તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 25th June 2024
૭૫ વર્ષની ડોશીનું એક જ સપનું છે-અમ્બેરિકા (અમેરિકા)જવાનું!!! કંઇક નવતર પ્રયોગ જે તમને હસાવી હસાવી થકવી દેશે !
૯ જુલાઇએ રાજકોટના આંગણે આવી રહ્યું છે - અદ્ભુત ગુજરાતી કોમેડી નાટક ‘યુનાઇટેડ સ્ટેટસ ઓફ પાડાની પોળ'

રાજકોટઃ મિત્રો વિદેહી એન્ટરટેઇન્મેન્ટની દરેક પ્રસ્તુતિને તમે બે હાથ પહોળા કરી વધાવી છે. પ્રતીક ગાંધી અભિનીત મોહનનો મસાલો હોય, આદિત્ય ગઢવી અભિનીત હાજી કાસમ તારી વીજળી હોય, અનુપ સોની અભિનીત બાલીગંજ હોય , અકૂપાર, સમુદ્ર મંથન,આજ જાને કી ઝિદ ના કરો વગેરે જેવા નાટકો હોય કે પછી ઉર્દુ મુશાયરાઓ હોય ! વિદેહી એન્ટરટેઇન્મેન્ટ પોતાની હટકે નાટકો લાવવાની પરંપરા સાતત્યપૂર્ણ આગળ વધારી રહ્યું છે માત્રને માત્ર આપ સહુ કલાપ્રેમી પ્રેક્ષકોના પ્રોત્સાહનથી. અને એ જ પરંપરા આગળ વધારતા વિદેહી આ વખતે લાવી રહ્યું છે, સૌમ્ય જોશી નો જ એક સાવ અનોખો પ્રયોગ. યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ પાડાની પોળ.
એક ૭૫ વર્ષ ની વિધવા ડોશી , ખાખરા ફરસાણ વેચી જીવન ગુજારે . ઉંમર ૭૫ ની પણ દિલ સપનાઓ થી ભરેલું . વર્ષો થી સેવેલું એક જ સપનું - અમ્બેરિકા ( America) જવાનું ! ડોશી એ અમેરિકા જવા ઊંધે કાંધ થઇ ને પ્રયત્નો ચાલુ કર્યા ને તેની આખી પાડાની પોળ એની મદદમાં જોડાઈને પછી સર્જાય - સૌમ્ય જોશી લિખિત દિગ્દર્શિત ફેફસાંફાડ કોમેડી પ્રયોગશીલ નાટક - યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ પાડાની પોળ.
૭૦ મિનિટના આ કોમેડી નાટકમાં ડોશીને અમેરિકા પહોંચાડવા માટે તેની આખી પોળ જેનું નામે છે પાડા ની પોળ -કઈ રીતે મદદ કરે છે અને તેમાંથી કેવી કેવી કોમેડી રચાય છે તેનું ખુબ જ રસિક લેખન અને નિરૂપણ શ્રી સૌમ્ય જોશી એ કર્યું છે. આ નાટકમાં કોઈ ફેન્સી લાઈટ નથી , કોઈ ભવ્ય સેટ નથી, માત્ર નકરું હાસ્ય છે.
સૌમ્ય જોશી એટલે આદિત્ય ગઢવીનું વિશ્વવિખ્યાત ગીત ગોતી લો , ગોતી લો ખલાસી ગીત જેમને પોતે લખ્યું છે તે. હેલ્લારો ફિલ્મના લેખક -ગીતકાર,અને જેમના નાટક ૧૦૨ નોટ આઉટ પરથી અમિતાભ , ઋષિ કપૂર અભિનીત બોલિવૂડ ફિલ્મ ૧૦૨ નોટ આઉટ બની. સૌમ્ય જોશીનું ટ્રેન જેવો અઘરો સેટ ધરાવતું નાટક આજ જાને કી ઝિદ ના કરો તમે થોડા સમય પહેલા જોયું. કેટલાયે સાવ જ હટકે નાટકોના લેખક દિગ્દર્શક -સૌમ્ય જોશી પાસે થી આવી હળવી કળતિ લોકો ને વધુ હળવા બનાવી દેવાની ગેરંટી સાથે જ આવતી હોય છે. કોમેડી નાટકો માં કોમેડી ગીતો વણી લઈને સૌમ્ય એ નાટક ને ખરેખર હસી હસી ને થકવી દે તેવું બનાવ્યું છે.
રાજકોટમાં નાટકના બે પ્રયોગ ૯ જુલાઈ , મંગળવાર રાત્રે ૮.૩૦કલાકે અને ૧૦.૧૫ કલાકે , હેમુ ગઢવી હોલ ખાતે થશે. ટિકિટ માટે સંપર્ક : ૯૦૨૩૨૮૨૪૦૭.
રાજકોટ માં ‘યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ પાડાની પોળ' વિદેહી એન્ટરટેઇન્મેન્ટ લાવી રહ્યું છે ત્યારે આ નાટકના આધારસ્તંભોમાં સૌ પ્રથમ નામ હંમેશ મુજબ પથદર્શક એવા અકિલા પરિવારના મોભી શ્રી કિરીટભાઈ ગણાત્રા અને દીવાદાંડી સમાન શ્રી નિમિષભાઇ ગણાત્રાનું તથા સમગ્ર અકિલા પરિવારનું છે. સાથે એપલ બેસન, મીરા જવેલ્સ ,મધુસુદન મસાલા (ડબલ હાથી ), રા રા પ્રિમયમવોટર અને સરાઝા હોટેલ છે.
(3:36 PM IST)










