તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 20th June 2024
‘તું અમારા મિત્ર હર્ષને ખોટા રસ્તે ચડાવે છે' કહી અર્જુન વ્યાસને મિત્ર કૃણાલ ચગે છરીનો ઘા ઝીંકી પતાવી દીધો
રાજકોટમાં મોડી રાતે ગાંધીગ્રામ એસકે ચોકના કર્ણેશ્વર કોમ્પલેક્ષ પાસે હત્યાની ઘટના : ગાંધીગ્રામ-૮માં રહેતો અર્જુન વ્યાસ રાતે બે મિત્રો દિવ્યેશ અને કશ્યપ સાથે બેઠો હતો ત્યારે બીજા બે મિત્રો કૃણાલ ચગ અને મયુર ટકાએ આવી ઝઘડો કરી ઝાપટો મારી ‘આજે તો પતાવી જ દેવો છે' કહી ધમકી દીધીઃ બાદમાં કૃણાલે પેટમાં ઘા ભોંકી દીધો જે જીવલેણ નિવડયોઃ ગાંધીગ્રામ પીઆઇ બી. ટી. અકબરી, પીઆઇ બી. બી. જાડેજા અને ટીમે ગુનો નોંધ્યોઃ બંને આરોપીને દબોચી લેવા દોડધામ : હત્યાનો ભોગ બનનાર અર્જુન બે ભાઇ અને એક બહેનમાં નાનો હતોઃ છુટક ડ્રાઇવીંગ કરતો હતો : દરરોજ રાતે જેની સાથે બેસતો એ મિત્રો કૃણાલ અને મયલાએ જ મોતને ઘાટ ઉતારી દીધો : રાતે બારેક વાગ્યે અર્જુન બે મિત્રો કશ્યપ અને દિવ્યેશ સાથે બેઠો હતો ત્યારે બીજા બે મિત્રો કૃણાલ અને મયલાએ આવી ઝઘડો કરી લાફા મારી ધમકી દીધીઃ કશ્યપ અને દિવ્યેશે બધા મિત્રો હોઇ વાતને ગંભીર ન ગણી અને નાસ્તો કરવા ગયાઃ પરત આવ્યા ત્યારે અર્જુન રડતો હતો, આજીજી કરતો હતોઃ દિવ્યેશે ઝઘડો ન કરવા કૃણાલને સમજાવતાં તેણે અચાનક છરી કાઢી હુમલો કરતાં દિવ્યેશે અર્જુનને બચાવ્યોઃ પણ કૃણાલે તુરત બીજો ઘા અર્જુનને પેટમાં ભોંકી દીધો

મિત્રના હાથે હત્યાનો ભોગ બનનાર અર્જુન પ્રફુલભાઇ વ્યાસ (ઉ.વ.૨૦)નો નિષ્પ્રાણ દેહ અને તેનો ફાઇલ ફોટો
રાજકોટ તા. ૨૦: શહેરના ગાંધીગ્રામમાં રહેતાં એકવીસ વર્ષના યુવાનની તેના જ મિત્રએ પેટમાં છરીનો એક જ ઘા ઝીંકી હત્યા કરી નાખતા ચકચાર મચી ગઇ છે. અર્જુન નામનો વીસ વર્ષનો યુવાન રાત્રે તેના બે મિત્રો દિવ્યેશ અને કશ્યપ સાથે ઘર નજીક એસકે ચોકમાં કર્ણેશ્વર કોમ્પલેક્ષ પાસે બેઠો હતો તે વખતે તેના જ બે મિત્રો કૃણાલ અને મયલાએ આવી ઝઘડો કરી ‘તું અમારા મિત્ર હર્ષને ખોટા રવાડે ચડાવે છે' તેમ કહી ઝાપટો મારી ગાળો દઇ આજે તો મારી જ નાખવો છે કહી ધમકી દીધી હતી. આ ત્રણેય મિત્રો જ હોઇ રોજ સાથે બેસતાં હોઇ અન્ય બે મિત્રો દિવ્યેશ અને કશ્યપે વાતને ગંભીર ગણી નહોતી અને નાસ્તો કરવા જતાં રહ્યા બાદ થોડીવાર પછી પરત આવ્યા ત્યારે પણ ઝઘડો ચાલુ હતો. આ વખતે કૃણાલે ઉશ્કેરાઇ જઇ છરીનો એક ઘા મારતાં દિવ્યેશ અને અર્જુન ખસી જતાં કૃણાલે બીજો ઘા અર્જુનને પેટમાં મારી દીધો હતો જે જીવલેણ નીવડયો હતો.
