તા. ૧૮ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૯ બુધવાર
News of Wednesday, 19th June 2024
પહેલા પૈસાદારના દબાણો હટાવોઃ પછી અમારા કાચા મકાનો પાડો
કોઠારીયાના સેંકડો લોકોનું ટોળુ કલેકટર કચેરીએ ધસી આવ્યું : ઉગ્ર સુત્રોચ્ચાર સાથે રજુઆત : રપ થી ૩૦ વર્ષથી રહીએ છીએ કલેકટરને આવેદનઃ કોંગ્રેસની આગેવાનીઃ તાલુકા મામલતદારે ૮૯ દબાણકારોમાંથી ૩૦ ને નોટીસ ફટકારીઃ ર૦મીએ ડીમોલીશન

કોઠારીયા સર્વે નં. ૩પરના સરકારી ખરાબામાં કાચા-મકાનો-ઝુંપડા બાંધી વર્ષોથી રહેતા લોકોને દબાણ હટાવ અંગેની નોટીસો આવતા ટોળુ કલેકટર કચેરીએ દોડી આવેલ તે નજરે પડે છેે.
રાજકોટ, તા., ૧૯: કોઠારીયા સરકારી ખરાબા સર્વે નં. ૩૫૨ માં રહેતા સેંકડો લોકોએ આજે કોંગ્રેસના આગેવાનો સાથે કલેકટર કચેરીએ દેખાવો યોજી તાલુકા મામલતદાર દ્વારા ડીમોલીશન અંગે મળેલ નોટીસ સામે દેખાવો યોજી-સુત્રોચ્ચાર કરી કલેકટરને આવેદન પાઠવી કોઠારીયા સરકારી ખરાબામાં ઘર વિહોણા લોકો રહેણાંક માટે કાચા મકાનોમાં રહે છે તે મકાનો ડીમોલીશન ન કરવા માંગણી કરી હતી. તાલુકા મામલતદાર દ્વારા કુલ ૮૯માંથી ૩૦ લોકોને કલમ ર૦ર હેઠળ નોટીસો આપી દબાણ દુર કરવા અન્યથા ર૦મીએ દબાણો હટાવી દેવાશે તેવું ઉમેર્યુ છે.
આવેદનમાં ઉમેર્યુ હતું કે, કોઠારિયા ગામના સ.ન. ૩પર પૈકી માં ગ્રામ્ય વિસ્તારમાંથી રોજીરોટી અને ઘરના પરિવારના ભારણ પોષણમાં આવી ખરાબામાં કાચા મકાનો બનાવી રહેતા લોકોના કાચા મકાનો પાડવા સંદર્ભ વાળા પત્ર થી નોટીસ આજથી દિન ૧૦માં મકાનો પાડી કબજો ખાલી કરી આપવા જણાવેલ છે. કોઠારિયાના જીલ્લા નિરીક્ષક જમીન દફતર અને સીટી સર્વે કચેરી રાજકોટ દ્વારા આખા સર્વે ન. ૩૫૨ ની માપની કરવામાં આવે અને તેમાં જે કોઈ દબાણો વગદાર અને પૈસાદાર લોકો દ્વારા કરવામાં આવેલ છે તે લોકોને નોટીસ આપી અને તે દબાણો દુર કરો પછી જ અમોને દબાણ ખાલી કરવાનું કહેવામાં આવે અને તે દબાણો તો અમો સ્વેચ્છાએ ખાલી કરી આપીશું.
કેટલાક રાજકીય વગદારો દ્વારા સરકારી ખરાબો ૩૫૨ પૈકીમાં સૂચિત જગ્યા વેચી મકાનો ઉભા છે તે તમામ પહેલા દુર કરવો.
કેટલાય વોર્ડ એવા છે કે જ્યાં સરકારી જમીનનો ઉપર હજારો મકાનો ઊભા છે તે તંત્રના ધ્યાનમાં કેમ નથી આવ્યા કે આ મકાનો ભ્રષ્ટાચાર કરીને ઉભા કરવા દેવામાં આવ્યા છે. તંત્ર ના કયા અધિકારીઓ વખતે આ બાંધકામો થયા છે. તે તમામ ઉપર આપ દ્વારા ફરિયાદો દાખલ કરાવી તમામને જેલમાં પુરવામાં આવે તેવી કાર્યવાહી કરવા અમારી આપને વિનંતી છે.
અમો, તમામ લોકો આર્થિક પછાત વર્ગના છીએ સરકારીને કાયદાકીય જોગવાઈઓ મુજબ અમોને ઘરવિહોણા લોકોને સો વાર જગ્યા મફતમાં આપી ભારતીય બંધારણની જોગવાઈ મુજબ રોટી-કપડા-મકાનના હકો આપવામાં આવે તેવી વિનંતી છે.
અમો ઘણા પ્રેસ મીડિયામાં વાંચીએ છીએ રાજકોટના વોર્ડ નંબર નવમાં પણ ઘણા રાજકીય આગેવાનો દ્વારા આર.સી.સી બિલ્ડીંગો બાંધી ભાડે અથવા તે વહેંચવામાં આવે છે. પહેલા આવા રાજકીય વગદારો લોકોને નોટિસ આપી જગ્યા ખાલી કરાવો પછી અમો સ્વેચ્છાએ જગ્યા ખાલી કરવા તૈયાર છીએ.
આપ હુકમ મુજબ કાયદો ફકત ગરીબ લોકોને લાગુ પડે છે વગદાર પૈસાદાર લોકોને નહીં આવું કેમ ? સમગ્ર રાજકોટ શહેરમાં જ્યાં જ્યાં નવા કે જુના દબાણો છે તે પહેલા દૂર કરાવો પછી અમારા જેવા ઘરવિહોણા પછાત વર્ગના લોકોને દૂર કરાવો તેવી વિનંતી છે. જરૂર પડીએ અમો તંત્રનું ધ્યાન દોરશું કે આ લોકા ખરાબામાં છે તે પાડો તે અમો તમને જણાવીશું કે તંત્રને ખબર છે કેટલા મકાનો-બિલ્ડીંગો-કારખાના મિલીભગતથી ઊભા છે જો આ દૂર ન થાય તો અમોને હાઇકોર્ટમાં ન્યાય મેળવવો પડશે.
અત્રે એ નોંધનીય છે કે રજુઆત કરનારાઓ રપ થી ૩૦ વર્ષથી રહે છે. તંત્રે હવે નોટીસો ફટકારી છે. રજુઆતમાં કોંગ્રેસના આગેવાનો જસવંતસિંહ ભટ્ટી, રણજીત મુંધવા, દીપ્તીબેન સોલંકી, કોઠારીયાના ભાઇઓ-બહેનો વિગેરે દોડી આવ્યા હતા.
(4:01 PM IST)










