તા. ૧૮ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૯ બુધવાર
News of Wednesday, 19th June 2024
અડધી કલાકમાં ત્રણ ત્રણ લૂંટની ઘટનામાં પોલીસને સફળતાઃ એક શકમંદ સકંજામાં
ક્રાઇમ બ્રાંચ, એલસીબી ઝોન-૨, તાલુકા, એ-ડિવીઝન પોલીસની ટીમો કામે લાગતાં એક હાથમાં આવી ગયોઃ વેપારી, ખેડુત અને રિક્ષાચાલકને છરી બતાવી, છરકા કરી ગઇકાલે સવારે લૂંટી લીધા હતાં

રાજકોટ તા. ૧૯: શહેર પોલીસને પડકાર ફેંકતી લૂંટની ત્રણ ઘટનાઓ ગઇકાલે વહેલી સવારે એક જ કલાકના ગાળામાં બની હતી. બાઇક પર આવેલા ત્રણ લૂંટારૂઓએ એક વેપારી સહિત ત્રણ વ્યક્તિને આંતરી છરી બતાવી, છરકા કરી મોબાઇલ, રોકડની લૂંટ ચલાવી હતી. લૂંટારૂ ત્રિપુટીએ ઝડપી લેવા ક્રાઇમ બ્રાંચ, એલસીબી ઝોન-૨, એ-ડિવીઝન, તાલુકા પોલીસ અને માલવીયાનગર પોલીસની ટીમો કામે લાગી હતી. દરમિયાન ત્રણ પૈકીના એક શકમંદ લૂંટારૂને દબોચી લેવામાં સફળતા મળી છે, અન્ય બે પણ પકડાઇ જવાની આશા છે.
ન્યુ માયાણીનગરમાં રહેતા ઓટો સ્પેરપાર્ટસનો ધંધો કરતા કાનજીભાઇ વલ્લભભાઇ ઠુમ્મર (ઉ.વ.૫૯) ગઇકાલે સવારે ૪.૪૫ વાગ્યે બાઇક લઇ બસ પોર્ટ તરફ જતાં હતાં ત્યારે આનંદ બંગલા ચોકથી મવડી બ્રીજ તરફ જતાં બાઇક પર ત્રણ સવારીમાં આવેલા શખ્સોએ ટાઇમ શું થયો છે? તેમ પુછી છરી કાઢી લઇ છરી બતાવી ધમકી આપી તેના પેન્ટના ખિસ્સામાંથી ધંધાના રહેલા રૂ.૧૦ હજારની રોકડ લૂંટી લીધી હતી. આ અંગે માલવિયાનગર પોલીસમાં ગુનો નોંધાયો હતો.
બીજો બનાવ ડો. યાજ્ઞિક રોડ પરના હોમી દસ્તુર માર્ગ પર બન્યો હતો. જેમાં વાગુદડના ખેડુત મુળ મહીસાગરના માનસીંગભાઇ કાળુભાઇ ધોડ (ઉ.વ.૫૫)ને આંતરી છરી બતાવી પેટ પર છરીના છરકા કરી રૂ.૧૫૦૦ની રોકડ અને સોનાની કડી ભરેલ પાકીટની લૂંટ ચલાવી હતી. ત્રીજી ઘટનામાં ઉદયનગરમાં રહેતા રિક્ષાચાલક કેતનભાઇ રાઘવજીભાઇ ગોહેલ (ઉ.૪૦) સવારે સાડા ચારેક વાગ્યાની આસપાસ તેની રિક્ષા લઇને ૧૫૦ ફૂટ રિંગ રોડ પરથી નાનામવા રોડ પર આવતા શાસ્ત્રીનગર પાસે અજાણ્યા ટ્રિપલ બાઇકસવાર પાછળ આવતા હોય તેને પાસે આવી બાઇકના ચાલકે કહેલ કે, અમારામાંથી એક માણસને આગળના ચોક સુધી લેતો જા. જેથી તેને મોડું થતું હોવાનું જણાવતા આગળ આવી તેને આંતરી તેને નીચે ઉતારી આગળના ચોક સુધી માણસને બેસાડવાનું કહેતા તું કેમ નહીં લઇ ગયો કહી ફડાકા મારવા લાગ્યો અને એક શખ્સે ગળા પર છરી રાખી તારી પાસે પૈસા અને વસ્તુ હોય તે આપી દે કહી તેના ખિસ્સામાંથી રૂ.૩ હજારની રોકડ ભરેલું પાકીટ અને મોબાઇલ આંચકી લઇ નાશી જતાં તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.
ત્રણેય લૂંટની ઘટનામાં એક જ ત્રિપુટી સામેલ હોવાની વિગતો સામે આવતાં તપાસનો ધમધમાટ શરૂ થયો હતો. દરમિયાન ક્રાઇમ બ્રાંચની ટુકડીએ એક શકમંદને ઉઠાવી લીધો છે. બીજા બે પણ ઝડપાઇ જવાની આશા છે. આ લૂંટારૂ રાજકોટના જ હોવાની વિગતો ખુલી રહી છે.
(3:08 PM IST)










