<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 19th June 2024

ટાઉન પ્લાનીંગ વિભાગમાં સપાટોઃ વિવિધ ૩૫ ઇજનેરોની અરસપરસ બદલી

આસીસ્ટન્ટ ટાઉન પ્લાનીંગ, વર્ક આસીસ્ટન્ટ સહિતના અધિકારીઓની ટાઉનપ્લાનીંગ, બાંધકામ અને વોટરવર્કસ વિભાગમાં જવાબદારી ફેર બદલઃ નવા આસી.ટાઉન પ્લાનરના વોર્ડ હવે નકકી થશે

રાજકોટ તા.૧૯: રાજકોટમાં બનેલા TRP ગેમ ઝોનના અગ્નિકાંડ બાદ મનપામાં મોટાપાયે આંતરિક બદલીઓ કરવામાં આવી છે. જેમાં મ્યુ. કમિશનર દેવાંગ દેસાઈ ટાઉન પ્લાનિંગ, વોટરવર્કસ અને બાંધકામ સહિતના વિભાગોના કુલ ૩૫ કર્મચારીઓને અરસપરસ, શાખાઓમાં ફેરફારનો જવાબદારી હુકમ કર્યો હતો. ગઇકાલે બદલી કરાયેલ આસી.ટાઉનપ્લાનર વર્ક આસી.ના વોર્ડ હવે નકકી થશે.

ગઇકાલે કરાયેલ બદલીમાં ટાઉન પ્લાનિંગ વિભાગના ૧૨ કર્મચારીઓ, બાંધકામ વિભાગના ૧૩ કર્મચારીઓ, અને વોટર વર્કસના ૭ કર્મચારીઓ તેમજ સોલિડ વેસ્ટ વિભાગના કર્મચારીઓનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે.

પ્રાપ્ત વિગત મુજબ TRP અગ્નિકાંડ ઇફેકટના કારણે નવનિયુકત મ્યુનિસિપલ કમિશનર દેવાંગ દેસાઈ દ્વારા સામુહિક બદલીનાં ઓર્ડરો કરવામાં આવ્યા છે.

મનપામાં લાંબા સમયથી તમામ શાખાઓમાં સામુહિક બદલીઓ થઈ નહોતી. જેને લઈને અનેક અધિકારીઓ, ઇજનેરો અને કર્મચારીઓ ત્રણ વર્ષ કે તેથી વધુ સમયથી એક જ બ્રાન્ચમાં, એક જ પોસ્ટ ઉપર કે એક જ ટેબલ પર ફરજ બજાવી રહ્યા હતા. ત્યારે વહીવટી સરળતાના હેતુથી આવા કર્મચારીઓની બદલી કરીને મોટાપાયે સાફસૂફી કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. આ બદલીઓ માટે છેલ્લા એકાદ સપ્તાહથી મ્યુ. કમિશનર દ્વારા તૈયારીઓ કરવામાં આવી રહી હતી. અને ગઇકાલેે ઓર્ડર જાહેર કરી દેવામાં આવ્યો છે.

અત્રે નોંધનીય છે કે, TRP ગેમઝોન અગ્નિકાંડમાં સૌથી વધુ ટીપી શાખાની ભૂમિકા સામે આવી હતી. તેમજ ટાઉન પ્લાનિંગ અધિકારી એમ.ડી સાગઠીયા સહિત પાંચ કર્મચારીઓની ધરપકડ કરવામાં આવી હતી. આ પૈકીના મોટાભાગના કર્મચારીઓ ઘણા વર્ષોથી એક જ સ્થળે ફરજ બજાવતા હોવાનું પણ સામે આવ્યું હતું. ત્યારે આજે મ્યુ. કમિશનર દેવાંગ દેસાઈએ આ વિભાગના ૧૨ અને બાંધકામ વિભાગના ૧૩ સહિત કુલ ૩૫ જેટલા કર્મચારીઓની અરસપરસ બદલી કરીને ભ્રષ્ટાચાર ઉપર અંકુશ મુકવાનો પ્રયાસ કર્યો છે.

(4:25 PM IST)