News of Thursday, 20th June 2024
૭ જુલાઇએ અષાઢી બીજઃ ઇસ્કોન મંદિર દ્વારા રથયાત્રા
રથયાત્રાની તૈયારીઓ શરૂઃ ભગવાન જગન્નાથ, ભાઇ બળદેવ અને બહેન સુભદ્રાની સાથે નગરચર્યાએ નીકળશે

રાજકોટઃ આ વર્ષે ૭ જુલાઈએ રવિવારના દિવસે અષાઢી બીજ આવે છે. ઇસ્કોન મંદિર દ્વારા વર્ષ ૨૦૦૩ થી દર વર્ષે ભગવાન શ્રી શ્રી જગન્નાથ, બળદેવ, સુભદ્રાને નગરચર્યાએ નીકાળવામાં આવે છે અને શહેરભરમાં રથયાત્રા કાઢવામાં આવે છે.
આ અંગે વધુ માહિતી આપતા ઇસ્કોન મંદિર રાજકોટના પ્રમુખ વૈષ્ણવસેવા પ્રભુજી જણાવે છે કે આ વર્ષે ૭ જુલાઈના રવિવારના દિવસે ખૂબ જ ઉત્સાહ અને ઉલ્લાસથી ઇસ્કોન મંદિર રાજકોટ દ્વારા રથયાત્રા કાઢવામાં આવશે. રથયાત્રા સાંજે ૫ાંચ કલાકે રામકળપા ડેરી કોટેચા ચોક ખાતેથી શરુ થશે અને ઇન્દિરા સર્કલ, પંચાયત ચોક, આકાશવાણી ચોક, જે. કે ચોક પરથી પસાર થઇ પુષ્કરધામ રોડ પર થી કાલાવડ રોડ મા એજી ચોક પર આવશે અને ત્યાંથી કાલાવડ રોડ પર કટારીયા સર્કલ થઇને ઇસ્કોન મંદિર એ પરત ફરશે.
આ રથયાત્રા ની તૈયારી અત્યારથી જ શરુ થઇ ગઈ છે. તૈયારીના ભાગ રૂપે રથનું સમારકામ કરવા માટે કેરેલાથી કારીગરો આવી ગયેલ છે જેઓ રથનું સમારકામ રથયાત્રાના એક અઠવાડિયા પહેલા કરી દેશે.
તદુપરાંત રથયાત્રા દરમિયાન શહેરના રાજમાર્ગોમાં પ્રસાદ વિતરણ કરવા માટે આશરે ૫ાંચ હજાર કિલો બુંદીનું વિતરણ કરવામાં આવશે અને રથયાત્રાના દિવસે ઇસ્કોન મંદિરે દર્શન કરવા આવતા દરેક દર્શનાર્થી માટે ભંડારા પ્રસાદનું આયોજન પણ કરવામાં આવેલ છે જે સાંજે ૭:૩૦ વાગેથી શરુ થશે.
આમ, રાજકોટની ધર્મપ્રેમી અને ઉત્સવ પ્રેમી જનતાને રથયાત્રા અને ગુંડિચા માર્જન માટે તેમજ રથયાત્રાના દિવસે સાંજે ભંડારા પ્રસાદનો લાભ લેવા માટે મંદિરે પધારવાનું ભાવભર્યું આમંત્રણ અપાયું છે
(11:29 AM IST)