આ બનાવમાં ગાંધીગ્રામ પોલીસે હત્યાનો ભોગ બનેલા અર્જુન પ્રફુલભાઇ વ્યાસ (ઉ.વ.૨૦)ના પિતા ગાંધીગ્રામ શેરી નં. ૮-બ ‘શાંતિકુંજ'માં રહેતાં અને રામેશ્વર હોલ પાસે શિવમ્ પાન નામે દૂકાન ધરાવતાં પ્રફુલભાઇ નર્મદાશંકર વ્યાસ (ઉ.વ.૫૮)ની ફરિયાદ પરથી ગાંધીગ્રામમાં જ રહેતાં કૃણાલ કિર્તીભાઇ અને સાધુ વાસવાણી રોડ પર આવાસ ક્વાર્ટરમાં રહેતાં મયલો ઉર્ફ ટકો વિરૂધ્ધ આઇપીસી ૩૦૨, ૩૨૩, ૫૦૪, ૫૦૬ (૨), ૧૧૪, ૧૩૫ (૧) મુજબ હત્યાનો ગુનો નોંધ્યો છે.
પ્રફુલભાઇ વ્યાસે જણાવ્યું છે કે હું પરિવાર સાથે રહુ છું અને મારે સંતાનમાં બે પુત્ર અને એક પુત્રી છે. મોટો પુત્ર કરણ (ઉ.વ.૨૩) અને દિકરી ફાલ્ગુની સાસરે છે. નાના દિકરાનું નામ અર્જુન (ઉ.વ.૨૦) હતું. અર્જુન અગાઉ હોર્ડિંગ લગાડવાનું કામ કરતો હતો અને હાલમાં છુટક ડ્રાઇવીંગ કરતો હતો. બુધવારે રાતે એકાદ વાગ્યે હું અને મારા પત્નિ ધર્મિષ્ઠાબેન ઘરે હતાં ત્યારે મારા દિકરા અર્જુનનો મિત્ર દિવ્યેશ ઘઘડા અમારા ઘરે આવ્યો હતો અને કહ્યું હતું કે અર્જુનને એસકે ચોક પાસે કર્ણેશ્વર કોમ્પલેક્ષ બાપા સિતારામના ઓટા પાસે છરી મારી દીધી છે, જલ્દી આવો. આથી હું તુરત જ ચાલીને ઘર નજીક ત્રીજી શેરીમાં આવેલા કર્ણેશ્વર કોમ્પલેક્ષ પાસે પહોંચ્યો હતો.
ત્યાં ઘણા માણસો ભેગા થયા હતાં. મારો દિકરો અર્જુન પ્રફુલ પાન પાસે પડેલો હતો અને તેને પેટના ભાગે ડુટીથી ઉપરના ભાગે ઇજા હતી. તેમાંથી પરપોટા જેવુ બહાર નીકળી ગયેલુ હતું, લોહી નીકળતું હતું. તે બોલી શકતો નહોતો. બાજુમાં જ મારી ઇકો ગાડી પાર્ક કરેલી હોઇ તુરત જ મેં, દિવ્યેશ ઘઘડા, કશ્યપ સોલંકી અને બીજા લોકોએ મળી મારા દિકરા અર્જુનને ઇકો કારમાં સુવડાવી સિવિલ હોસ્પિટલે પહોંચ્યા હતાં. અહિ અર્જુનને ઇમર્જન્સી વોર્ડમાં દાખલ કરવામાં આવ્યો હતો.
