તા. ૧૨ સપ્ટેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ ભાદરવા સુદ – ૧ શનિવાર
News of Tuesday, 25th June 2024
શહેરભરની પોલીસ સવારથી બંદોબસ્તમાં જોડાઇઃ ક્રાઇમ બ્રાંચ, એસઓજી, એલસીબી, પોલીસ સ્ટેશનોના અધિકારીઓ-ટીમો સતત એલર્ટ રહ્યા
બળજબરીથી બંધ કરાવનારા લોકોની અટકાયત થશે તેવી પોલીસ કમિશનર બ્રજેશ ઝાએ અગાઉથી તાકીદ કરી હતીઃ ડીસીપી કક્ષાના અધિકારીઓએ સ્ટાફ સાથે ઝોન વાઇઝ સતત પેટ્રોલીંગ કર્યુ અને બંદોબસ્તમાં રહેલા સ્ટાફને જરૂરી સુચનાઓ આપી

રાજકોટઃ ટીઆરપી ગેમ ઝોન દુર્ઘટનામાં બાળકો સહિત ૨૭ લોકો જીવતા ભુંજાઇ ગયા હતાં. ગોઝારી એવી આ ઘટનાને આજે એક મહિનો પૂર્ણ થયો છે ત્યારે ૨૭ નિર્દોષ દિવંગતોના પરિવારજનોને ન્યાય અપાવવાની માંગ સાથે આજે કોંગ્રેસ દ્વારા રાજકોટ બંધનું એલાન આપવામાં આવ્યું હોઇશહેરભરની પોલીસ સવારથી બંદોબસ્તમાં જોડાઇ ગઇ હતી. ઉચ્ચ અધિકારીઓના સીધા માર્ગદર્શન હેઠળ ક્રાઇમ બ્રાંચ, એસઓજી, એલસીબીની ટીમો, તમામ પોલીસ સ્ટેશનોના ઇન્ચાર્જ સાથે તેમની ટીમોએ રાઉનડ ધ ક્લોક પેટ્રોલીંગ વહેલી સવારથી શરૂ કરી દીધુ હતું. પોલીસ કમિશનર બ્રજેશ ઝાએ અગાઉથી જ તાકીદ કરી હતી કે કાયદો હાથમાં લઈ બળજબરીથી બંધ કરાવતા લોકોની અટકાયત કરવામાં આવશે. તે અંતર્ગત કેકેવી ચોકમાંથી ત્રણેક કાર્યકરોને પોલીસે ડીટેઇન કરવાની કાર્યવાહી કરવી પડી હતી. પીડિત પરિવારોને ન્યાય અપાવવાની માંગ સાથે કોંગ્રેસ દ્વારા આજે રાજકોટ બંધનું એલાન આપવામાં આવ્યું હતું, જેને સફળતા મળી હોવાનું કોંગ્રેસ આગેવાનોએ જણાવ્યું છે. બંધ દરમિયાન કોઇપણ જગ્યાએ છમકલા ન થાય કે શાંતિ ડહોળાય નહિ તે માટે શહેર પોલીસ સતત એલર્ટ હતી. સવારથી દરેક પોલીસ સ્ટેશન વાઇઝ મુખ્ય માર્ગો, મુખ્ય ચોક, બજારો વગેરે સ્થળે જે તે પોલીસ સ્ટેશનના સ્ટાફને બંદોબસ્તની જવાબદારી સોંપવામાં આવી હતી. સ્થાનિક પોલીસ સાથે ક્રાઈમ બ્રાન્ચ, એસઓજી, એલસીબી સહિતની ટીમોના અધિકારીઓ, તેમનો સ્ટાફ પણ સતત પેટ્રોલીંગમાં જોડાયા હતા. પોલીસ કન્ટ્રોલ રૂમ ખાતે પણ વધારાનો સ્ટાફ ફરજ પર મુકાયો હતો. કન્ટ્રોલ રૂમ તરફથી સતત શહેરમાં બંદોબસ્તમાં રહેલા અધિકારીઓ પાસેથી ખેરીયત રિપોર્ટ મેળવાતા રહ્યા હતાં.. તસ્વીરોમાં સદર બજાર, ગુંદાવાડી, સોરઠીયા વાડી સહિતના વિસ્તારોમાં પોલીસ અધિકારીઓ, કર્મચારીઓનું પેટ્રોલીંગ થઇ રહ્યું હતું અને સ્ટાફ સતત સ્ટેન્ડટુ રહ્યો હતો તે જોઇ શકાય છે (ફોટોઃ સંદિપ બગથરીયા)
(11:43 AM IST)










