<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 18th June 2024

શહેરમાં મોકાજી સર્કલ અને યાજ્ઞિક રોડ પર બે લૂંટઃ ત્રિપુટી રિક્ષાચાલક અને ખેડૂતને લૂંટી ગઇ

પ્રજાજનોમાં અસલામતિનો માહોલ ઉભો કરતી ઘટનાઓ : મોકાજી સર્કલ પાસે બાઇક પર આવેલા ત્રણ શખ્‍સોએ રિક્ષા આડે બાઇક નાખી રિક્ષાચાલકને ઝાપટ મારી ગળે છરી રાખી જે હોય તે આપી દેવાનું કહી રોકડા ૩ હજાર અને ૩૦ હજારનો મોબાઇલ લૂંટી ગયાઃ બાદમાં યાજ્ઞિક રોડ હોમી દસ્‍તુર માર્ગ પર વાગુોદડના ખેડૂતને ધમકાવી ૧૩૫૦૦ની લૂંટઃ તાલુકા પોલીસ, એ-ડિવીઝન પોલીસ, ક્રાઇમ બ્રાંચ, એલસીબીની ટીમો કામે લાગી

રાજકોટ તા. ૧૮: શહેરમાં ગુનેગારોને પોલીસનો ડર જ રહ્યો ન હોય તે રીતે ચોર૪ લૂંટારા અને બીજા ગુનેગારો બેફામ બની પોલીસને પડકારા કરી રહ્યા છે. શહેરમાં બાઇક પર નિકળેલી ત્રિપુટીએ બે લૂંટ કરી પોલીસને પડકાર ફેંક્‍યો છે. શહેરના નાના મવા રોડ મોકાજી સર્કલ પાસે સવારના પહોરમાં એક રિક્ષાચાલકને આંતરી ઝાપટ મારી ગળે છરી રાખી બાઇક પર આવેલા ત્રણ શખ્‍સો રોકડ અને મોબાઇલ ફોનની લૂંટ કરી ભાગી જતાં સનસનાટી મચી ગઇ છે. ઘટના જાહેર થતાં તાલુકા પોલીસ અને ક્રાઇમ બ્રાંચની ટીમો તેમજ એલસીબીની ટીમ ભેદ ઉકેલવા અને લૂંટારાઓને શોધી કાઢવા કામે લાગ્‍યા છે. બીજી તરફ આ ત્રિપુટીએ ડો. યાજ્ઞિક રોડ નજીક હોમી દસ્‍તુર રોડ પર એક ખેડુતને આંતરી લૂંટ ચલાવી હતી. બંને ઘટનામાં એક જ આરોપીઓ સામેલ હોઇ પોલીસે દોડધામ આદરી છે.

બનાવની જાણવા મળેલી માહિતી મુજબ મવડી પ્‍લોટ નવલનગર પાસે ઉદયનગર-૨માં રહેતાં કેતનભાઇ રાઘવજીભાઇ ગોહેલ (ઉ.વ.૪૦) નામના યુવાન સવારે સાડા ચારેક વાગ્‍યે પોતાની રિક્ષા હંકારીને જતાં હતાં ત્‍યારે મોકાજી સર્કલ પાસે પહોંચતા અચાનક એક બાઇક તેની રિક્ષા આડે આવીને ઉભુ રહી ગયું હતું. બાઇક પર ચાલક તથા બીજા બે શખ્‍સો મળી કુલ ત્રણ જણા સવાર હતાં.

કેતનભાઇ કંઇ સમજે એ પહેલા બાઇકમાંથી ઉતરેલા બે શખ્‍સ નજીક આવ્‍યા હતાં. એક શખ્‍સે ઝાપટ મારી દીધી હતી અને જે હોય તે આપી દેવાનું કહેતાં કેતનભાઇએ આનાકાની કરતાં લૂંટારૂએ છરી કાઢી હતી અને તેના ગળા પર મુકી દેતાં સ્‍હેજ ઇજા થઇ હતી. બાદમાં લૂંટારા તેના ખિસ્‍સામાંથી રોકડા ૩ હજાર અને ૩૦ હજારની કિંમતનો મોબાઇલ ફોન લૂંટીને ભાગી ગયા હતાં.

ગભરાઇ ગયેલા કેતનભાઇએ બાદમાં પોલીસને જાણ કરતાં તાલુકા પોલીસ મથકના પીઆઇ ડી. એમ. હરિપરા, પીએસઆઇ એલ. ડી. ડીડોર, જયદિપભાઇ દેવમુરારી સહિતના સ્‍ટાફે કાર્યવાહી હાથ ધરી હતી. ડી. સ્‍ટાફની ટીમે તુરંત ઘટના સ્‍થળે જઇ તપાસ કરી હતી. ઘટના સાચી હોઇ આ મામલે કેતનભાઇ ગોહેલની ફરિયાદ પરથી ત્રણ અજાણ્‍યા સામે લૂંટનો ગુનો નોંધ્‍યો હતો. તાલુકા પોલીસ, ક્રાઇમ બ્રાંચ અને એલસબીની ટીમો કામે લાગી હતી. પોલીસે સીસીટીવી કેમેરાના ફૂટેજ મેળવવા અને આ પ્રકારના ગુના આચરવાની ટેવ ધરાવતાં શખ્‍સોને શોધી કાઢવા દોડધામ કરી હતી. સવારના પહોરમાં બનેલી આ ઘટનાથી પ્રજાજનોમાં અસલામતીનો મોહોલ ખડો થયો હોવાનું જણાય છે.

બીજી ઘટનામાં વાગુદડ રહેતાં ખેડુત માનસીંગભાઇ કાળુભાઇ ઘોડ (ઉ.વ.૫૫) સવારે બાઇક લઇ તેના પત્‍નિને રાજકોટ દાખલ કર્યા હોઇ તેની ખબર કાઢવા આવતાં હોઇ તેમને બાઇક પર આવેલા ત્રણ શખ્‍સોએ આંતરી રોકડા અને મોબાઇલ મળી રૂા. ૧૩૫૦૦ની મત્તા લૂંટી ગયા છે. આ મામલે એ-ડિવીઝન પોલીસે તપાસ હાથ ધરી છે.

(3:32 PM IST)