News of Thursday, 27th June 2024
જીવરાજ પાર્કના ૧૦ વર્ષના પ્રિયનનું રાસ ગરબા શીખતી વખતે હૃદય બેસી જતાં મૃત્યુ
લક્ષમણ ટાઉનશીપના પોકીયા પરિવારમાં કલ્પાંતઃ માતા-પિતાનો એકનો એક પુત્ર હતો

રાજકોટ તા. ૨૭: નાના મવા રોડ જીવરાજ પાર્કમાં રહેતાં દસ વર્ષના બાળકનું દાંડીયા રાસ શીખતી વખતે હાર્ટએટેક આવી જતાં મૃત્યુ નિપજતાં પરિવારમાં ગમગીની વ્યાપી ગઇ છે.
જાણવા મળ્યા મુજબ જીવરાજ પાર્કમાં લક્ષમણ ટાઉનશીપમાં રહેતો પ્રિયન જીજ્ઞેશભાઇ પોકીયા (ઉ.વ.૧૦) રાતે સવા નવેક વાગ્યે લક્ષમણ ટાઉનશીપમાં જ બાલાજી ગરબા મંડળમાં રાસ ગરબા શીખવા ગયો હોઇ ત્યાં રમતી વખતે એકાએક બેભાન થઇ ઢળી પડતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. પરંતુ અહિ દમ તોડી દેતાં પરિવારમાં કલ્પાંત સર્જાયો હતો. હોસ્પિટલ ચોકીના રામશીભાઇ વરૂ, કેતનભાઇ નિકોલા સહિતે તાલુકા પોલીસને જાણ કરતાં પીએસઆઇ પી. એચ. નાઇ અને વિક્રમભાઇએ જરૂરી કાર્યવાહી કરી હતી.
મૃત્યુ પામનાર પ્રિયન ધોરણ-૫માં ભણતો હતો અને માતા ધર્મિષ્ઠાબેન અને પિતા જીજ્ઞેશભાઇનો એકનો એક પુત્ર હતો. તેના પિતા પ્રાઇવેટ નોકરી કરે છે. પોલીસ તપાસમાં ખુલ્યા મુજબ પ્રિયનને જન્મજાત હૃદયમાં કાણુ હતું. રાતે રાસ ગરબા શીખવા ગયો હોઇ રાસ રમતી વખતે હાર્ટએટેક આવી ગયાનું જણાવાયું હતું. એકના એક દિકરાના મૃત્યુથી પરિવારમાં કલ્પાંત સર્જાયો હતો.
રેલનગરના વૃધ્ધ નાથાભાઇનું પણ હાર્ટએટેકથી મૃત્યુ
અન્ય બનાવમાં રેલનગર અવધ પાર્ક-૪માં રહેતાં નાથાભાઇ ધનાભાઇ વાઘેલા (ઉ.વ.૭૫) સાંજે ચારેક વાગ્યે ઘરે હતાં ત્યારે એકાએક ઢળી પડતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં.
પરંતુ અહિ દમ તોડી દેતાં પરિવારમાં શોક છવાઇ ગયો હતો. હોસ્પિટલ ચોકીના સ્ટાફે પ્ર.નગર પોલીસને જાણ કરી હતી. નાથાભાઇને હાર્ટએટેક આવી ગયાનું જણાવાયું હતું. તેમને સંતાનમાં બે પુત્ર છે. પોતે ત્રણ ભાઇ અને એક બહેનમાં મોટા હતાં અને આરએમસીના નિવૃત સફાઇ કામદાર હતાં.
(2:15 PM IST)










