<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 17th June 2024

‘રિક્ષાગેંગ' પછી હવે ‘ઇકોગેંગ' મેદાનેઃ કારમાં લિફટ આપી ઉલ્‍ટીનું બહાનુ કરી પ્રોૈઢની રોકડ ચોરી લીધી

જીવરાજ પાર્કના રમેશભાઇ પાલા લક્ષ્મીનગર રોડ પર વિજ બીલ ભરીને પગપાળા જતાં હતાં ત્‍યારે ઇકો કારમાં લિફટ આપી રોકડ ચોરી ઉતારી મુક્‍યાઃ ત્રણ શકમંદને માલવીયાનગર પોલીસે ઉઠાવ્‍યા

રાજકોટ તા. ૧૭: શહેરમાં રિક્ષામાં મુસાફરોને બેસાડી ઉલ્‍ટી ઉબકા કરી નજર ચુકવી રોકડ, ફોન, દાગીના ચોરી લઇ પછી જે તે મુસાફરને ઉતારી મુકી ભાગી જતી અલગ અલગ રિક્ષાગેંગને પોલીસે અગાઉ પકડી હતી. હવે ટોળકી ઇકો કાર લઇને આ પ્રકારની ચોરીઓ કરતી થઇ છે. લક્ષ્મીનગર રોડ પર એક પ્રોૈઢને ઇકો કારમાં લિફટ આપ્‍યા બાદ આગળ બેઠેલા શખ્‍સે ઉલ્‍ટી ઉબકાનું નાટક કરી પ્રોૈઢના ખિસ્‍સામાંથી રોકડ ચોરી લઇ તેમને ઉતારી મુક્‍યા હતાં. પોલીસે ત્રણ શકમંદોને સકંજામાં લઇ પુછતાછ હાથ ધરી છે.

આ બનાવમાં માલવીયાનગર પોલીસે જીવરાજ પાર્ક સિતાજી ટાઉનશપી મકાન નં. ડી-૭૦૩માં રહેતાં અને  નિવૃત જીવન જીવતાં રમેશભાઇ લક્ષમણભાઇ પાલ (ઉ.વ.૫૫)ની ફરિયાદ પરથી કબુતરી કલરની ઇકો કાર જેના નંબર જીજેઆરબીએફ૧૭૭૦ના ચાલક વિરૂધ્‍ધ ગુનો નોંધ્‍યો છે.

રમેશભાઇએ જણાવ્‍યું છે કે ૧૪મીએ હું લક્ષ્મીનગર પાસે જીઇબી ઓફિસે મારુ લાઇટ બીલ ભરવા ગયો હતો. બીલ ભરીને બહાર નીકળી ચાલીને ઘર તરફ જતો હતો ત્‍યારે એક કબુતરી કલરની ઇકો કાર ઉભી રહી હતી. તેના ચાલકની બાજુમાં બેઠેલા શખ્‍સે મને ‘દાદા ચાલીને જવા કરતાં અમારી ગાડીમાં બેસી જાવ' તેમ કહેતાં હું આગળના ભાગે બેસી ગયો હતો. આ ગાડીમાં ડ્રાઇવર સહિત બીજા ત્રણ જણા બેઠા હતાં. મને આગળની સીટમાં અગાઉથી એક વ્‍યક્‍તિ બેઠો હતો તેની બાજુમાં બેસાડાયો હતો. તેમજ મારી પાછળની સીટમાં પણ એક વ્‍યક્‍તિ બેઠો હતો.

કાર થોડી આગળ ચાલતાં બાજુમાં બેઠેલા શખ્‍સે ઉલ્‍ટી ઉબકા કરવાના બહાને ધક્કા મુક્કી કરી હતી અને ઉલ્‍ટી કરવા લાગતાં ચાલકે ગાડી ઉભી રાખી દીધી હતી. પાછળ બેઠેલા શખ્‍સોએ કાકા તમે નીચે ઉતરી જાવ, આ ભાઇની તબિયત બગડી ગઇ છે તેમ કહી મને રાજનગર ચોકમાં ઉતારી દીધો હતો. ત્‍યારબાદ કાર જતી રહી હતી. મેં ચેક કરતાં મારા પેન્‍ટના પાછળના ખિસ્‍સામાં રાખેલા રૂા. ૫૭૦૦ ગાયબ હતાં. મેં ગાડીના નંબર જોતાં જીજે૧૨બીએફ-૧૭૭૦ દેખાયા હતાં. અમે જે તે દિવસે ફરિયાદ કરી નહોતી. હવે પોલીસને જાણ કરી હતી. હેડકોન્‍સ. એ. વી. ચાવડાએ ગુનો દાખલ કરાવ્‍યો હતો.

દરમિયાન પીઆઇ જે. આર. દેસાઇની રાહબરીમાં પીએસઆઇ ડી. એસ. ગજેરા, હેડકોન્‍સ. અજયભાઇ વિકમા, જયદિપસિંહ પરમાર સહિતની ટીમે રાજકોટ-વાંકાનેરના ત્રણેક શકમંદોને પુછતાછ માટે ઉઠાવી લેતાં આ સહિતના અન્‍ય ગુનાના ભેદ ખુલવાની શક્‍યતા છે.

(3:19 PM IST)