<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 20th June 2024

સાગઠીયા ભ્રષ્‍ટાચારથી કરોડો કમાયોઃ અંતે પાપનો ઘડો છલકાયો

ગેમ ઝોન અગ્નિકાંડઃ મનપાના સસ્‍પેન્‍ડેડ ટીપીઓ સામે એક પછી એક ત્રીજો ગુનો થયો દાખલઃ સોમવારે બોગસ મિનીટ્‍સ બૂકના ગુનાના રિમાન્‍ડ પુરા થયે એસીબી મેળવશે કબ્‍જોઃ ટાઉન પ્‍લાનીંગના અન્‍ય કેટલાક કર્મીઓ અંગે પણ તપાસનો ધમધમાટ સોખડામા પેટ્રોલ પંપ, ૩ ગોડાઉન, ગોમટામાં પેટ્રોલ પંપ, હોટેલ અન્‍ડર કન્‍સ્‍ટ્રક્‍શન, ગોમટામાં ફાર્મ હાઉસ, ખેતીની જમીન, ચોરડીમાં ખેતીની જમીન, શાપરમા ગેસ ગોડાઉન, મોવૈયામાં બાલાજી ગ્રીન પાર્કમાં પ્‍લોટ, યુનિવર્સિટી રોડ પર અનામીકા સોસાયટીમાં અન્‍ડર કન્‍સ્‍ટ્રક્‍શન બંગલો, માધાપરમાં ટેનામેન્‍ટ, અમદાવાદ બે ફલેટઃ બે કાર સહિત છ વાહનોનો પણ માલિક અનેક બિલ્‍ડરો અને આર્કિટેક્‍ટ સાથેના ટેબલ નીચેના વ્‍યવહારો પણ ઉંડી તપાસ થાય તો બહાર આવશે એન્‍ટી કરપ્‍શન બ્‍યુરોની તપાસમાં કાયદેસરની આવક ૨,૫૭,૧૭,૩૫૯ જણાઇ, તેની સામે ૧૩,૨૩,૩૩,૩૨૩ના રોકાણ-ખર્ચની વિગતો ખુલીઃ ૧૦ કરોડ ૫૫ લાખની વધુ સંપતિ જણાઇ આવી સાગઠીયાના બેંક લોકરો ‘સીલ' કરાયાઃ આગામી દિવસોમાં ખોલવામાં આવશે

રાજકોટ તા. ૨૦:  શહેરના નાના મવા રોડ ટીઆરપી ગેમ ઝોનમાં ભભૂકેલી આગ બાળકો સહિત ૨૭ જણાનો ભોગ લઇ ગઇ હતી. આ ગોઝારા અગ્નિકાંડ અંગે તાલુકા પોલીસે સાપરાધ મનુષ્‍યવધની કલમો હેઠળ ગુનો નોંધી ગેમ ઝોનના સંચાલકો, ભાગીદારો, મનપાના અધિકારીઓ મળી બારની ધરપકડ કરી જેલભેગા કર્યા છે. બીજી તરફ આ ગુનામાં પકડાયેલા મોટુ માથા ગણાતા મનપાના સસ્‍પેન્‍ડેડ ટીપીઓ મનસુખ ડી. સાગઠીયા સામે તો હવે એસીબીનો એક મળી ત્રણ ત્રણ ગુના નોંધાઇ ગયા છે. એક ગુનામાં જેલમાં ગયા બાદ બોગસ મિનીટ્‍સ બૂકના ગુનામાં તે સોમવાર સુધી રિમાન્‍ડ પર છે ત્‍યાં એન્‍ટી કરપ્‍શન બ્‍યુરોએ પણ તેને સાણસામાં લીધો છે. સાગઠીયાએ પોતાના ફરજ કાળ દરમિયાન ભ્રષ્‍ટાચાર આચરીને વસાવેલી ૧૦.૫૫ કરોડની અપ્રમાણસર મિલ્‍કતો એસીબીએ શોધી કાઢી છે. ડીસીબીના ગુનામાં રિમાન્‍ડ પુરા થયે એસીબી તેનો કબ્‍જો મેળવશે.

