તા. ૧૦ નવેમ્બર ર૦ર૪ વિક્રમ સંવત ર૦૮૧ કારતક સુદ - ૯, રવિવાર
News of Thursday, 27th June 2024
બહુમાળી ભવનમાં ચોથા માળે ધબધબાટીઃ જીએસટીના સ્ટેટ ટેક્સ ઇન્સ્પેક્ટર અને સિંચાઇ વિભાગના ક્લાર્કની સામ-સામી ફરિયાદ
જીએસટીના સ્ટેટ ટેક્સ ઇન્સ્પેક્ટર અને સિંચાઇ વિભાગના ક્લાર્ક એવા તેમના ભાઇ શિવમ પાડલીયાને ઇજાઃ સામા પક્ષે સિંચાઇના ક્લાર્ક શિવરાજસિંહ જાડેજા અને તેના ભાઇ સિધ્ધરાજસિંહ જાડેજાને ઇજા : મહિલા અધિકારીએ ફરિયાદમાં લખાવ્યું કે-મારા ભાઇને શિવરાજસિંહે ફોન કરી કારણ વગર ગાળો દેતાં સમજાવવા જતાં હુમલો કરાયોઃ ટયુબલાઇટના હોલ્ડરથી, ઢીકાપાટુથી માર માર્યોઃ ધમકી પણ દીધી, ચશ્મા તૂટી ગયા, સાથળમાં પાટા માર્યા

રાજકોટ તા. ૨૭: શહેરના બહુમાળી ભવનમાં ચોથા માળે આવેલા સિંચાઇ વિભાગમાં બઘડાટી બોલી જતાં ચકચાર મચી ગઇ છે. અહિ જીએસટીમાં ફરજ બજાવતાં મહિલા અધિકારી અને સિંચાઇ વિભાગમાં ક્લાર્ક તરીકે ફરજ બજાવતાં તેમના ભાઇને સિંચાઇ વિભાગના જ બે ક્લાર્ક બંધુએ ગાળો દઇ ઝપાઝપી કરી ટયુબલાઇટના હોલ્ડરથી અને ઢીકાપાટુનો માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપતાં ગુનો નોંધાયો છે. કારણ વગર આ ડખ્ખો કરાયાનું ફરિયાદમાં જણાવાયું છે. સામા પક્ષે જીએસટીના સ્ટેટ ટેક્સ ઇન્સ્પેક્ટર અને તેમના ભાઇ વિરૂધ્ધ પણ ફરિયાદ દાખલ કરાવાઇ છે. તેમાં જણાવાયું છે કે મહિલા અધિકારીના ભાઇની ઓફિસનો ડિઝાસ્ટરનો ઓર્ડર આવ્યો હોઇ તે લઇ જવાનું કહેવાતાં તે અંગે બોલાચાલી થતાં આ માથાકુટ થઇ હતી.
આ બનાવમાં પ્ર.નગર પોલીસે શ્રોફ રોડ બહુમાળી ભવન પાસે સરકારી ક્વાર્ટરમાં રહેતાં અને બહુમાળી ભવનમાં જીએસટી વિભાગમાં એસટીઆઇ તરીકે ફરજ બજાવતાં મહિલા અધિકારીની ફરિયાદ પરથી શિવરાજસિંહ શૈલેન્દ્રસિંહ જાડેજા અને સિધ્ધરાજસિંહ શૈલેન્દ્રસિંહ જાડેજા વિરૂધ્ધ ગુનો નોંધ્યો છે. અધિકારીએ પોતાની ફરિયાદમાં જણાવ્યું છે કે હું જીએસટીમાં છું અને મારો નાનો ભાઇ શિવમભાઇ પાડલીયા બહુમાળી ભવનમાં ઇરીગેશન વિભાગમાં જુનીયર ક્લાર્ક તરીકે નોકરી કરે છે. બુધવારે બપોરે અઢી વાગ્યા આપસાસ હું અને નાનો ભાઇ ઘરે લંચ માટે ગયા હતાં. ત્યારે મારા ભાઇના ફોનમાં તેની ઓફિસમાં સિનીયર ક્લાર્ક તરીકે નોકરી કરતાં શિવરાજસિંહ જાડેજાનો ફોન આવ્યો હતો. તેણે મારા ભાઇને જેમ ફાવે તેમ ગાળો દીધી હતી. આથી મારો ભાઇ શિવમ તાકીદે ઓફિસે ગયો હતો. હું પણ પાછળ પહોંચેલ. તે વખતે શિવરાજસિંહ અને ઓફિસના બીજા માણસો ટોળે વળેલા હતાં. શિવરાજસિંહ મારા ભાઇને ધમકાવી રહેલ હોઇ ેથી મેં ત્યાં જઇ શું વાત છે? મને વાત કરો... તેમ શાંતિથી કહેતાં શિવરાજસિંહ અને તેના ભાઇ સિધ્ધરાજસિંહ જે પણ સિનીયર ક્લાર્ક છે તે મારી અને મારા ભાઇ સાથે અસભ્ય વર્તન કરવા લાગ્યા હતાં અને ગાળો દેવા માંડયા હતાં. સિધ્ધરાજસિંહના હાથમાં ટયુબલાઇટનું ફોલ્ડર હોઇ તેનાથી મારા ભાઇને હાથે-પગે-શરીરે માર મારતાં હું વચ્ચે પડતાં મને ઢીકાપાટુનો માર મારી મારા ચશમા તોડી નાખ્યા હતાં અને મને ધમકી આપી ડાબી આંખના ઉપરના ભાગે મુક્કો માર્યો હતો. તેમજ ઝપાઝપી કરી હતી.
