<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 25th June 2024

રાજકોટમાં કેટલાક ઠેકાણે સ્‍વયંભુ બંધ, અનેક ઠેકાણે કોંગીજનોને બંધ કરાવવા નીકળવું પડયું

ગેમ ઝોન આગકાંડમાં ભોગ બનેલા હતભાગીઓની પ્રથમ માસિક પુણ્‍યતિથીએ અપાયેલા બંધના એલાનમાં : ત્રિકોણ બાગ ચોકમાં મોલ, હોટેલ સહિતની દુકાનો બંધ કરાવાઇઃ કાલાવડ રોડ સ્‍વામિનારાયણ મંદિર પાસે બંધ કરાવવા કાર્યકરો નીકળ્‍યાના ફોનથી પોલીસ કન્‍ટ્રોલ રૂમ મોબાઇલ દોડાવાઇઃ કેકેવી ચોકમાંથી ત્રણની અટકાયતઃ પોલીસનો ચાંપતો બંદોબસ્‍ત

રાજકોટ તા. ૨૫: શહેરમાં ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડને આજે ૨૫ જૂનના રોજ એક મહિનો પૂર્ણ થતાં આ અગ્નિકાડમાં ભોગ બનેલા હતભાગીઓ, દિવંગતોને શ્રધ્‍ધાંજલિ પાઠવવા અને આ ઘટનામાં દોષીતો સામે કડક અને દાખલારૂપ કાર્યવાહી કરવાની માંગણી સાથે આજે કોંગ્રેસ દ્વારા બંધનું એલાન અપાયું હોઇ શહેરમાં ઘણા વિસ્‍તારોમાં સ્‍વયંભુ બંધ પાળી વેપારીઓ, ધંધાર્થીઓએ દિવંગતોને અંજલી પાઠવી કોંગ્રેસના બંધને ટેકો આપ્‍યો હતો. તો અનેક ઠેકાણે દૂકાનો-વેપાર ધંધા ખુલ્લા રખાયા હોઇ કોંગીજનો, કાર્યકરોને બંધ કરાવવા નીકળવું પડયું હતું. સવારથી જ અલગ અલગ વિસ્‍તારના કોંગી આગેવાનો, કાર્યકરો તેમને સોંપાયેલી જવાબદારી નિભાવવા નીકળ્‍યા હતાં અને પોતાના વિસ્‍તારોમાં જ્‍યાં દૂકાનો ખુલ્લી હોઇ તે બંધ કરાવી હતી. કેટલાક ઠેકાણે પોલીસની ગાડીઓ દોડાવાઇ હતી. કેકેવી ચોકમાંથી ત્રણેક કાર્યકરોને પોલીસે અટકાયતમાં પણ લીધા હતાં. સવારે શહેરના ત્રિકોણબાગ ચોકમાં  મોલ, મચ્‍છો ધણી હોટલ, કેકે લાઈવ પોપ ઝોન, ઇન્‍ડિયા બેકરી સહિતની દુકાનો બંધ કોંગ્રેસના વોર્ડ નંબર ૭ના આગેવાનો  જીગ્નેશભાઈ ડોડીયા, રણજીત મુંધવા, પ્રતિક રાઠોડ, ભાવેશ પટેલ, નિલેશ ગોયલ, રવિરાજસિંહ ડોડીયા સહિતે બંધ કરાવી હતી. મોટી ટાંકી ચોક નજીક ટી-પોસ્‍ટ ખાતે પરેશ ધાનાણી સહિતના આગેવાનોએ પહોંચી ટી-પોસ્‍ટના સંચાલકને બંધ કરવા વિનંતી કરતાં સંચાલક સહમત થયા હતાં. આમ અનેક વિસ્‍તારમાં વેપાર ધંધા ખુલ્લા રહેતાં તે બંધ કરાવવા માટે કોંગી આગેવાનો, કાર્યકરોને દોડધામ કરવી પડી હતી. યુનિવર્સિટીના ઇન્‍ચાર્જ પીઆઇ એમ. જે. કૈલા સહિતની ટીમે કેકેવી ચોકમાં બંધ કરાવવા નીકળેલા ત્રણ કાર્યકરોને અટકાયતમાં લેવાની કાર્યવાહી કરી હતી. કાલાવડ રોડ સ્‍વામિનારાયણ મંદિર પાસે કાર્યકરો બંધ કરાવવા નીકળ્‍યાના ફોનથી પોલીસ કન્‍ટ્રોલ રૂમ દ્વારા મોબાઇલો દોડાવાઇ હતી. શહેરભરમાં પોલીસે ચાંપતો બંદોબસ્‍ત વહેલી સવારથી ગોઠવી દીધો હતો. (ફોટોઃ અશોક બગથરીયા)

(11:59 AM IST)