<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 24th June 2024

પુત્રના જન્‍મના ૮મા દિવસે માતા સોનલબેનનું શ્વાસ ચડયા બાદ મોતઃ પરિવારમાં કલ્‍પાંત

એક દિકરી અને નવજાત પુત્ર મા વિહોણા થયાઃ મોરબી રોડ સાગર પાર્કના પરમાર પરિવારમાં બનાવ

રાજકોટ તા. ૨૪: શહેરના મોરબી રોડ પર વેલનાથ પરા પાસે સાગર પાર્કમાં રહેતાં પાંત્રીસ વર્ષિય મહિલાનું શ્વાસ ચડયા બાદ મોત નિપજતાં પરિવારમાં કલ્‍પાંત સર્જાયો છે. હજુ આઠ દિવસ પહેલા જ આ મહિલાએ દિકરાને જન્‍મ આપ્‍યો હતો. આ નવજાત પુત્ર અને એક દિકરી મા વિહોણા થઇ ગયા છે.

જાણવા મળ્‍યા મુજબ મોરબી રોડ સાગર પાર્કમાં રહેતાં સોનલબેન મેહુલભાઇ પરમાર (ઉ.વ.૩૫)ને રાતે બારેક વાગ્‍યે શ્વાસ ચડતાં અને ઉંધો ગેસ ચડતાં બેભાન થઇ જતાં ખાનગી હોસ્‍પિટલમાં અને ત્‍યાંથી સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ દમ તોડી દેતાં હોસ્‍પિટલ ચોકીના રામશીભાઇ વરૂ અને તોૈફિકભાઇ જુણાચે બી-ડિવીઝન પોલીસને જાણ કરી હતી.

મૃત્‍યુ પામનાર સોનલબેનના પતિ મેહુલભાઇ અશોકભાઇ પરમાર મોરબીની ફાયનાન્‍સ કંપનીમાં નોકરી કરે છે. સોનલબેનને સંતાનમાં એક દિકરી હતી. આઠ દિવસ પહેલા જ તેમણે એક દિકરાને જન્‍મ આપ્‍યો હતો. ગત રાતે એકાએક શ્વાસ ચડયો હતો અને બેભાન થઇ ગયા બાદ દમ તોડી દીધો હતો. નવજાત પુત્ર અને એક દિકરી મા વિહોણા થઇ જતાં પરમાર પરિવારમાં શોક છવાઇ ગયો હતો.  પોલીસે મોતનું ચોક્કસ કારણ જાણવા મૃતદેહનું પોસ્‍ટમોર્ટમ કરાવ્‍યું હતું.

(1:48 PM IST)