છેલ્લા દસેક કરતા વધુ વર્ષોથી મનપાની ટીપી શાખામાં ફરજ બજાવતા વર્ગ-૧ના અધિકારી મનસુખ ધનાભાઇ સાગઠીયાની અગ્નિકાંડમાં ધરપકડ થયા બાદ તેણે ભ્રષ્ટાચાર આચરી કરોડોની મિલ્‍કતો વસાવ્‍યાની ચર્ચાઓ શરૂ થઈ હતી. તેની મિલ્‍કતોના ફોટાઓ પણ સોશિયલ મીડીયા ઉપર વાયરલ થતા હતા. તે અંતર્ગત આ અંગે એન્‍ટી કરપ્‍શન બ્‍યુરોએ પણ તપાસમાં ઝુકાવ્‍યું હતું.  તપાસના અંતે ગત સાંજે એસીબી રાજકોટના ફિલ્‍ડ ઓફિસર પીઆઇ જે. એમ. આલની ફરિયાદ પરથી ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ ૧૯૮૮ની કલમો હેઠળ ગુનો સાગઠીયા વિરૂધ્‍ધ ગુનો દાખલ કરાયો હતો. એસીબીએ સાગઠીયાની ૨૦૧૨ની સાલથી લઈ ૨૦૨૪ની સાલ સુધીની કાયદેસરની આવકની તપાસ કરતા તે ૨.૫૭ કરોડ હોવાનું બહાર આવ્‍યું હતું.

જો કે આ આવકી સામે સાગઠીયા અને તેના પરિવારના નામે ૧૩.૨૩ કરોડની મિલ્‍કતો અને ખર્ચ હોવાનું બહાર આવ્‍યું હતું. આ રીતે સાગઠીયાની કાયદેસરની આવક કરતાં રૂા. ૧૦.૫૫ કરોડની વધુ એટલે અપ્રમાણસર મિલ્‍કતો મળી આવી છે. જે તેની કાયદેસરની આવક કરતા ૪૧૦.૩૭ ટકા વધુ હતી. એમ. ડી. સાગઠીયા અગ્નિકાંડના ગુનામાં જેલહવાલે થયા બાદ રાજકોટ પોલીસની સિટની ટીમે તેનો બોગસ મીનીટ્‍સ બુક બનાવવાના ગુનામાં કબજો મેળવી ધરપકડ કરી હતી. આ ગુનામાં તેના આગામી સોમવાર સુધીના રિમાન્‍ડ મંજુર થયા હોઇ તે સિટની ટીમના કબ્‍જામાં છે. આ દરમિયાન એસીબીમાં ગુનો દાખલ થતાં અગ્નિકાંડમાં એમ. ડી. સાગઠીયા એવો આરોપી  બન્‍યો છે જેની સામે ત્રણ ત્રણ ગુના દાખલ થઇ ગયા છે.

બોગસ મીનીટસ બુકના ગુનામાં જેલહવાલે થયા બાદ સાગઠીયાનો એસીબી અપ્રમાણસર મિલ્‍કતના ગુનામાં કબજો મેળવી ધરપકડ કરશે. આ અગાઉ મનપાના ડેપ્‍યુટી ફાયર ઓફિસર અને કલાસ-૨ અધિકારી ભીખાભાઈ ઠેબા સામે પણ એસીબીએ અપ્રમાણસર મિલ્‍કતોનો ગુનો નોંધી ધરપકડ કરી હતી.

