તા. ૧૮ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૯ બુધવાર
News of Wednesday, 19th June 2024
પીડીએમ કોલેજ પાસે માલગાડી વ્હીસલ વગાડતી હતી ત્યારે ફાટક ખુલ્લુ હતું: ગંભીર દુર્ઘટના અટકીઃ ફાટકમેન થયો સસ્પેન્ડ

રાજકોટઃ શહેરના ગોંડલ રોડ પીડીએમ કોલેજ નજીકના રેલ્વે ફાટક પાસે ગત રાતે માલગાડી આવી રહી હતી ત્યારે ફાટક ખુલ્લુ રહી જતાં વાહનચાલકોના શ્વાસ અધ્ધર થઇ ગયા હતાં. એક તરફ માલગાડીની વ્હીસલ સંભળાઇ રહી હતી ત્યારે બીજી તરફ ફાટક ખુલ્લુ હોઇ જાગૃત વાહનચાલકો ઉભા રહી ગયા હતાં. ગેઇટ મેનની રૂમમાં લોકો તપાસ કરવા જતાં તે ઉંઘી રહ્યાનું જણાતાં તેને જગાડવામાં આવ્યા હતાં. બીજી તરફ સિગ્નલ મળ્યું ન હોઇ ટ્રેન દૂર ઉભી રહી ગઇ હતી. બાદમાં ગેઇટ મેને ફાટક બંધ કરાવતાં માલગાડીપસાર થઇ હતી. આ બનાવનો વિડીયો લોકોએ મોબાઇલ ફોનથી બનાવી લીધો હતો. ગવરીદળના જીજ્ઞેશ પ્રજાપતિએ વિડીયો મોકલી જણાવ્યું હતું કે લોકોની જાગૃકતાને કારણે દૂર્ઘટના અટકી હતી. પ્રથમ તસ્વીરમાં ખુલ્લુ ફાટક અને આવી રહેલી માલગાડીની લાઇટ (રાઉન્ડ કર્યુ છે તે) તથા ત્રીજી તસ્વીરમાં મોડેથી ફાટક બંધ કરી રહેલા કર્મચારી જોઇ શકાય છે. વિડીયો સોશિયલ મિડીયામાં વાયરલ થયો હતો. દરમિયાન સુમિતકુમાર નામના ફાટકમેનને રેલ્વે તંત્ર દ્વારા તુરત જ સસ્પેન્ડ કરી દેવાયેલ છે અને ઇન્કવાયરી બાદ આગળની કાર્યવાહી થશે.
(2:40 PM IST)










