<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 19th June 2024

ગેમ ઝોન અગ્નિકાંડઃ સાગઠીયાના ૭ દિવસના રિમાન્ડઃ ટીપી શાખાના એકવીસ કર્મચારીઓની પણ પુછપરછ

 

રાજકોટ તા.૧૯:  ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડ પ્રકરણમા બોગસ મિનીટ્સ બૂક ઉભી કરવાના ગુનામાં જેલમાંથી સસ્પેન્ડેડ ટીપીઓ મનસુખ ડી. સાગઠીયાનો કબ્જો મેળવી કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ માંગવામાં આવતાં છ દિવસના રિમાન્ડ મંજુર થતાં વિશેષ તપાસ હાથ ધરવામાં આવી છે. ટીપી શાખાના અન્ય એકવીસ જેટલા કર્મચારીઓની પણ પુછપરછ કરવામાં આવશે.

રાજકોટ સિટની તપાસમાં એક પછી ચોંકાવનારી હકીકતો સામે આવી છે. આસિસ્ટન્ટ ટીપીઓ અને આસી.એન્જિનિયરની રિમાન્ડ દરમિયાન ઇમ્પેકટ ફીને લગતું રજીસ્ટર સાગઠીયા અને જોશીએ સળગાવવાની સૂચના આપ્યાની કબૂલાત આપી હતી. સાગઠીયાનો જેલમાંથી કબજો મેળવી આ બારામાં પણ પુછતાછ થઇ રહી છે. અગ્નિકાંડને પગલે સાપરાધ મનુષ્ય વધ સહિતની કલમો હેઠળ નોંધાયેલા ગુનામાં ગેમ ઝોનના સંચાલકો, ભાગીદારો, મ્યુ. કોર્પોરેશનના અધિકારીઓ મળી બારની ધરપકડ કરી જેલહવાલે કરાયા હતાં. ટી. પી. સાગઠીયા વિરૂધ્ધ અલગથી બોગસ મિનીટ્સ બૂક ઉભો કરવાનો ગુનો નોંધાયો હોઇ તેની ફરી વાર આ ગુનામાં ધરપકડ કરી છ દિવસના રિમાન્ડ મેળવાયા છે.

આરોપી સાગઠીયાએ અગ્નિકાંડના ત્રીજા દિવસે એટલે કે ૨૭.૫.૨૦૨૪ના રોજ ગર્ભિત ધમકી સાથેની કડક સૂચના આપી પોલીસ તપાસને ગેરમાર્ગે દોરવા મિનિટ્સ બુકની ખોટી માહિતી દર્શાવી હોવાનું સામે આવ્યું હતું. જેને લઇ રાજકોટ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા આઇપીસી કલમ ૪૬૫, ૪૬૬, ૪૭૧, ૪૭૪ મુજબ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. પોલીસે સાગઠીયાની જેલમાંથી કબ્જો મેળવી ધરપકડ કરી ૭ દિવસના રિમાન્ડની માંગ સાથે કોર્ટમાં રજૂ કરવામાં આવતા કોર્ટ દ્વારા આરોપીના ૬ દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે.

રાજકોટ ક્રાઇમ બ્રાન્ચના ભ્લ્ત્ ડી.સી. સાકરીયાએ ગત ૮.૬.૨૦૨૪ના રોજ નોંધાવેલ ફરિયાદમાં જણાવ્યું હતું કે, રાજકોટ ટીઆરપી ગેમઝોનમાં થયેલ અગ્નિકાંડના આરોપી મનસુખ ધનજીભાઈ સાગઠીયા (ઉ.વ.૫૫)ની પૂછપરછ દરમિયાન તેઓએ ટીપીઓ એટલે કે પોતાના અધ્યક્ષ સ્થાને યોજાયેલ વિવિધ મીટીંગોની મિનિટ્સ નોંધ પુરાવા તરીકે પોતાના બચાવ અર્થે રજૂ કરી હતી. આ ફાઇલ તેઓએ રજૂ કરતા તા. ૩.૬.૨૦૨૪ના રોજ સરકારી પંચોની હાજરીમાં કબ્જે કરવામાં આવેલ હતી. ફાઇલમાં રાજકોટ મહાનગર પાલીકા ટાઉન પ્લાનીંગ શાખાના લેટર હેડ હેઠળ ટાઉન પ્લાનીંગ ઓફીસરના અધ્યક્ષ સ્થાન શાખાની કામગીરી અંતર્ગત અલગ-અલગ તારીખે યોજાયેલ મીટીંગની કાર્યવાહી નોંધ હતી.

જેમા એટીપી તથા સર્વેયર તથા અન્ય કર્મચારીઓની સહીઓ હતી. જે મિનિટ્સ નોટ પરની સહીઓની પેટર્ન ઉપરથી આ તમામ કાર્યવાહી નોંધ તેમાં જણાવેલ તારીખના દિવસે નહી પરંતુ, તે સિવાયના અન્ય કોઇ દિવસે એક જ સાથે સહી કરી પોલીસને ગેરમાર્ગે દોરવા ઊભી કરી હોવાનું પ્રાથમિક દ્રષ્ટીએ જણાયું હતું. નકલી મિનિટ્સ બુકમાં સહી કરનાર ટીપી શાખાના એકવીસ જેટલા કર્મચારીની પણ રાજકોટ સિટની ટીમ પુછપરછ કરી નિવેદન નોંધશે.

આ કેસના સ્પે.પી.પી. તુષાર ગોકાણી અને એડવોકેટ સુરેશ ફળદુએ રિમાન્ડની માંગના કારણો રજૂ કરતા કહ્યું હતું કે, મનસુખ સાગઠિયા કાયદાનો જાણકાર હોવાથી પોલીસને તપાસમાં સહકાર આપી રહ્યો નથી. અગાઉ કોઇ મિનિટ્સ બુક બની નહોતી છતાં આ વખતે બનાવવામાં આવી હતી. મિનિટ્સ બુક બનાવવાનું કોણે કહ્યું હતું? સહિતના મુદ્દે તપાસ આવશ્યક છે. કોર્ટે છ દિવસના રિમાન્ડ મંજૂર કરી આરોપી સાગઠિયાને પોલીસ હવાલે કરતાં પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા, જેસીપી મહેન્દ્ર બગડીયા, ડીસીપી ક્રાઇમ ડો. પાર્થરાજસિંહ ગોહિલ, એસીપી બી. બી. બસીયા, પીએસઆઇ અનિરૂધ્ધસિંહ પરમાર અને ટીમ વધુ તપાસ કરે છે

(4:01 PM IST)