News of Monday, 24th June 2024
રાજકોટમાં રવિવાર સાંજથી મેઘાવી માહોલઃ બપોરે ધુપછાંવ
ગત સાંજે મેઘરાજાની એન્ટ્રી, શહેરીજનો વરસાદમાં ન્હાવા નિકળી પડયા હતા હવામાન ખાતામાં ૧૮ મી. મી. (પોણો ઇંચ) પાણી પડયું, બપોર બાદ ફરી મેઘરાજા ધમાકેદાર એન્ટ્રી કરશે? આજે સૌરાષ્ટ્ર-દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતમાં સારો વરસાદ પડશેઃ તો ઉત્તર ગુજરાત અને કચ્છમાં છૂટો છવાયો વરસશે

રાજકોટ : અંતે મેઘરાજાએ એન્ટ્રી કરી છે. રાજકોટ શહેરમાં ગઇકાલ રવિવાર સાંજથી સતત મેઘાવી માહોલ જોવા મળી રહ્યો છે. ગત સાંજે વરસી ગયા બાદ આજે વહેલી સવારે પણ ૬ વાગ્યાની આસપાસ વરસાદ પડયો હતો. સવારે ૯ વાગ્યા સુધીમાં હવામાન ખાતામાં ૧૮ મી. મી. પાણી નોંધાયું છે.
હવામાન વિભાગ દ્વારા આ આખુ સપ્તાહ સારા વરસાદની આગાહી કરવામાં આવી છે ત્યારે રાજકોટ શહેરમાં ગઇકાલે રવિવારે વાદળછાયુ વાતાવરણ રહ્યા બાદ સાંજના સમયે આકાશમાં કાળા વાદળોનો ગંજારવ જોવા મળ્યો હતો.
અંતે મેઘરાજાએ એન્ટ્રી કરી હતી. થોડીવાર મેઘરાજાએ જોર પકડયું હતું. ગરમી અને બફારાથી ત્રસ્ત શહેરીજનો વરસાદના આગમનની સાથે જ ન્હાવા નિકળી પડયા હતાં. નાનાથી માંડી મોટેરાઓને વરસાદમાં ભીંજાવાની મોજ પડી ગઇ હતી.
મોડી સાંજ સુધી વરસાદના આવન-જાવનનો દોર જારી રહ્યો હતો. વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઇ હતી. દરમિયાન આજે વ્હેલી સવારથી વાદળો છવાયેલા છે. સવારે છએક વાગ્યાની આસપાસ જોરદાર વિજળીના કડાકા ભડાકા જોવા મળતા હતાં. એવું લાગતું હતું કે મેઘરાજા દે ધનાધનવાળી કરશે. પરંતુ આશરે અડધી પોણી કલાકમાં વરસાદ થંભી ગયો હતો.
આ લખાય છે ત્યારે બપોરે ર-૩૦ વાગે વાદળો છવાયેલા છે. વરસાદનો દોર ચાલુ રહે તેવી પૂરી સંભાવના છે. હવામાન ખાતામાં ૧૮ મી. મી. વરસાદ નોંધાયો છે. તાપમાન ૩ર.ર ડીગ્રી, ભેજ ૭૩ ટકા અને પવનની ગતિ ૬ કિ.મી.ની છે
(4:20 PM IST)










