News of Wednesday, 19th June 2024
પરીક્ષા નિયામક પદેથી નિલેશ સોની સેવા નિવૃત્ત : ગ્રંથપાલના ચાર્જ સાથે નિયામક પદનો પણ વધારાનો કાર્યભાર સોંપાયો

રાજકોટ તા. ૧૯ : સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં હવે કુલપતિ, કુલસચિવ બાદ હવે પરીક્ષા નિયામક પણ કાર્યકારી થયા છે. ૧૬ જૂને વયમર્યાદાને કારણે નિવૃત્ત થયેલા પરીક્ષા નિયામક નિલેશભાઇ સોની ને વધારાનો પરીક્ષા નિયામકનો કાર્યભાર સત્રાંત અન્વયે આપવામાં આવ્યો છે.
જાણવા મળતી વિગતો મુજબ છેલ્લા કેટલાક સમયથી સુપર વીસી તરીકે જાણીતા કાયમી પરીક્ષા નિયામક નિલેશભાઇ સોની ૧૬ જુને નિવૃત્ત થયા છે. મુળ ગ્રંથપાલ તરીકે જોડાયેલા નિલેશભાઇ સોની તેમની આગવી કાર્યદક્ષતાને કારણે પરીક્ષા નિયામક સુધી કાર્ય કરેલ પરંતુ પગાર ધોરણ અને અન્ય ભથ્થામાં વળતર ઓછુ મળતું હોય ૧૬ તારીખે નિવૃત્ત થનાર પરીક્ષા નિયામક નિલેશભાઇ સોનીએ ગ્રંથપાલનો ચાર્જ સંભાળી લીધો અને તે જ દિવસે સાંજે પરીક્ષા નિયામકનો વધારાનો કાર્યભાર પણ સોંપવામાં આવ્યો છે.
ઉચ્ચ શિક્ષણમાં નિવૃત્ત થતાં કર્મચારીઓને સત્રાંતનો લાભ મળતો હોય છે. પરીક્ષા નિયામક પદે શ્રી નિલેશભાઇ સોની હવે ૩૧ ઓકટોબર સુધી કાર્યભાર સંભાળશે. પરીક્ષા નિયામક પદે નિલેશભાઇ સોનીએ અનેક સિધ્ધી મેળવી છે. ઓછા સ્ટાફમાં વધુ કામ લેવાની કુનેહ શ્રી નિલેશભાઇ સોની ધરાવે છે.
(4:24 PM IST)










