તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 25th June 2024
રાજકોટની પ્રજાએ રોષપૂર્ણ બંધ પાળી ભ્રષ્ટાચારી ભાજપ અને સરકારને ગાલે તમાચો માર્યો છે : ઇન્દ્રનીલ રાજગુરૂ
કોંગ્રેસે આપેલા બંધના એલાનને પ્રજાએ મૌન રહી અને સંપૂર્ણ સમર્થન આપ્યું : ભ્રષ્ટાચારને છાવરવાની નીતિ સામે રૂકજાવનો સ્પષ્ટ સંદેશો

રાજકોટ તા. ૨૫ : રાજકોટના અગ્નિકાંડને આજે એક મહિનો પૂરો થયો છે ત્યારે કોંગ્રેસ દ્વારા આપવામાં આવેલા શાંતિપૂર્ણ બંધના એલાનને સંપૂર્ણ સફળતા મળી છે અને શહેરની પ્રજાએ બંધ પાળીને ભ્રષ્ટાચારી ભાજપ અને રાજય સરકારના ગાલે તમાચો માર્યો છે તેવું કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય અને કોંગ્રેસના હાથ સે હાથ મિલા અભિયાનના કન્વીનર ઈન્દ્રનીલ રાજગુરૂએ જણાવ્યું છે.
તેમણે જણાવ્યું છે કે કોંગ્રેસના દરેક સ્તરના કાર્યકરોએ રાજકોટ બંધ સફળ થાય તે માટે પ્રયાસો કર્યા હતા અને રાજકોટની પ્રજાએ આ લાગણીનો પડઘો પાડીને આજે બંધ પાળ્યું છે એ જ બતાવે છે કે રાજકોટની પ્રજા ભાજપના ભ્રષ્ટાચારથી કેટલી ગળે આવી ગઈ છે.
ઈન્દ્રનીલ રાજગુરૂએ એમ પણ જણાવ્યું છે કે માત્ર રાજકોટની દુર્ઘટના જ નહીં પરંતુ મોરબી, સુરત, વડોદરા અને પાલનપુરમાં બનેલી ઘટનાઓમાં સીટની રચના કરી ભાજપના ભ્રષ્ટાચાર ઉપર ઢાંકપીછોડો કરવાની કોશિશ થઈ છે. કોંગ્રેસે રાજકોટ માટે રચાયેલી સીટમાં અધિકારીઓને બદલવાની માગણી કરી છે પરંતુ સરકારે પોતાના જ નેતાઓને બચાવવા માટે આ માગણી સ્વીકારી નથી. રાજકોટની પ્રજા આ બધું જ જાણે છે અને એટલે જ કોંગ્રેસની લાગણીનો પડઘો આજે મૌન રહીને વ્યક્ત કર્યો છે.
તેમણે એમ પણ જણાવ્યું છે કે, રાજકોટવાસીઓએ આજે સંપૂર્ણ બંધ પાળીને રાજય સરકારને અને ભ્રષ્ટ મહાનગરપાલિકાને તમે ભ્રષ્ટાચાર કરવામાં હદ વળોટો છો તેવું કહીને રૂકજાવનો સ્પષ્ટ સંદેશો આપ્યો છે.
ઈન્દ્રનીલ રાજગુરૂએ આજે બંધમાં સમર્થન આપનાર તમામ વેપારીઓ, ઉદ્યોગકારો, સ્કુલ - કોલેજના સંચાલકો, કોચિંગ ક્લાસના સંચાલકો, તેમજ સમગ્ર રાજકોટની પ્રજાનો આભાર પણ માન્યો છે.
(2:24 PM IST)