મારા દિકરાના મિત્રો દિવ્યેશ અને કશ્યપ પણ હાજર હતાં. મેં ઘટના શું બની? તે અંગે પુછતાં દિવ્યેશે કહ્યું હતું કે રાતે બારેક વાગ્યે હું, કશ્યપ અને તમારો દિકરો અર્જુન એમ ત્રણેય ગાંધીગ્રામ-૬-અના ખુણે કર્ણેશ્વર કોમ્પલેક્ષ પાસે હતાં ત્યારે ગાંધીગ્રામમાં જ રહેતાં અર્જુનના જ મિત્રો કૃણાલ કીર્તિભાઇ ચગ અને સાધુ વાસવાણી રોડ પર રહેતો મયલો ટકો આવ્યા હતાં. કૃણાલ અને મયલાએ તમારા દિકરા અર્જુનને ‘તું અમારા મિત્ર હર્ષ જાદવને ખોટા રવાડે છે' તેમ કહી ગાળાગળી ચાલુ કરી અર્જુનને ઝાપટો મારતાં મેં આ બંનેને અર્જુન સાથે ઝઘડો નહિ કરવા સમજાવ્યા હતાં. પરંતુ આ બંને સમજ્યા નહોતાં અને આજે તો આને મારી જ નાખવો છે તેમ કહેતાં હતાં. આ ત્રણેય મિત્રો હોઇ અને કાયમ સાથે જ રહેતાં હોઇ જેથી મેં વાતને બહુ ગંભીરતાથી લીધી નહોતી. બાદમાં હું અને કશ્યપ નાસ્તો કરવા જતાં રહ્યા હતાં.
ત્યારબાદ રાતે એકાદ વાગ્યે ફરીથી કર્ણેશ્વર કોમ્પલેક્ષ પાસે આવતાં તે વખતે પણ અર્જુન, કૃણાલ અને મયલો ઝઘડો કરતાં હતાં. આ વખતે અર્જુન રડતો હતો અને આજીજી કરતો હતો જેથી મેં વચ્ચે પડીને કૃણાલ અને મયલાને સમજાવ્યા હતાં અને કૃણાલને બાવડુ પકડીને કહેલુ કે અર્જુનને જવા દે, આ વખતે કૃણાલે અચાનક પોતાના પેન્ટના નેફામાંથી છરી કાઢી અર્જુનને મારવા જતાં હું વચ્ચે પડયો હોઇ મને ઘા લાગી જાત, પણ હું એ ક્ષણે જ ખસી ગયેલો, અર્જુનને પણ ઘા લાગ્યો નહોતો. પરંતુ કૃણાલે બીજો ઘા કરતાં અર્જુનને પેટમાં લાગી ગયો હતો. આથી તેને લોહી નીકળવા માંડતાં કૃણાલે મને કહેલું કે જો તું આને દવાખાને લઇ ગયો તો આપણો સંબંધ બગડી જશે...તેમ છતાં હું દોડીને તમારા ઘરે તમને જાણ કરવા આવ્યો હતો. તેમ દિવ્યેશે મને વાત કરી હતી.
કૃણાલ ચગ અને મયલા ટકાએ મારા દિકરા અર્જુન સાથે તું મિત્ર હર્ષ જાદવને ખોટા રવાડે ચવાડે છે તેમ કહી ગાળો દઇ ઝાપટો મારી ધમકી આપી બાદમાં છરીનો ઘા પેટમાં ભોંકી દઇ હત્યા કરી હતી. તેમ વધુમાં પ્રફુલભાઇ વ્યાસે જણાવતાં પીઆઇ બી. ટી. અકબરી, પીઆઇ બી. બી. જાડેજા, મહેશભાઇ રૂદાતલા, હંસરાજભાઇ ઝાપડા સહિતે ગુનો નોંધ્યો હતો. ડી. સ્ટાફના પીએસઆઇ એસ. એલ. ગોહિલ, એએસઆઇ ધર્મેન્દ્રસિંહ રાણા, મશરીભાઇ ભેટારીયા સહિતની ટીમોએ આરોપીઓને શોધી કાઢવા દોડધામ શરૂ કરી છે. હત્યાની આ ઘટનાથી વ્યાસ પરિવારમાં ગમગીની વ્યાપી ગઇ છે. હત્યાના બે આરોપી પૈકી કૃણાલ અગાઉ પણ મારામારીમાં પોલીસ ચોપડે ચડયાનું બહાર આવ્યું છે. આરોપી પકડાયા બાદ વધુ વિગતો સામે આવશે.
(11:10 AM IST)










