમાં દેકારો બોલી ગયો છે. સૂત્રોના કહેવા મુજબ ગત શુક્રવારથી સર્વરમાં ધાંધીયા શરૂ થયા છે, ત્રણ દિવસથી ધીમુ ચાલ્યા બાદ આજે તો સવારથી સાવ બંધ થઇ ગયું છે, સસ્તા અનાજની દુકાનો ઉપર રાજકોટ ઉપરાંત રાજ્યના અનેક શહેરોમાં કાર્ડ હોલ્ડરોની લાંબી લાઇનો લાગી છે, દુકાનદારો સાથે કાર્ડ હોલ્ડરોની માથાકૂટ શરૂ થઇ છે, રાજકોટના ડીએસઓ તથા કલેકટરને રજૂઆતો થઇ છે.
દુકાનદાર એસો.ના ઉમેર્યા પ્રમાણે ડાઉન થવા માટે તહેવારોની રાહ જોતું સર્વર ફરીથી છેલ્લા ચાર દિવસથી ધાંધિયા કરી રહ્યું છે. કાળઝાળ ઉકળાટ વચ્ચે લોકો રોજે વાજબી ભાવની દુકાનના ધક્કા ખાય રહ્યા છે.
ગરીબ પરીવારને સરકાર અનાજ વિતરણ કરવા આધુનિક ઓનલાઇન બીલીંગ સિસ્ટમ દ્વારા લાભાર્થીની આધાર આધારિત ઓળખ પ્રસ્થાપીત કરીને અનાજ પહોંચાડી રહી છે ત્યારે આ સિસ્ટમમા રહેલી ખામીને કારણે વારંવાર ગરીબ લાભાર્થીઓ તથા વાજબી ભાવના દુકાનદારો ખૂબ જ યાતનાઓ ભોગવી રહ્યા છે.
મહિનામાં જેવો વિતરણનો માહોલ શરૂ થાય સર્વર તુરંત જ પોતાનુ નૃત્ય શરૂ કરી દે છે પરીણામે લોકો મજુરી મુકીને રોજે રોજ અનાજની લાઈનમા ઊભા રહેવા મજબુર બને છે.
કરોડો રૂપિયાના આંધણ પછી પણ સરકારની આ ઓનલાઇન સિસ્ટમ ક્યારેય સરખી ચાલતી નથી, વર્ષ ૨૦૧૧ બાદ બિલિંગ સિસ્ટમનુ કોમ્પ્યુટરીકરણ થયા પછી ખાસ કરીને સપ્લાયના પ્રોગ્રામને આધારના સર્વર સાથે જોડવામાં આવ્યા પછી સર્વર ડાઉનની સમસ્યા વારંવાર ઉત્પન્ન થાય છે તેના કારણે ગરીબ પેટીયુ રડતા મજૂરો પિસાતા રહ્યા છે વારંવાર રજૂઆતો છતાં પણ આ સમસ્યાનો કાયમી ઉકેલ આવતો નથી આ બાબતને ખૂબ જ ગંભીરતાથી લઈ સરકારે ભવિષ્યમાં આવી સમસ્યા પેદા ન થાય એ માટે કડક પગલાં લેવા જોઈએ જેથી ગરીબ લોકો તથા વેપારી ભાઈઓ રાહતનો દમ લઈ શકે.










