<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 25th June 2024

સાંગણવા ચોકમાં જમીન-મકાનના ધંધાર્થી અરૂણભાઇને સગા બહેને લોહીલુહાણ કર્યા

તું કેમ ઓફિસમાં મારા લગાવેલા તાળા ખોલે છે? કહી ઝપાઝપી કરી હુમલો કરી દીધો થેલીમાં રહેલી વજનદાર વસ્‍તુના ઘા ફટકારતાં નેણ, નાક, બાવડા પર ઇજાઃ ધર્મેન્‍દ્ર રોડના મકાનમાં નીચેના માળે રહેતાં વર્ષાબેન ઓફિસ ખાલી કરવા મામલે વારંવાર ડખ્‍ખા કરતાં હોવાની ફરિયાદ

રાજકોટ તા. ૨૫: ધર્મેન્‍દ્ર રોડ પર રહેતાં જમીન મકાન લે-વેંચના ધધાર્થી પર સાંગણવા ચોક નજીક તેમની ઓફિસ પાસે ફૂટપાથ પર તેના જ મકાનમાં નીચેના માળે રહેતાં સગા બહેને આવી તું કેમ ઓફિસમાં લગાવેલા મારા તાળા ખોલે છે? કહી ઝપાઝપી કરી થેલીમાં રહેલી વજનદાર વસ્‍તુથી હુમલો કરી લોહીલુહાણ કરી મુકતાં સારવાર માટે દાખલ થવું પડયું હતું.

ધર્મેન્‍દ્ર રોડ પર કબા ગાંધીના ડેલાવાળી શેરીમાં રહેતાં અને જમીન મકાન લે-વેંચનો ધંધો કરતાં અરૂણભાઇ કાનજીભાઇ ગોંડલીયા (ઉ.૫૯) સિવિલ હોસ્‍પિટલમાં  દાખલ થતાં હોસ્‍પિટલ ચોકીના રામશીભાઇ વરૂ, કેતનભાઇ નિકોલાએ જાણ કરતાં એ-ડિવીઝન પોલીસે હોસ્‍પિટલે પહોંચી અરૂણભાઇની ફરિયાદ પરથી તેના જ સગા બહેન વર્ષાબેન કાનજીભાઇ ગોંડલીયા વિરૂધ્‍ધ ગુનો નોંધ્‍યો હતો.

અરૂણભાઇએ પોલીસને જણાવ્‍યું હતું કે હું મારા પત્‍નિ અમીતાબેન સાથે રહુ છું. સંતાનમાં બાવીસ વર્ષનો દિકરો ઉત્‍સવ છે. જે ચાર વર્ષથી વિદેશમાં છે. અમે ચાર બહેન અને બે ભાઇઓ છીએ. જેમાં હું મોટો છું. મારા પછી ચંદ્રીકાબેન છે જે અમારા મકાનમાં ત્રીજા માળે રહે છે. એ પછી જોશનાબેન છે જે સાસરે છે. તયારપછી વર્ષાબેન છે, જે અમારા મકાનમાં ગ્રાઉન્‍ડ ફલોરમાં એકલા રહે છે અને અપરિણીત છે. ત્‍યારબાદ મારા ભાઇ ભરતભાઇ છે જે અમારા ઘરની સામે રહે છે. તેનાથી નાના નીશીતાબેન મોરબી રોડ પર રહે છે. સોમવારે સવારે અગિયારેક વાગ્‍યે હું મારી ઓફિસ કે જેનું નામ કે. એચ. ગોંડલીયા એન્‍ડ સન્‍સ છે તે નિર્માણ કોમ્‍પલેક્ષ ગ્રાઉન્‍ડ ફલોરમાં સાંગણવા ચોક નીલદીપ હોટેલવાળી શેરીમાં છે ત્‍યાં ગયો હતો.