એસીબીએ એમ. ડી. સાગઠીયાની વિવિધ મિલ્‍કતોનું લિસ્‍ટ પણ જાહેર કર્યુ છે. તે મુજબ રાજકોટના સોખડામાં તેને જય પાબારી પેટ્રોલ પંપ, સોખડામાં ૦૩ ઇન્‍ડસ્‍ટ્રીયલ ગોડાઉન, ગોંડલના ગોમટામાં જય પાબારી પેટ્રોલ પંપ, ગોમટામાં હોટેલ અન્‍ડર કન્‍સ્‍ટ્રક્‍શન, ગોમટામાં ફાર્મ હાઉસ, ગોમટામાં ખેતીની જમીન, ચોરડીમાં ખેતીની જમીન, શાપરમાંઉર્જા ઇન્‍ડસ્‍ટ્રીયલમાં ગેસ ગોડાઉન, પડધરીના મોવૈયામાં બાલાજી ગ્રીન પાર્કમાં પ્‍લોટ, યુનિવર્સિટી રોડ પર અનામીકા સોસાયટીમાં અન્‍ડર કન્‍સ્‍ટ્રક્‍શન બંગલો, માધાપરમાં આસ્‍થા સોસાયટીમાં ટેનામેન્‍ટ, અમદાવાદ અદાણી શાંતિગ્રામ ટાઉનશીપમાં સી-૧૭૦૧ એસ્‍ટર ફલેટ, અહિ જ બી-૭, ૮૦૨, લા મરીના ફલેટ, બે હોન્‍ડા સીટી સહિત છ વાહનો તેની પાસે છે.

આ ઉપરાંત સાગઠીયાએ દુબઇ, યુરો, સાઉથ આફ્રિકા, ઓસ્‍ટ્રેલિયા, યુકે, મલેશીયા, માલદિવ અને શ્રીલંકા મળી આઠ વિદેશ પ્રવાસ પણ કર્યા છે. એસીબીના રાજકોટ એકમના મદદનીશ નિયામક કે. એચ. ગોહિલના સુપરવીઝન હેઠળ સુરેન્‍દ્રનગર એસીબી પીઆઇ એમ. એમ. લાલીવાલા આગળની તપાસ કરશે. એમ. ડી. સાગઠીયાના બેંક લોકરો સીલ કરવાની કાર્યવાહી કરવામાં આવી છે. આવતા દિવસોમાં આ લોકરોમાંથી શું શું મળી આવે છે? તેના પર સોૈની નજર છે.

એમ. ડી. સાગઠીયા સામે ભ્રષ્‍ટાચારનો ગુનો નોંધાયો તે સાથે એસીબીને ચોક્કસ માહિતી મળી છે કે સાગઠિયા તેના વિભાગના જ કેટલાંક કર્મચારીઓ અને ખાનગી વહીવટદારોની મદદથી કારસ્‍તાન આચરતો હતો. અન્‍ય સ્‍ટાફને પણ ભ્રષ્‍ટ્રાચારના નાણાં મોટા પ્રમાણમાં મળતા હોવાની પુરી શક્‍યતા છે. એસીબીને  સાગઠિયા સાથે સંકળાયેલા કેટલાંક કર્મચારીઓની માહિતી પણ મળી છે. જે સંદર્ભમાં ગળહવિભાગે એસીબીના વડાને રાજકોટ ટાઉન પ્‍લાનીંગ વિભાગ સાથે સંકળાયેલા ૧૫થી વધુ કર્મચારીઓના મિલકતોની તપાસ કરવા માટે સુચના આપી છે. આ માટેની કાર્યવાહી કરવા માટે  ડેપ્‍યુટી ડાયરેક્‍ટરના સુપરવિઝનમાં તપાસ કરવા માટે વિશેષ ટીમ બનાવવામાં આવશે. એસીબીના સુત્રોના જણાવ્‍યા મુજબ કેટલાંક કર્મચારીઓ આગકાંડ બાદ રજા પર ઉતરી ગયા હતા અને તેમની હરકત શંકાસ્‍પદ જોવા મળી હતી. તેમજ સાંગઠિયાના મોબાઇલની તેમજ કોલ ડીટેઇલ રેકોર્ડની તપાસમાં કેટલાંક કર્મચારીઓ સાથેની સક્રિય સાંઠગાંઠ હોવાની વિગતો મળી છે.  આગામી દિવસો રાજકોટ મનપાના ટાઉન પ્‍લાનીંગ વિભાગના અન્‍ય કેટલાક પણ ઝપટે ચડે તેવી શક્‍યતા છે.

(1:51 PM IST)