તા. ૩૦ ડિસેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૨ પોષ સુદ – ૧૦ મંગળવાર
News of Wednesday, 19th June 2024
તદ્દન ખોટા અને પાયાવિહોણા આરોપ છેઃ જીતેન્દ્ર કાછડીયા
પાર્કિંગ માફિયાઓ વિરૂદ્ધ અમે કરેલી ફરિયાદને દબાવવા આવા ખોટા આરોપ કરીને અમારી પ્રતિષ્ઠા ખરાબ કરવાની કોશિષ કરે છેઃ જીતેન્દ્ર કાછડીયા : ભૂતકાળમાં મેં આવા અનેક ગેરકાયદે કામો બાબતે ફરિયાદ કરી છે, જેને લઈને આવી ફરિયાદો કરીને અમને પ્રેશર આપે છે, જેથી એમના ગેરકાયદે કામોને અમે આંખ આડા કાન કરીએઃ પાર્કિંગ માફિયાઓના ગેરકાયદે ધંધા બંધ થઇ જવાની બીકે ફરિયાદ કરેલ છેઃ વિપુલભાઈ સુહાગીયા

રાજકોટ તા.૧૯: ગઈકાલે ACB માં અરજી સંદર્ભે ‘આપ'ના કોર્પોરેટર જીતેન્દ્રભાઈ કાછડીયાએ જણાવ્યું હતું કે, અમે ભૂતકાળમાં પાર્કિંગના ગેરકાયદે ઉઘરાણા બાબતે જે તે સમયે પાલિકા કમિશ્નરને પાર્કિંગ માફિયાઓ વિરુદ્ધ લેખિતમાં રજૂઆત કરેલી હતી. જે બાબતનો ખાર કાઢીને અમારી ઉપર ખોટી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. ફરિયાદમાં કોઈ તથ્ય નથી. ફક્ત અમારી ઉપર પ્રેશર બનાવવા આવા તૂત કરી રહ્યાંનું જાણ થાય છે.જીતેન્દ્રભાઈ કાછડીયાએ વધુમાં જણાવ્યું હતું કે, અમે આ ફરિયાદ સંદર્ભે અમારી લીગલ ટીમ જોડે વિમર્શ કરીને આગળની કાર્યવાહી કરીશું.ᅠ
આ બાબતે કોર્પોરેટર વિપુલભાઈ સુહાગીયાએ જણાવ્યું હતું કે, મેં ભૂતકાળમાં અનેકવાર પાર્કિંગ માફિયાઓના ભ્રષ્ટાચાર ખુલ્લા પાડ્યા છે. અનેક ગેરકાયદે કામો થતાં અટકાવ્યા છે. આ લોકોના ગેરકાયદે ધંધા બંધ ના થઇ જાય એ માટે અમારી પર લગામ રાખવા આવા ખોટા આક્ષેપો કરે છે. ફરિયાદમાં કોઈ તથ્ય નથી. અમે ખોટાનો વિરોધ કરતા આવેલા અને હજુ કરીશું. કોઈ ગમે એટલી ફરિયાદ કરે, પણ અમે ગેરકાયદે કામો ચલાવી નહીં જ લઈએ તેવું સ્પષ્ટ શબ્દોમાં વિપુલભાઈ સુહાગીયાએ જણાવ્યું હતું.
વિપુલભાઈ સુહાગીયાએ વધુમાં જણાવ્યું હતું કે, આજથી લગભગ ૮-૧૦ મહિના પહેલા જ બોમ્બે માર્કેટ પાસે પાર્કિંગ માફિયાઓ દ્વારા ગેરકાયદે ઉઘરાણા કરાતા હોવાની જાણ થતાં તેઓને રંગેહાથ ઝડપી પાડ્યા હતાં, જે બાબતની ફરિયાદ પણ વરાછા પો. સ્ટેશનમાં કરવામાં આવેલ હતી. ત્યાર બાદ વરાછા મલ્ટીલેવલ પાર્કિંગ હોય કે, રંગઉપવન નું પાર્કિંગ હોય., આમ આદમી પાર્ટી આવા પાર્કિંગ માફિયાઓને ખુલ્લા પડવાનું કામ કરી રહી છે. જે સબબ અમોને એમના ગેરકાયદે કામો અટકાવવા બદલ આવી અરજીઓ કરીને અમારી પ્રતિષ્ઠાને લાંછન લગાવવાનું કામ કરી રહ્યાં છે., અમને જુકાવવાની કોશિષ કરી રહ્યાં છે પરંતુ અમે હરહાલમાં આવા પાર્કિંગ માફિયાઓ સમક્ષ જુકીશું નહીં.
(2:26 PM IST)