બપોર બાદ ત્રેક વાગ્‍યે ઘરે ગયો હતો. બાદમાં રાતે સાઠેક વાગ્‍યે ફરી ઓફિસે ગયો હતો અને ઓફિસે ગયો હતો. ત્‍યારે જોવા મળ્‍યું હતું કે ઓફિસના તાળામાં કોઇકે કેમિકલ નાખ્‍યું છે. આ કેમિકલ કાઢવા હું આસપાસના દુકાનવાળા પાસેથી ઓઇલ લેવા નીચે ઉતરતાં ફૂટપાથની સાઇડમાં પ્‍હોંચતા મારા બહેન વર્ષાબેન ગોંડલીયા મારી પાસે આવ્‍યા હતાં અને મને કહેલું કે કેમ મારા તાળા ઓફિસમાં લગાવ્‍યા છ ેતે ખોલે છે? કહી મારી સાથે બોલાચાલી કરી હતી તેમજ ઝપાઝપી ચાલુ કરી હતી. એ દરમિયાન તેણે પોતાની પાસેની થેલીમાં કંઇક વજનદાર વસ્‍તુ હોઇ મને ઘા ફટકારતાં ડાબી નેણના ભાગે ઇજા થતાં લોહી નીકળવા માંડયા હતાં.

બાદમાં બીજો ઘા નાક પર અને ડાબા બાવડા પર ફટકાર્યા હતાં. એ દરમિયાન મારા પત્‍નિ અમિતા ગોંડલીયા એક્‍ટીવા લઇને નીકળતાં તે મારી પાસે આવી ગયેલ. મેં પોલીસને ફોન કર્યો હતો. મને ચક્કર આવતાં મારા પત્‍નિએ હોસ્‍પિટલમાં ખસેડયો હતો. મારા બહેન વર્ષાબેન અવાર-નવાર ઓફિસ ખાલી કરવા બાબતે મારી સાથે બોલાચાલી કરતાં હોઇ આ વખતે તેણે મારામારી કરી લીધી હતી. તેમ વધુમાં અરૂણભાઇએ જણાવતાં હેડકોન્‍સ. ડી. કે. પરમારે ગુનો નોંધ્‍યો હતો. (૧૪.૫)

 

કુબલીયાપરામાં ‘દેશી'ની ડ્રાઇવઃ ૧૨૦૦ લિટર આથો, ૨૮૫ લિટર દારૂ કબ્‍જેઃ બુલડોઝરથી સાધન સામગ્રીનો નાશ કરાયો

દારૂ-આથાના ચાર કેસ નોંધવામાં આવ્‍યાઃ મોડી રાત સુધી કામગીરી ચાલુ રહીઃ પીઆઇ જી. એન. વાઘેલાની રાહબરીમાં પીએસઆઇ જે. એમ. પરમાર અને પીએસઆઇ એમ. એસ. મહેશ્વરી તથા ટીમોની કાર્યવાહી

રાજકોટઃ શહેરના થોરાળા પોલીસ સ્‍ટેશન હેઠળના કુબલીયાપરા વિસ્‍તારમાં સાંજે દેશી દારૂની ડ્રાઇવ રાખવામાં આવી હતી. જેમાં મહિલાઓ સહિત ચાર વિરૂધ્‍ધ દારૂના ગુના દાખલ કરવામાં આવ્‍યા હતાં. પોલીસે રૂા.૫૭૦૦નો ૨૮૫ લિટર દેશી દારૂ કબ્‍જે કર્યો હતો. તેમજ રૂા. ૨૪૦૦નો ૧૨૦૦ લિટર આથો કબ્‍જે કર્યો હતો. આ ઉપરાંત મુદ્દામાલ કબ્‍જે કરાયો હતો. દેશી દારૂ બનાવવાના સાધનોનો, સામગ્રીનો જેસીબીથી નાશ કરવામાં આવ્‍યો હતો. પીઆઇ જી. એન. વાઘેલાની રાહબરીમાં પીએસઆઇ જે. એમ. પરમાર, પીએસઆઇ એમ. એસ. મહેશ્વરી અને ડી. સ્‍ટાફની ટીમે આ કામગીરી કરી હતી. પોલીસે કુબલીયાપરા-૫ વોંકળા કાંઠેથી શીવા પ્રવિણ સોલંકીને રૂા.૧૦૦ના દારૂ સાથે, સુભાષ ચમન સોલંકીને રૂા. ૫૪૦૦ના દારૂ સાથે પકડયો હતો. જ્‍યારે વિજય ઉર્ફ અજય ઉમેશ સોલંકીના ઘરમાંથી રૂા. ૨૪૦૦નો ૧૨૦૦ લિટર આથો જપ્‍ત કરાયો હતો. તે ઘરે મળ્‍યો નહોતો. આજી વસાહતના શોૈચાલય નજીકથી લક્ષ્મીબેન બિપીન નંદાસીયાને પણ રૂા. ૨૦૦ના દારૂ સાથે પકડી લેવાઇ હતી.

(2:55 PM IST)