તા. ૧૮ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૯ બુધવાર
News of Wednesday, 19th June 2024
રીબડા ૬૬ કે.વી. સબ સ્ટેશન એકાદ વર્ષથી કમ્પલીટ હોવા છતા ચાલુ કરવામાં કોની રાહ? : ઉદ્યોગકારો હેરાન પરેશાન
પારડી ડીવીઝન હેઠળ ૧૪ ગામ આવે : ૪૦૦ કારખાના અને ઉદ્યોગોને સ્પર્શતો પ્રશ્ન : જેટકો ધ્યાન આપશે?

રાજકોટ તા. ૧૯ : રીબડા ૬૬ કે.વી. સબસ્ટેશન સંપૂર્ણ તૈયાર થઇ ગયાને એકાદ વર્ષ જેવો સમય વીતી ગયો છે. છતાય ચાલુ કરવામાં વીજ તંત્ર ઘોર બેદરકારી સેવી રહ્યાનો આક્રોશ રીબડા ઇન્ડસ્ટ્રીયલ એસોસીએશનના આગેવાનોએ ઠાલવ્યો છે.
‘અકિલા' ખાતે વિગતો વર્ણવતા એસોસીએશનના આગેવાનોએ જણાવ્યુ હતુ કે ગત તા. ૬-૧૦-૨૦૨૨ ના આ સબસ્ટેશનનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યુ હતુ. આ કામ પૂર્ણ થઇ ગયાને પણ એકાદ વર્ષ વીતી ગયુ છે. તમામ ઇન્ફ્રાસ્ટ્રકચર કમ્પલીટ છે. આમ સંપૂર્ણ તૈયાર હોવા છતા રીબડા ૬૬ કે.વી.નું સબસ્ટેશન ચાલુ કરવામાં તંત્ર શા માટે બેદરકારી સેવી રહ્યુ છે તે સમજાતુ નથી.
જેટકોના અધિકારીઓની અણઆવડત સ્પષ્ટ થઇ રહી છે. જેના કારણે અનેક કારખાનેદારો ઉદ્યોગકારો ત્રાહીમામ પોકારી ગયા છે. અવાર નવાર ટ્રીપીંગ અને લો-હાઇ વોલ્ટેજનો પ્રશ્ન, અવાર નવાર પાવર કટ થઇ જવાનો પ્રશ્ન તેમજ નવા એચ.ટી. કનેકશનમાં અને લોડ વધારામાં ખુબ વિલંબ થઇ રહ્યો છે. અંદાજીત ૪૦૦ ઇન્ડસ્ટ્રીઝને સ્પર્શતો આ પ્રશ્ન છે.
જયારે પાવર જાય ત્યારે સપ્લાય ચાલુ કરતા ૪ થી પ કલાકનો સમય લાગી જાય છે. જેના કારણે કારખાનાઓમાં ચાલુ કામો ખોરંભે ચડી જાય છે. ખાસ કરીને ભઠ્ઠી ચાલતી હોય તેમની ભઠ્ઠી ઠરી જવાથી મોટી નુકશાની ભોગવવી પડે છે. એક અંદાજ મુજબ વીજ ફોલ્ટના કારણે એચ.ટી. કનેકશનવાળાને મહીને એકાદ લાખનું અને નાના યુનિટોને ૨૦ થી ૨૫ હજારનું નુકાશન ભોગવવુ પડે છે.
પારડી ડીવીઝન હેઠળ ૧૪ ગામો આવે છે. ત્યારે મોટા એરીયાને સ્પર્શતા આ પ્રશ્ને જેટકોના અધિકારીઓ વહેલી તકે ઘટતુ કરે અને સંપૂર્ણ તૈયાર થઇ ગયેલ રીબડા ૬૬ કે.વી. સબસ્ટેશનને વહેલામાં વહેલી તકે કાર્યરત કરે તેવી રીબડા ઇન્ડસ્ટ્રીયલ એસો.ના કારખાનેદારોએ માંગણી ઉઠાવી છે. આ બાબતે અનેક વખત રજુઆતો થઇ ચુકી હોવા છતા બહેરા તંત્રના કાને કઇ અથડાતુ નથી.
તસ્વીરમાં ‘અકિલા' ખાતે વિગતો વર્ણવતા રીબડા ઇન્ડ. એસો.ના પ્રમુખ અનિરૂધ્ધસિંહ જાડેજા તેમજ મનસુખભાઇ નરોડીયા (મો.૯૯૨૫૪ ૪૭૬૪૭), ધર્મેશભાઇ પટેલ (મો.૯૪૨૬૩ ૭૭૪૦૮), મિલનભાઇ સારણીયા, અનુપભાઇ પટેલ, હરેશભાઇ કાલરીયા, પ્રવિણભાઇ મારસોણીયા, દિવ્યેશભાઇ પરસાણીયા, રમેશભાઇ કાવઠીયા, ભાવેશભાઇ ગજેરા, અમિતભાઇ ભુવા, કૌશલભાઇ ગામી નજરે પડે છે. (તસ્વીર : સંદીપ બગથરીયા)
(11:32 AM IST)










