તા. ૧૧ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૨ બુધવાર
News of Monday, 24th June 2024
પુનિતનગર કર્મચારી સોસાયટીના રહેવાસીઓની વીજતંત્રને દર્દનાક રજૂઆતઃ અમારા ઘર ઉપરથી ૬૬ કેવી લાઇન કયારે ખસેડશો?!
સંસ્થાઓ-લોકોએ જુદા જુદા સ્મશાનની ‘‘રાખ'' લઇ માટલી સાથે આવેદન પાઠવી વિસ્તૃત રજૂઆતો કરી... : આ વીજ લાઇન ૧ બાળક અને મહિલાનો જીવ લઇ ચૂકી છેઃ ગંભીર બાબત છતાં તંત્રે કોઇ એકશન લીધા નથી!!

રાજકોટ તા. ર૪: પુનિતનગર કર્મચારી સોસાયટીના સ્થાનિક રહેવાસીઓએ વીજતંત્રને આવેદન પાઠવી પુનીતનગર કર્મચારી સોસાયટીમાં સ્થાનીક રહેવાસીના ઘર ઉપર ૬૬ કે.વી. લાઇન હિસાબે લોકોના જીવ ગયા છે જે બાબતે રજુઆતો કરી હતી.
આવેદનમાં ઉમેર્યું હતું કે, અમારી સોસાયટીમાં લગભગ ૩૦ થી ૪૦ જેટલા મકાનની ઉપરથી ૬૬ કે.વી. વીજલાઇન પસાર થાય છે. આ વીજ લાઇન ૧ બાળક અને એક મહિલાનો જીવ લઇ ચુકેલ છે. આવી ગંભીર બાબત હોવા છતાં પી.જી.વી.સી.એલ. અત્યાર સુધી કોઇ એકશન લીધેલ નથી અનેક રજ
આતો કરવા છતાં તંત્ર દ્વારા કોઇ જવાબ મળેલ નથી. તો શું હજુ વધુ ટી.આર.પી. ગેમ ઝોન જેવા આગળ બનાવ બને તેની રાહ જોઇ રહી છે કે શું પી.જી.વી.સી.એલ.?
હાલમાં પુનીતનગરમાં રહેલા આ વીજ વાયરથી પીડીત પરીવારોની વેદના એ છે કે તેઓ પોતાનું ઘર હોવા છતાં ડરના હીસાબે ઘરની અગાસી ઉપર જઇ શકતા નથી. વીજવાયર નજીકથી પસાર થતો હોવાથી બાળકો ઉતરાયણ કે અન્ય બીજા તહેવારોની પણ મજા લઇ શકતા નથી. આ ઉપરાંત વરસાદમાં શોર્ટ સર્કિટની બીક અને ગરમીમાં વીજ વાયર નીચો આવતો રહે છે તો નીચુ વળીને હાલવું પડે છે. રોજ જીવના જોખમે અવર જવર કરવી પડે છે. આવી પરિસ્થિતિમાં હજુ કોઇના જીવનો ભોગ લેવાશે તો આનું જવાબદાર કોણ? અમારી માંગ એટલી જ કે કાં તો વીજવાયર ઉંચો લઇ લેવામાં આવે કાં તો તેને કાઢી નાખવામાં આવે.
દરમિયાન આજે આવેદન સમયે રાજકોટના જુદા જુદા સામાજિક ગ્રુપો અને લતાવાસીઓ દ્વારા સ્મશાનની રાખ અને માટલી લઇને રજુઆત કરવામાં આવી હતી પી.જી.વી.સી.એલ. કચેરી ખાતે આ રાખ છે શું અમારી પણ આની જેમ ખાખ થવાની રાહ જોવે છે તેવો સવાલ ઉઠાવ્યો હતો.
(2:58 PM IST)










