<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 25th June 2024

TRP અગ્નિકાંડ સામે આક્રોશ : શાળા - કોલેજો સજ્જડ બંધ

માતૃમંદિર સ્‍કુલ, સૌરાષ્‍ટ્ર હાઇસ્‍કુલ સહિત ૪ શાળા ચાલુ રહેતા કાર્યકરોની અપીલ બાદ બંધ : રાત્રે જ શાળાઓએ બંધમાં જોડાવા તો કેટલીક શાળાઓએ સમયમાં ફેરફાર કર્યો : ધો. ૧૦-૧૨ની પૂરક પરીક્ષા રાબેતા મુજબ

રાજકોટ : ટીઆરપી ગેમઝોન અગ્નિકાંડ પ્રશ્ને આજે કોંગ્રેસ દ્વારા બંધનું એલાન આપવામાં આવેલ. શાળા - કોલેજોએ સજ્જડ બંધ પાડયો હતો. કેટલીક શાળાઓ ચાલુ રહેતા કોંગ્રેસ - એનએસયુઆઇના આગેવાનોએ દોડી જઇ બંધ કરવાની અપીલ કરતા બંધમાં જોડાયા હતા તે સમયની તસ્‍વીર. (તસ્‍વીર : અશોક બગથરિયા)

રાજકોટ તા. ૨૫ : ગત ૨૫મી મેના રાજકોટના ટીઆરપી ગેમઝોનમાં લાગેલી ભયાવહ આગમાં બાળકો, યુવાનો સહિત ૨૭ લોકોના મૃત્‍યુ થયા હતા. આ ભયંકર અગ્નિકાંડ બાદ સરકાર દ્વારા કોઇ નક્કર કાર્યવાહી ન થતાં આજે કોંગ્રેસ દ્વારા રાજકોટ બંધનું એલાન આપવામાં આવેલ. જેને રાજકોટના શૈક્ષણિક જગતે સજ્જડ સમર્થન આપી બંધમાં જોડાયા હતા અને ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડ સામે રોષ વ્‍યકત કર્યો હતો.

કોંગ્રેસ દ્વારા આપવામાં આવેલ બંધના એલાન સંદર્ભે અગાઉથી જ કોંગ્રેસના અને એનએસયુઆઇના અગ્રણીઓ સર્વશ્રી નિદત બારોટ, રાજદિપસિંહ જાડેજા, એનએસયુઆઇના પ્રદેશ પ્રમુખ નરેન્‍દ્રભાઇ સોલંકી, રોહિતસિંહ રાજપૂત સહિતના આગેવાનોએ શાળા સંચાલકો સાથે રૂબરૂ મળી બંધમાં જોડાવા અપીલ કરી હતી. જેને આજના બંધના એલાનમાં સમર્થન મળ્‍યું છે.

ગઇકાલથી જ રાજકોટની અનેક શાળાઓએ વિદ્યાર્થી અને વાલીઓને મેસેજ કરીને બંધમાં જોડાવાના હોવાથી શાળા - કોલેજ બંધ રહેશે તેવા મેસેજ કર્યા હતા. તો કેટલીક શાળા - કોલેજોએ તો ભણતર ન બગડે તે માટે સવારની શાળાનો સમય બપોરનો કર્યો હતો.

આજે સવારથી જ કોંગ્રેસ અને એનએસયુઆઇના આગેવાનો શાળા - કોલેજોમાં ફરી રહ્યા હતા. બંધને મળેલા વ્‍યાપક સમર્થનથી રાજમાર્ગો અને શૈક્ષણિક સંસ્‍થાઓ સુમસામ જોવા મળ્‍યા હતા. શાળા - કોલેજો બંધના એલાન દરમિયાન રાજકોટની માતૃમંદિર સ્‍કુલ, સૌરાષ્‍ટ્ર હાઇસ્‍કુલ, વિઝડમ સ્‍કુલ, પારૂલ કોલેજ સહિતની પાંચેક શાળા - કોલેજો ચાલુ રહેતા આગેવાનોએ વિનંતી કરતા બંધમાં જોડાય હતી.

આજના બંધના એલાનમાં ધો. ૧૦ - ૧૨ની પૂરક પરીક્ષા કેન્‍દ્રમાં કોઇ ખલેલ ન પહોંચે તેની ખાસ કાળજી લેવામાં આવી હતી. પરીક્ષા શાંતિપૂર્ણ રીતે ચાલુ છે.

(10:59 AM IST)