આ વખતે મારા ભાઇની ઓફિસના કાર્યપાલક ઇજનેર એન. વી. ચાંઉ આવી ગયા હતાં. દરમિયાન ભાઇના મિત્ર મોહિત પણ આવી ગયા હતાં. બાદમાં શિવરાજસિંહ અને તેના ભાઇએ અમે મોબાઇલમાં ઉતારેલો વિડીયો પણ ડિલીટ કરાવી નાખ્યો હતો. મને ઢીકાપાટુનો માર મારી સાથળના ભાગે પણ પાટા માર્યા હતાં. તેમજ કોઇપણ વાંકગુના વગર મારા ભાઇને ગાળો દઇ તેને પણ માર માર્યો હતો. જીએસટીના મહિલા અધિકારી સારવાર માટે દાખલ થયા હતાં. સામા પક્ષે યુનિવર્સિટી રોડ ગવર્નમેન્ટ સ્ટાફ ક્વાર્ટર બી-૩૦૪માં રહેતાં અને બહુમાળી ભવન સિંચાઇ યોજનામાં ક્લાર્ક તરીકે ફરજ બજાવતાં શિવરાજસિંહ શૈલેન્દ્રસિંહ જાડેજા (ઉ.વ.૩૧)ની ફરિયાદ પરથી શિવમ પાડલીયા, મહિલા અધિકારી અને બે અજાણ્યા વિરૂધ્ધ ગુનો દાખલ કરાયો છે.
શિવરાજસિંહે ફરિયાદમાં જણાવ્યું છે કે બુધવારે ૨૬મીએ હું કચેરીમાં હતો ત્યારે શિવમ પાડલીયા અને અભિષેક ટાંકને તેની કચેરી ડિઝાસ્ટર મેનેજમેનટ બાબતનો ઓર્ડર આવ્યો હોઇ તે લઇ જવાની સુચના આપી હતી. ઘણી રાહ જોવા છતાં તે ન આવતાં બપોરે અઢી વાગ્યે અમારા આસિસ્ટન્ટ ઇશાબેને જણાવેલુ કે-શિવમભાઇ પાડલીયાએ મને કહેલું છે કે શિવરાજસિંહને કહેજો મારો ઓર્ડર મારી ઓફિસમાં મોકલી આપે. આથી અમે અંકિત જોબનપુત્રાના ફોનમાંથી જાણ કરી ઓર્ડર રૂબરૂ લઇ જવા અથવા તમારા વિભાગના કોઇ પણ કર્મચારીને મોકલી ઓર્ડર લઇ જાઓ તેવું કહેતાં શિવમે ફોન કાપી નાખ્યો હતો.
આ પછી હું ઓર્ડર લઇ ચોથા માળે શિવમની ઇરિટેશન વિભાગની ઓફિસે ગયો હતો. ત્યારે તેની સાથે બે અજાણ્યા હોઇ ઉશ્કેરાઇ જઇ મારી સાથે ઝઘડો કર્યો હતો અને ગાળો દીધી હતી. એ દરમિયાન તેના બહેન જીએસટી વિભાગમાં સ્ટેટ ટેક્સ ઇન્સ્પેક્ટર હોઇ તેઓ પણ આવી ગયા હત)ં અને ઝઘડો કરવા લાગ્યા હતાં. મારા ભાઇ સિધ્ધરાજસિંહ બહુમાળી ભવનમાં જ સિંચાઇ વિભાગમાં સિનીયર ક્લાર્ક હોઇ તે પણ આવી ગયા હતાં. બીજા કર્મચારીઓ પણ ભેગા થઇ ગયા હતાં. આ વખતે શિવમ, તેના બહેન અને બે અજાણ્યાએ અમારી સાથે ઝઘડો કરી ઝપાઝપી કરી હતી. આ કારણે મને માથા અને ચહેરા પર તેમજ છાતીના ભાગે સામાન્ય ઇજા થઇ હતી. મારા ભાઇ સિધ્ધરાજસિંહને ચહેરા અને જમણા હાથે ઇજા થઇ હતી. શિવમના બહેને અમોને છેડતીમાં ફીટ કરી દેવાની ધમકી આપી હતી તેમજ મારી નાખવાની ધમકી આપી હતી. અમોને ઇજા થતાં સિવિલ હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર લીધી હતી. બાદમાં ફરિયાદ નોંધાવી હતી.
પ્ર.નગર પીઆઇ બી. એમ. ઝણકાટની રાહબરીમાં હેડકોન્સ. પી. વી. નાગાણીએ બંને ફરિયાદ દાખલ કરવા તજવીજ કરી હતી.
(2:16 PM IST)










